ભારતના શિક્ષણ ક્ષેત્રમાં ગુગલની મોટી જાહેરાત: AI સાક્ષરતા અને તાલીમ વધારવા રાજ્યો સાથે ભાગીદારી
Gemini અને રીડએલોંગ (ReadAlong) જેવા AI સંચાલિત ટૂલ્સનો ઉપયોગ વ્યક્તિગત શિક્ષણ અને સમજણ શક્તિ વધારવા માટે કરવામાં આવશે
ગુગલ ભારત સરકારના સહયોગથી તેમજ મહારાષ્ટ્ર, છત્તીસગઢ, આસામ, કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ અને પંજાબ સ્કૂલ એજ્યુકેશન બોર્ડ સાથે મળીને ‘ગુગલ AI એજ્યુકેટર સિરીઝ’ (GES) શરૂ કરશે.
નવી દિલ્હી, 19 મે 2026 : અમેરિકાની અગ્રણી ટેકનોલોજી કંપની ગુગલે (Google) મંગળવારે ભારતના શૈક્ષણિક માળખામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સાક્ષરતા, ટૂલ્સ અને તાલીમનો વ્યાપ વધારવા માટે દેશવ્યાપી અભિયાનની જાહેરાત કરી છે. લંડનમાં આયોજિત ‘એજ્યુકેશન વર્લ્ડ ફોરમ ૨૦૨૬’ (Education World Forum 2026) દરમિયાન કંપનીએ આ હેતુસર વિવિધ રાજ્ય સરકારો અને યુનિસેફ (UNICEF) સાથે નવી ભાગીદારીની જાહેરાત કરી હતી.
કંપનીએ જણાવ્યું હતું કે, આ પહેલ ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦ ને અનુરૂપ તૈયાર કરવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય દેશભરની શાળાઓ અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગને મજબૂત બનાવવાનો છે.
શિક્ષકો માટે શરૂ થશે ખાસ ‘ગુગલ AI એજ્યુકેટર સિરીઝ’ આ કાર્યક્રમના ભાગરૂપે, ગુગલ ભારત સરકારના સહયોગથી તેમજ મહારાષ્ટ્ર, છત્તીસગઢ, આસામ, કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ અને પંજાબ સ્કૂલ એજ્યુકેશન બોર્ડ સાથે મળીને ‘ગુગલ AI એજ્યુકેટર સિરીઝ’ (GES) શરૂ કરશે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ ‘મોબાઈલ-ફર્સ્ટ’ તાલીમ કાર્યક્રમ ભારતીય શિક્ષકોની જરૂરિયાતો મુજબ તૈયાર કરવામાં આવશે.
શરૂઆતમાં તેને ૬ સ્થાનિક ભાષાઓ – અસામી, હિન્દી, મરાઠી, તેલુગુ, ઓડિયા અને પંજાબીમાં ઉપલબ્ધ કરાવાશે, અને આગામી સમયમાં તેનો વધુ વિસ્તાર કરવામાં આવશે. આ તાલીમનો હેતુ શિક્ષકો અને પ્રોફેસરોને ક્લાસરૂમ લર્નિંગ બહેતર બનાવવા માટે ‘જેમિની’ (Gemini) સહિતના ગુગલના AI ટૂલ્સનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરતા શીખવવાનો છે.
યુનિસેફ (UNICEF) સાથે ત્રણ વર્ષની વૈશ્વિક ભાગીદારી આ ઉપરાંત, ગુગલે શિક્ષણમાં નવીનતા લાવવા અને ભણતરના પરિણામો (ખાસ કરીને સાક્ષરતા અને અંકગણિત) સુધારવા માટે ભારત, બ્રાઝિલ, પાકિસ્તાન અને કેન્યામાં યુનિસેફ સાથે ત્રણ વર્ષની વૈશ્વિક ભાગીદારીની જાહેરાત કરી છે. આ જોડાણ ગુગલની અદ્યતન ટેકનોલોજી અને યુનિસેફના શૈક્ષણિક અનુભવનો સમન્વય કરીને શિક્ષણ પ્રણાલીને મજબૂત બનાવશે, શિક્ષકોને તાલીમ આપશે અને લર્નિંગ ટૂલ્સ સુધી પહોંચ સરળ બનાવશે.
ટેક કંપનીએ જણાવ્યું કે, “જેમિની (Gemini) અને રીડએલોંગ (ReadAlong) જેવા AI સંચાલિત ટૂલ્સનો ઉપયોગ વ્યક્તિગત શિક્ષણ (Personalised learning), વાંચન પ્રવાહિતા અને સમજણ શક્તિ વધારવા માટે કરવામાં આવશે, જ્યારે વર્ગખંડમાં ઉપયોગ માટે ‘નોટબુકએલએમ’ (NotebookLM) જેવા પ્લેટફોર્મની શક્યતાઓ ચકાસવામાં આવશે.”
આ કાર્યક્રમ શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ટેકનોલોજી તથા તાલીમના સંસાધનોની ઉપલબ્ધતા સુધારીને ‘ડિજિટલ ડિવાઈડ’ (ડિજિટલ અસમાનતા) ને દૂર કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે. આ સાથે જ, આ પહેલ કેટલી અસરકારક રહી તેનું મૂલ્યાંકન કરવા માટે યુનિસેફ દ્વારા વાર્ષિક ઈમ્પેક્ટ રિપોર્ટ્સ પણ બહાર પાડવામાં આવશે.
ગુગલે ઉમેર્યું કે આ પહેલ ભારતમાં તેના AI-આધારિત શિક્ષણ પ્રોજેક્ટ્સ અને એશિયા-પેસિફિક ક્ષેત્રમાં તેના ‘AI ઓપોર્ચ્યુનિટી ફંડ’ના વિસ્તરણ સહિતના વ્યાપક પ્રયાસોનો જ એક ભાગ છે. કંપની શિક્ષણ પ્રણાલીમાં AIને જવાબદારીપૂર્વક જોડવા માટે સરકારો અને શૈક્ષણિક હિતધારકો સાથે સતત કામ કરતી રહેશે.
