ઓઇલ સંકટ વચ્ચે અમેરિકાની જાહેરાતથી ભારતને મોટો ફાયદો થશે
(એજન્સી) નવીદિલ્હી, વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધના કારણે સર્જાયેલી ઓઇલ કટોકટી વચ્ચે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. અમેરિકાએ રશિયન ઓઇલની ખરીદી માટે વધુ એક વખત અસ્થાયી છૂટ આપવાની જાહેરાત કરી છે.
અમેરિકન નાણા મંત્રાલય દ્વારા રશિયન ઓઇલની ખરીદી માટે ૩૦ દિવસની અસ્થાયી છૂટ આપવામાં આવી છે, જેનો સીધો ફાયદો ભારતને પણ મળી શકે તેમ છે. આ નિર્ણયથી વૈશ્વિક સ્તરે ઓઇલના સપ્લાય અને કિંમતો પર ચાલી રહેલું દબાણ થોડું હળવું થવાની આશા છે.
અમેરિકન નાણા મંત્રી સ્કોટ બેસેન્ટ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ છૂટ માત્ર એવા જ રશિયન ઓઇલ કાર્ગો પર લાગુ થશે જે પહેલાથી જ જહાજો પર લોડ થઈ ચૂક્્યા છે અને સમુદ્રમાં અધવચ્ચે ઉભા છે. આ વ્યવસ્થા હેઠળ રશિયા સાથે ઓઇલના કોઈ નવા સોદા કે નવા એક્સપોર્ટને મંજૂરી આપવામાં આવશે નહીં.
અમેરિકાના આ પગલાં પાછળની વ્યૂહનીતિ એ છે કે ચીન આ વૈશ્વિક કટોકટીનો ફાયદો ઉઠાવીને રશિયા પાસેથી ભારે ડિસ્કાઉન્ટ પર ઓઇલનો સ્ટોક જમા ન કરી લે અને આ ઓઇલ એવા દેશો સુધી પહોંચે જેમને ઊર્જાની તાત્કાલિક જરૂર છે. નોંધનીય છે કે હાલના યુદ્ધ બાદ આ ત્રીજી વખત છે જ્યારે અમેરિકાએ જનરલ લાયસન્સ દ્વારા સમુદ્રમાં ફસાયેલા જહાજોને રસ્તો સાફ કરવા માટેની મહોલત આપી છે.
ભારત પોતાની જરૂરિયાતનું ૮૫%થી વધુ ક્રૂડ ઓઇલ આયાત કરે છે. ફેબ્રુઆરી મહિનામાં અમેરિકા અને ઈરાન વચ્ચે શરૂ થયેલા યુદ્ધના કારણે સપ્લાય ચેન સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. ઓઇલની સપ્લાય માટેના સૌથી મહત્ત્વના ગણાતા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ માર્ગ પરથી જહાજોની અવરજવર બંધ હોવાના કારણે ઓઇલ અને ન્ઁય્ જેવા ઇંધણનો પુરવઠો બરાબર પ્રભાવિત થયો છે.
આના કારણે ભારત સહિત દુનિયાના ઘણા દેશોમાં ઇંધણની તંગી અને મોંઘવારી આસમાન આંબી રહી છે. આવા કપરા સમયમાં અમેરિકા તરફથી મળેલી ૩૦ દિવસની મહોલત ભારતીય રિફાઇનરીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે, કારણ કે તેઓ કોઈપણ અમેરિકન પ્રતિબંધના ડર વગર સમુદ્રમાં ફસાયેલા રશિયન જહાજોમાંથી ઓઇલની આયાત કરી શકશે. આનાથી દેશમાં ઓઇલની સપ્લાય ચેન સુધરશે અને વૈશ્વિક ઊર્જા ખર્ચમાં થઈ રહેલા વધારા સામે સ્થાનિક રિફાઇનરીઓને મોટી મદદ મળશે.
