LPG માટે ઓમાનથી ભારત સુધી 2000 કિમી સમુદ્રમાં 3.45 કિમી નીચે LPG ગેસ સપ્લાય પાઈપલાઈનનો પ્રોજેક્ટ
LPG ગેસ સપ્લાય માટે ભારતે બનાવ્યો ૪૦,૦૦૦ કરોડનો પ્લાન- પ્રોજેક્ટ પૂર્ણ થતાં 5 થી 7 વર્ષનો સમય લાગી શકે છે
નવી દિલ્હી, મોદી સરકારે દેશની ઉર્જા સુરક્ષા માટે રૂ.૪૦,૦૦૦ કરોડના ડ્રીમ પ્રોજેક્ટ પર કામ તેજ કરી દીધું છે. ભારતની યોજના ખાડી દેશોમાંથી ગેસનો અવિરત સપ્લાય સુનિશ્ચિત કરવા માટે સમુદ્રની નીચે સીધી પાઈપલાઈન બિછાવવાની છે. પેટ્રોલિયમ મંત્રાલયના અધિકારીઓ પાસેથી મળેલી માહિતી મુજબ, ઓમાનથી ભારત સુધી ગેસ પાઈપલાઈનનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
ઓમાનથી ભારત સુધીના સૂચિત મિડિલ ઈસ્ટ ઈન્ડિયા ડીપ વોટર પાઈપલાઈન પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ આશરે રૂ.૪૦,૦૦૦ કરોડ છે. આ પાઈપલાઈનની લંબાઈ ૨૦૦૦ કિલોમીટર હશે, જે સમુદ્રના તળિયે ૩૪૫૦ મીટરની ઊંડાઈએ બિછાવવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતા ૫ થી ૭ વર્ષનો સમય લાગી શકે છે અને તે ઓમાનને સીધું ગુજરાતના દરિયાકાંઠા સાથે જોડશે.
પ્રોજેક્ટ મુજબ, આ પાઈપલાઈન દ્વારા ઓમાનથી ભારત સુધી દરરોજ ૩૧ મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબીક મીટર નેચરલ ગેસનો સપ્લાય કરવામાં આવશે. ભારતમાં કુદરતી ગેસની માંગ સતત વધી રહી છે.
હાલમાં ગેસનો વપરાશ ૧૯૦-૧૯૫ મિલિયન સ્ટાન્ડર્ડ ક્્યુબિક મીટર છે, જે ૨૦૩૦ સુધીમાં વધીને ૨૯૦-૩૦૦ થવાનો અંદાજ છે. આ વધતી માંગને આ પ્રોજેક્ટ દ્વારા પૂરી કરી શકાશે.
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલય આ પ્રોજેક્ટને આગળ વધારવા માટે જાહેર ક્ષેત્રની કંપનીઓ જેવી કે એન્જિનિયર્સ ઈન્ડિયા અને ઈન્ડિયન ઓઈલને એક રિપોર્ટ તૈયાર કરવા નિર્દેશ આપવાનું છે. આ અંડરવોટર ગેસ પાઈપલાઈન પ્રોજેક્ટ ધ સાઉથ એશિયા ગેસ એન્ટરપ્રાઈઝના પ્રી-ફિઝિબિલિટી રિસર્ચ પર આધારિત છે. જીછય્ઈ એ ડેમો પાઈપલાઈન બિછાવીને આ અંગે સંશોધન કર્યું છે.
ધ સાઉથ એશિયા ગેસ એન્ટરપ્રાઈઝ એ દરિયાઈ તળની સ્થિતિ તપાસવા માટે રૂ.૨૫ કરોડના ખર્ચે ૩૦૦૦ મીટર લાંબી ટેસ્ટિંગ પાઈપલાઈન બિછાવી છે. નવી ટેકનોલોજીને કારણે ઊંડા સમુદ્રમાં પાઈપ બિછાવવાનું અને તેનું સમારકામ કરવાનું સરળ બન્યું છે.
આ પાઈપલાઈન માત્ર ઓમાન જ નહીં, પરંતુ સંયુક્ત આરબ અમીરાત, સાઉદી અરેબિયા, ઈરાન, તુર્કમેનિસ્તાન અને કતારથી પણ ગેસ સપ્લાય સુનિશ્ચિત કરશે.
