Western Times News

Gujarati News

ખોટી રીતે નોકરી મેળવનારા શિક્ષકો પાસેથી વ્યાજ સાથે પગાર વસુલાશે

કોલકાતા, પશ્ચિમ બંગાળના શિક્ષણ વિભાગે રાજ્યની સરકારી શાળાઓમાં ગેરકાયદેસર રીતે નોકરી મેળવનારા ઉમેદવારો વિરુદ્ધ લાલ આંખ કરી છે. વિભાગે તમામ જિલ્લા કલેક્ટરોને આદેશ આપ્યો છે કે જે ‘દાગી’ ઉમેદવારોએ પૈસા આપીને શિક્ષણ કે બિન-શૈક્ષણિક પદો મેળવ્યા હતા, તેમની યાદી તાત્કાલિક તૈયાર કરવામાં આવે. આ ઉમેદવારોએ અત્યાર સુધી મેળવેલો પગાર અને તેના પરનું વ્યાજ ગણીને રાજ્ય સરકારને પરત કરવાનું રહેશે.

શિક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર, ‘દાગી’ શ્રેણીમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેમણે ભરતી પરીક્ષાઓમાં કોરી કે અધૂરી ઉત્તરવહીઓ જમા કરાવી હોવા છતાં નોકરી મેળવી હતી. આ ઉપરાંત, રેન્કમાં છેડછાડ કરીને અથવા પેનલની બહારથી નામાંકન મેળવીને નોકરી હસ્તગત કરનારાઓનો પણ તેમાં સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૪માં કોલકાતા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળ સ્કૂલ સર્વિસ કમિશનની અંદાજે ૨૬,૦૦૦ નોકરીઓની આખી પેનલ રદ કરી દીધી હતી. આ નિર્ણયને સુપ્રીમ કોર્ટે પણ ૨૦૨૫માં માન્ય રાખ્યો હતો. અદાલતે સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે જે લોકોએ અયોગ્ય રીતે સરકારી ભંડોળ મેળવ્યું છે, તેમની પાસેથી વ્યાજ સાથે નાણાંની વસૂલાત કરવામાં આવે.

રાજ્ય શિક્ષણ વિભાગે હવે વહીવટીતંત્રના ટોચના અધિકારીઓની સૂચના બાદ આ વિલંબિત વસૂલાત પ્રક્રિયા તેજ કરી છે.
ભૂતકાળમાં જ્યારે અયોગ્ય શિક્ષકોની યાદી જાહેર કરવામાં આવી હતી, ત્યારે તેમાં તૃણમૂલ કોંગ્રેસના અનેક નેતાઓ અને તેમના નજીકના સંબંધીઓના નામ બહાર આવ્યા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.