Western Times News

Gujarati News

ભેંસો ચરાવવા મોકલવા મોટા ભાઈએ ઉઠાડ્યોઃ ગુસ્સો આવતાં ધોકાથી મારી નાંખ્યો

દહેગામ તાલુકાના હરખજીના મુવાડા ગામે  ભેંસો ચરાવવાની તકરારમાં નાના ભાઈએ મોટાને ધોકાથી મારી નાંખ્યો-માતાએ જ પોતાના નાના પુત્ર વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી.

દહેગામ, દહેગામ તાલુકાના હરખજીના મુવાડા ગામે ભેંસો ચરાવવા જવા જેવી સામાન્ય બાબતે બે સગા ભાઈઓ વચ્ચે થયેલા ઝઘડામાં નાના ભાઈએ પોતાના મોટાભાગના માથામાં લાકડાનો ધોકો ફટકારી દેતા ગંભીર ઈજા પહોંચી હતી.

સારવાર દરમિયાન ૧૩ દિવસ સુધી મોત સામે ઝઝૂમ્યા બાદ યુવાનનું મોત નીપજતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે શરૂઆતમાં પરિવારજનોએ ઘટનાની સાચી હકીકત છુપાવી હતી, પરંતુ અંતે માતાએ જ પોતાના નાના પુત્ર વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી.

ર૬ એપ્રિલે સવારે આશરે ૮ વાગ્યે હરખજીના મુવાડા ગામે નિશાળવાળા વાસમાં રહેતો અર્જુનસિંહ ઉર્ફે મેહુલ ભીખુસિંહ ચૌહાણ ઘરે ઉંઘી રહ્યો હતો. તે દરમિયાન તેનો મોટાભાઈ કરણસિંહ તેને ભેંસો ચરાવવા જવા માટે જગાડવા ગયો હતો.

જોકે અર્જુનસિંહે થોડીવાર બાદ જવાની વાત કરતા બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. બંને ભાઈઓ વચ્ચે ઝપાઝપી થતાં વાત વધુ બગડી હતી. ગુસ્સે ભરાયેલા અર્જુનસિંહે નજીકમાં પડેલો લાકડાનો ધોકો ઉઠાવી કરણસિંહના માથામાં જોરદાર ફટકો મારી દીધો હતો.

માથામાં ગંભીર ઈજા પહોંચતા કરણસિંહ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. ગંભીર હાલતમાં કરણસિંહને તાત્કાલિક દહેગામ સરકારી હોસ્પિટલ બાદ ગાંધીનગર સિવિલ અને ત્યારબાદ અમદાવાદ સિવિલમાં રિફર કરવામાં આવ્યો હતો.

ઘટના બાદ પરિવારજનોએ પોલીસ સમક્ષ સાચી હકીકત છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન ૧૩ દિવસે કરણસિંહે દમ તોડયો હતો. પુત્રના મોત બાદ માતા જયાબેન ચૌહાણે હિંમત ભેગી કરી સમગ્ર ઘટનાની સાચી હકીકત પોલીસ સમક્ષ રજૂ કરી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.