Western Times News

Gujarati News

સનરાઇઝર્સનો બેટિંગમાં ધબડકો, ગુજરાત ટાઇટન્સ મોખરે પહોંચી ગયું

હૈદરાબાદે ૧૪.૫ ઓવરમાં માત્ર ૮૬ રન કર્યા

આઇપીએલઃ રબાડા-હોલ્ડરની ધાતક બોલિંગ, સુદર્શન-સુંદરની અડધી સદી, ગુજરાતનો ૮૨ રનથી વિજય

અમદાવાદ, કેગિસો રબાડા અને જેસન હોલ્ડર સહિતના બોલર્સની ઘાતક બોલિંગ અને તે અગાઉ સાઇ સુદર્શનના ૬૧ રન અને વોશિંગ્ટન સુંદરના ૫૦ રનની મદદથી ગુજરાત ટાઇટન્સે વર્તમાન આઇપીએલમાં સળંગ પાંચમો વિજય હાંસલ કરતાં મજબૂત સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમને ૮૨ રનથી કારમી હાર આપી હતી. આ સાથે ગુજરાત ટાઇટન્સની ટીમ વર્તમાન ટી૨૦ ક્રિકેટ લીગમાં ૧૬ પોઇન્ટ સાથે મોખરે પહોંચી ગઈ હતી. અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પોતાના હોમગ્રાઉન્ડનો લાભ ઉઠાવતાં ગુજરાત ટાઇટન્સના બોલર્સે આતંક મચાવ્યો હતો અને લગભગ તમામ બોલરે પોતાની ક્ષમતાને અનુરૂપ બોલિંગ કરીને હરીફ ટીમનો ધબડકો કર્યાે હતો.

સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને ગુજરાતને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ગુજરાત ટાઇટન્સે તેની ૨૦ ઓવરને અંતે પાંચ વિકેટે ૧૬૮ રનનો સ્કોર રજૂ કર્યાે હતો જેના જવાબમાં હૈદરાબાદે ૧૪.૫ ઓવરમાં માત્ર ૮૬ રન કર્યા હતા.૧૬૯ રનના ટારગેટ સામે રમતાં હૈદરાબાદે પહેલી બે ઓવરમાં જ બે વિકેટ ગુમાવી દીધી હતી. આમ હૈદરાબાદની શરૂઆત અત્યંત કંગાળ રહી હતી. મોહમ્મદ સિરાઝ અને કેગિસો રબાડા અગાઉની મેચની માફક મંગળવારે પણ ઘાતક બોલિંગ કરી રહ્યા હતા. જેની સામે અભિષેક શર્મા (૦૬), ટ્રેવિસ હેડ (૦૦) અને ઇશાન કિશન (૧૧) સસ્તામાં આઉટ થઈ ગયા હતા.

રબાડાએ તેની ચાર ઓવર સળંગ ફેંકી હતી અને અંતે ૨૮ રનમાં ત્રણ વિકેટ લીધી હતી. આવી જ રીતે જેસન હોલ્ડરે ૨૦ રનમાં ત્રણ વિકેટ લીધી હતી.૧૧મી ઓવર સુધીમાં તો સનરાઇઝર્સ હૈદરાબાદે લગભગ મેચ ગુમાવી દીધી હતી કેમ કે ત્યાં સુધીમાં તેણે ૬૦ રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી. રબાડા ઉપરાંત સિરાઝ, જેસન હોલ્ડર અને પ્રસિદ્ધ ક્રિષ્ણા આમ ગુજરાતના પ્રથમ ચાર બોલરે વિકેટો ખેરવી હતી. અગાઉ સાઇ સુદર્શનની સંઘર્ષપૂર્ણ અને વોશિંગ્ટન સુંદરની આક્રમક અડધી સદીની મદદથી ગુજરાત ટાઇટન્સે ૧૬૮ રનનો પડકારજનક સ્કોર નોંધાવ્યો હતો.

સુદર્શને વર્તમાન સિઝનના પોતાના ૫૦૦ રન પૂરા કર્યા હતા અને ઓરેન્જ કેપ હાંસલ કરી લીધી હતી. તેણે પાંચ ચોગ્ગા ને બે સિક્સરની મદદથી ૪૪ બોલમાં ૬૧ રન ફટકાર્યા હતા. જ્યારે વોશિંગ્ટન સુંદરે ૩૩ બોલમાં ૫૦ રન ફટકાર્યા હતા જેમાં સાત ચોગ્ગા અને એક સિક્સર સામેલ હતી.આ તરફ હૈદરાબાદ માટે પ્રફુલ હિંગેએ ત્રણ ઓવરમાં માત્ર ૧૭ રન આપીને બે મહત્વની વિકેટ ખેરવી હતી. ગુજરાતની શરૂઆત નબળી રહી હતી. કેપ્ટન શુભમન ગિલ માત્ર પાંચ રનના સ્કોરે આઉટ થયો હતો જ્યારે જોઝ બટલર પણ સાત જ રન કરી શક્યો હતો.

ટીમની રમરેટ પણ અત્યંત ધીમી રહી હતી. હૈદરાબાદના બોલર્સેએ શરૂઆતથી જ દબાણ જાળવી રાખ્યું હતું, જેને કારણે પાવરપ્લેના અંતે ગુજરાતનો સ્કોર બે વિકેટે માત્ર ૩૪ રન હતો જે આ સિઝનનો તેમનો સૌથી ઓછો સ્કોર છે. આ દરમિયાન નિશાન્ત સિંધૂએ ૧૪ બોલમાં ૨૨ રન ફટકારીને વળતો પ્રહાર કરવાનો પ્રયાસ કર્યાે હતો, પરંતુ તે લાંબી ઇનિંગ્સ રમી શક્યો ન હતો. પેટ કમિન્સે તેને આઉટ કરીને ગુજરાતને ત્રીજો ફટકો આપ્યો હતો.મુશ્કેલ સમયમાં સાઇ સુદર્શન અને વોશિંગ્ટન સુંદરે બાજી સંભાળી હતી. બંને વચ્ચે ચોથી વિકેટ માટે ૬૦ રનની મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાઈ હતી. સુદર્શને એક છેડો સાચવી રાખીને ૬૧ રન કર્યા હતા તો સુંદરે અંતિમ ઓવરોમાં ઝડપી બેટિંગ કરતા ૫૦ રન પૂરા કર્યા હતા. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.