Western Times News

Gujarati News

દ્વારકા નજીક ચાલુ કારમાં આગ લાગતાં પિતા-પુત્રી જીવતાં ભૂંજાયાં

આહિર પરિવારને કલ્યાણપુરમાં અકસ્માત નડ્યો

ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી

ખંભાળિયા,દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રણજીતપુર ગામ નજીક એક કાળજું કંપાવી દેનારી દુર્ઘટના સામે આવી છે. રણજીતપુર ગામથી માત્ર ૧ કિલોમીટર દૂર ચાલુ કારમાં અચાનક આગ લાગતા પિતા અને પુત્રીનું કારની અંદર જ જીવતા ભૂંજાઈ જવાથી કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જ્યારે કારની પાછળની સીટ પર બેઠેલા માતાનો ચમત્કારિક રીતે આબાદ બચાવ થયો છે. તેમને સામાન્ય ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.

મળતી માહિતી મુજબ, રાજકોટમાં હોટલ વ્યવસાય સાથે સંકળાયેલો આહિર પરિવાર કલ્યાણપુરના રણજીતપુર ગામે એક ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવા માટે આવ્યો હતો. પરિવારમાં ખુશીનો માહોલ હતો અને ધાર્મિક કાર્યક્રમ પૂર્ણ કરીને તેઓ અત્યંત આનંદ સાથે પોતાની કારમાં રાજકોટ પરત ફરી રહ્યા હતા. ત્યારે જ કારમાં અચાનક કોઈ અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી અને આગળની સીટ પર સવાર પિતા વલ્લભભાઈ અને પુત્રી આગની લપેટમાં આવી ગયા હતા.કારમાં આગ લાગતા પાછળની સીટ પર બેસેલા માતા કારમાંથી બહાર નીકળી જવામાં સફળ રહ્યા હતા અને તેમનો જીવ બચી ગયો હતો.

અકસ્માતમાં તેમને સામાન્ય ઈજા થતા સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. નજર સામે જ પતિ-પુત્રીને ગુમાવવાનો ઈજાગ્રસ્તને ઊંડો આઘાત લાગ્યો છે. ઘટના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસ તેમજ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી. ss1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.