Western Times News

Gujarati News

સફળતાનો કોઈ શોર્ટ કર્ટ હોતો નથી, ધીરજ અને ખંત સાથે જ સફળતાનો માર્ગ સરળ બને છે : સચિન તેંડુલકર

અમદાવાદમાં SRT10 અલ્ટેવોલ સેન્ટર ઓફ એક્સેલન્સની લોન્ચ ઇવેન્ટ યોજાઈ

આગામી દિવસોમાં રાજ્યના વધુને વધુ ટેલેન્ટેડ યુવા ખેલાડીઓ ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવી દેશ અને ગુજરાતનું ગૌરવ વધારશે : હર્ષ સંઘવી

ક્રિકેટ લેજન્ડ સચિન તેંડુલકરના પીઠબળ ધરાવતા સ્પોર્ટ્સ એકેડેમી પ્રોજેક્ટથી ગુજરાતના રમતગમત ક્ષેત્રને નવી ઊંચાઈ મળશે

સફળતાનો કોઈ શોર્ટ કર્ટ હોતો નથી, ધીરજ અને ખંત સાથે જ સફળતાનો માર્ગ સરળ બને છે : સચિન તેંડુલકર

અમદાવાદમાં યોજાયેલી SRT10 અલ્ટેવોલ સેન્ટર ઓફ એક્સેલન્સની લોન્ચ ઇવેન્ટમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ, મહાન ક્રિકેટર શ્રી સચિન તેંડુલકર, આઇસીસી ચેરમેન શ્રી જય શાહ અને મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ ઉપસ્થિત રહ્યા હતા.

ઇવેન્ટ દરમિયાન પોતાના સંબોધનમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ એકેડેમીના સીઇઓ શ્રી ચિરાગ પટેલ અને તેમની અનુભવી ટીમના રમતગમત પ્રત્યેના ઝનૂન અને ડેડિકેશનને બિરદાવ્યું હતું. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, હાલમાં ગુજરાતના ઘણા ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકી રહ્યા છે ત્યારે આ વર્લ્ડ ક્લાસ ઇન્સ્ટિટ્યૂટના શ્રેષ્ઠ સંચાલન થકી આગામી દિવસોમાં રાજ્યના વધુ ટેલેન્ટેડ યુવા ખેલાડીઓ ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવી દેશ અને ગુજરાતનું ગૌરવ વધારશે.

ક્રિકેટ લેજન્ડ સચિન તેંડુલકરની ઉપસ્થિતિ વિશે વાત કરતા શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વએ સચિનની અદભુત બેટિંગ જોઈ છે અને લોકો તેમને ક્રિકેટના ભગવાન માને છે, પરંતુ પ્રચંડ સફળતા અને લોકપ્રિયતાના શિખરે પહોંચ્યા પછી પણ તેઓ હંમેશા વિનમ્ર રહ્યા છે અને ક્યારેય જમીન છોડી નથી. સર્વોચ્ચ સિદ્ધિઓ મેળવ્યા બાદ પણ આવું ‘સ્પૉટલેસ’ (ડાઘરહિત) અને સામાન્ય વ્યક્તિત્વ જાળવી રાખવું એ જ જિંદગીનો સૌથી મોટો સંદેશ છે, જે અહીં ઉપસ્થિત તમામ યુવા ખેલાડીઓ માટે શ્રેષ્ઠ પ્રેરણા પૂરી પાડે છે.

તેમણે દેશ અને રાજ્યમાં ખાસ કરીને મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવા બદલ બીસીસીઆઈ (BCCI) ના સેક્રેટરી શ્રી જય શાહનો વિશેષ આભાર માન્યો હતો.

ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા મહાન ક્રિકેટર શ્રી સચિન તેંડુલકરે આ પ્રસંગે જીવનમાં અને રમતમાં બંનેમાં વેલ્યુઝ એટલે કે મૂલ્યો પર ભાર મૂકતા જણાવ્યું હતું કે આ એકેડમી નવી પેઢીને રમતની સાથે સાથે હકારાત્મક અભિગમ, ઉચ્ચ જીવન મૂલ્યો અને લક્ષ્ય સિદ્ધિ માટે યોગ્ય દિશામાં ધીરજ અને ખંત સાથે મહેનત કરતા શીખવશે.

બાળકોને દરેક પરિસ્થિતિમાં કેવી રીતે આગળ વધવું અને પોતાના સપનાંઓ પર કેવી રીતે દ્રઢ વિશ્વાસ રાખવો એ અમારું લક્ષ્ય રહેશે. તેમણે જણાવ્યું હતું કે આપણે જે પણ સ્પોર્ટ્સમાં રસ હોય તે રમવું જોઈએ. અલગ અલગ રમતો અલગ અલગ ગુણો વિકસાવે છે. સફળતાના કોઈ શોર્ટ કર્ટ હોતા નથી એમ જણાવીને સચિન તેંડુલકરે ઉમેર્યું હતું કે સ્લો અને સ્ટેડી સ્પોર્ટ્સ પર્સન હંમેશા સફળતા મેળવે જ છે. દરેક ખેલાડીની સફળતામાં તેના પરિવાર અને કોચિસ તથા તેના સાથીઓનો બહુ મોટો ફાળો હોય છે એમ તેમણે ઉમેર્યું હતું.

આઇસીસી (ICC) ચેરમેન શ્રી જય શાહે ‘SRT10 અલ્ટેવોલ સેન્ટર ઓફ એક્સેલન્સ’ને સર્વાધિક લોકપ્રિય એકેડેમી બનવાની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, જે રીતે વૈશ્વિક સ્તરે ટેનિસમાં રોજર ફેડરર અને રાફેલ નડાલની એકેડેમી જાણીતી છે, તે જ રીતે આ સંસ્થાન પણ સચિન પાજીના માર્ગદર્શનમાં વિશ્વભરમાં ક્રિકેટ ક્ષેત્રે પોતાની અનન્ય ઓળખ ઊભી કરશે.

તેમણે બીસીસીઆઈ (BCCI) માં પોતાના કાર્યકાળ દરમિયાન મહિલા અને પુરુષ ક્રિકેટરો માટે ‘ઇક્વલ પે પેરિટી’ (સમાન વેતન) લાગુ કરવાના ઐતિહાસિક નિર્ણયને સચિનજીએ આપેલા પ્રોત્સાહક સમર્થન બદલ તેમનો આભાર માન્યો હતો અને એકેડેમીના સીઇઓ ચિરાગ પટેલ તેમજ તેમની ટીમને આ આધુનિક સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બદલ અભિનંદન પાઠવ્યા હતા.

એકેડેમીના સીઇઓ (CEO) શ્રી ચિરાગ પટેલે એકેડેમીની શરૂઆત, તેમના લક્ષ્યાંકો અને સ્પોર્ટ્સ ક્ષેત્રે યુવાઓને ઉચ્ચતમ પ્લેટફોર્મ પૂરું પાડવાના તેમના રોડમેપ અને સચિન તેંડુલકર જેવા મહાન ખેલાડીના સંસ્થા સાથેના જોડાણ વિશે વાત કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના સપોર્ટથી ભારતભરમાં શરૂ કરાયેલ આ બીજું સત્તાવાર કેન્દ્ર છે, જે નવી મુંબઈના સફળ મોડલ બાદ હવે અમદાવાદમાં આકાર પામ્યું છે.

અમદાવાદમાં એસ.જી. હાઇવે પર વૈષ્ણોદેવી સર્કલ પાસે, શંકુઝ ફાર્મ (Shankus Farm) ખાતે આશરે ૪૦,૦૦૦ ચોરસ વારના વિશાળ કેમ્પસમાં ફેલાયેલી આ હાઇ-પર્ફોર્મન્સ સ્પોર્ટ્સ એકેડેમી વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ છે, જેમાં પ્રોફેશનલ ક્રિકેટ નેટ્સ, ઇન-હાઉસ મેચ-રેડી ગ્રાઉન્ડ, હાઇ-પર્ફોર્મન્સ જિમ્નેશિયમ અને અદ્યતન રનિંગ ટ્રેક જેવી વૈશ્વિક સ્તરની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે.

‘અલ્ટેવોલ સ્પોર્ટ્સ એકેડેમી’ અને ‘શંકુઝ ગ્રુપ’ ના સહયોગથી તૈયાર કરાયેલા આ મલ્ટી-સ્પોર્ટ્સ પ્રોજેક્ટમાં ૫ વર્ષ કે તેથી વધુ ઉંમરના ઉભરતા બાળકો અને યુવા ખેલાડીઓને ટેકનિકલ સ્કિલ, ફિટનેસ અને મેન્ટલ રેઝિલિયન્સનું પ્રોફેશનલ માર્ગદર્શન આપવા માટે ભારતીય ટીમના પૂર્વ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટરો મેન્ટર તરીકે સેવા આપશે, જે ગુજરાતમાં રમતગમત સંસ્કૃતિને નવી ઊંચાઈ આપશે.

આ પ્રસંગે સામાજિક અને રમતગમત ક્ષેત્રના અગ્રણીઓ સહિત સંસ્થાઓના પ્રતિનિધિઓ, કોચિસ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.