Western Times News

Gujarati News

અભિનેત્રી નેહલના દાવા પર ‘લાલો’ના અભિનેતા કરણ જોષીનો ખુલાસો

ઘટનાને અલગ રીતે રજૂ કરાઇઃ કરણ જોષી

‘ઈન્સ્ટાગ્રામને કાયદો સમજીને ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે તેવું મને લાગી રહ્યું છે’ ઃ કરણ જોષી

મુંબઈ, ગુજરાતી સિનેમા જગતમાં હાલ એક મોટો વિવાદ ગરમાયો છે, જેમાં જાણીતી અભિનેત્રી અને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ નેહલ વડોલિયાએ ગત વર્ષે ખૂબ ચર્ચામાં આવેલી ગુજરાતી ફિલ્મ ‘લાલો’ના મુખ્ય અભિનેતા કરણ જોષી પર ગંભીર આરોપો કર્યા છે. નેહલનો દાવો છે કે કરણ જોષીએ તેને ઇન્સ્ટાગ્રામ પર અત્યંત વાંધાજનક, અભદ્ર અને બીભત્સ મેસેજ મોકલ્યા હતા. જેના જવાબમાં આજે ૧૯ મેના રોજ અભિનેતા કરણ જોષીએ ૫ મહિના પહેલા શું બન્યું હતું તે અંગે ખુલાસો કર્યાે છે.

‘લાલો શ્રી કૃષ્ણ સદા સહાયતે’ ફિલ્મના અભિનેતા કરણ જોષી અને અભિનેત્રી નેહલ વડોલિયા વચ્ચેના જૂના વિવાદે ફરી સોશિયલ મીડિયા પર જોર પકડ્યું છે. વાઈરલ થયેલા અભદ્ર આક્ષેપો વચ્ચે કરણ જોષીએ પણ સામે આવીને આ મામલે પોતાનો પક્ષ રજૂ કર્યાે છે. કરણનું કહેવું છે કે આ સમગ્ર વિવાદ તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થવાને કારણે ઊભો થયો છે. પાંચ મહિના જૂની ઘટનાને અલગ અલગ રીતે રજૂ કરવામાં આવી રહી છે.જો કે નેહલે આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યાના આશરે દોઢ કલાકમાં જ ડિલીટ કરી દીધો હતો, પરંતુ તે પહેલાં જ આ વીડિયો ડાઉનલોડ થઈને વાઈરલ થઈ ચૂક્યો હતો.

કલાકારના આવા કથિત વર્તન સામે સોશિયલ મીડિયા પર લોકો આક્રોશ ઠાલવી રહ્યા છે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. લોકો એ પણ સવાલ કરી રહ્યા છે કે જો નેહલ વડોલિયાના કથિત આરોપો સાચા હોય તો વીડિયો કેમ ડિલીટ કરી દીધો.‘મિત્રો હું કરણ જોષી, છેલ્લા બે દિવસથી ઘણા બધા હિતેચ્છુઓના મને મેસેજ આવે છે. કે ભાઈ અમે જાણીએ છીએ કે તું સાચો છે અમે બધા તારી સાથે છીએ. એટલે જ હવે જે સાચી અને આખી વાત છે. એ હું તમને કહી દઉં, આ ઘટના ૫ મહિના જૂની છે ત્યારે મારુ એકાઉન્ટ હેક થયું હતું.

મારા મિત્રો અને સંબંધીઓને પણ મેસેજ ગયા હતા. કોઈ જોડે પૈસાની માંગણી તો કોઈને અભદ્ર માંગણીઓ થઈ હતી. તે વખતે હું ફિલ્મના પ્રમોશનમાં ખૂબ જ વ્યસ્ત હતો એટલે મારા એકાઉન્ટમાં શું થઈ રહ્યું છે તેની મને ખબર ન હતી. પણ જે મિત્રોને મેસેજ ગયા તેમણે મને જણાવ્યું કે તારામાંથી કેમ આ પ્રકારના મેસેજ આવે છે. પછી મને ખબર પડી કે મારુ એકાઉન્ટ હેક થયું છે. મેં ત્યારે તાત્કાલિક આ માહિતી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી કે મારુ એકાઉન્ટ હેક થયું છે.’‘ત્યારે આ બહેનને પણ મેસેજ ગયો હશે ત્યારે સ્પષ્ટ થઈ ચૂક્યું હતું કે મારી કોઈ સંડોવણી નથી હેકિંગના કારણે આવું થયું છે.

ત્યારે જ બધુ ક્લિયર કટ થઈ ગયું હતું, પણ હવે પાંચ મહિના જૂની ઘટનાને અલગ અલગ રીતે રજૂ કરવામાં આવી રહી છે તે સત્ય નથી, તે વખતે જે બન્યું તે સત્ય હતું, સત્ય બદલાતું નથી ક્યારેય, મારુ એટલું જ કહેવું છે કે કોઈ પણ આૅપિનિયન બનાવતા પહેલા હકીકત શું છે તે જાણી લો, ઈન્સ્ટાગ્રામને કાયદો સમજીને ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે તેવું મને લાગી રહ્યું છે, આ ન થવું જોઈએ, આ ખોટું છે. મને સાચું છું છે તેના પર વિશ્વાસ છે બસ, આ વીડિયો બનાવવાનો હેતુ માત્ર એટલો જ છે કે તમારા બધા સુધી સાચું છું તે હકીકત પહોંચે. આભાર જય દ્વારકાધીશ.’SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.