ગર્ભાવસ્થા દરમિયાન હાઈ બ્લડ પ્રેશર બની શકે છે જીવલેણ; સ્ક્રીનીંગ ટેસ્ટ કરાવવો અત્યંત આવશ્યક
૨૨ મે: વિશ્વ પ્રી-એક્લેમ્પસિયા જાગૃતિ દિવસ –શું છે પ્રી-એક્લેમ્પસિયા ?, તેની ગંભીર અસરો, બચાવ અને નિદાન વિશે જાણીએ…
ગર્ભાવસ્થા એ દરેક સ્ત્રીના જીવનનો સૌથી સુંદર ગાળો હોય છે, પરંતુ આ સમયગાળા દરમિયાન કેટલીક તબીબી જટિલતાઓ માતા અને બાળકના સ્વાસ્થ્ય સામે મોટો પડકાર ઊભો કરી શકે છે. આવી જ એક ગંભીર અને ચિંતાજનક સ્થિતિ છે ‘પ્રી-એક્લેમ્પસિયા‘ (Preeclampsia). સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૨૨ મેના દિવસને ‘વિશ્વ પ્રી-એક્લેમ્પસિયા જાગૃતિ દિવસ‘ તરીકે ઉજવવામાં આવે છે, જેથી સગર્ભા સ્ત્રીઓ અને તેમના પરિવારોમાં આ સાયલન્ટ કિલર બીમારી પ્રત્યે જાગૃતિ કેળવી શકાય.
આ વર્ષે ‘વિશ્વ પ્રી-એક્લેમ્પસિયા જાગૃતિ દિવસ ૨૦૨૬‘ ની થીમ છે – ‘લક્ષણોને ઓળખો, સમયસર પગલાં લો‘ (Know The Symptoms, Take Actions).
શું છે પ્રી-એક્લેમ્પસિયા?
તબીબી વિજ્ઞાન અનુસાર, પ્રી-એક્લેમ્પસિયા એ સગર્ભાવસ્થા દરમિયાન ઉદ્ભવતી બ્લડ પ્રેશરની એક જટિલ સમસ્યા છે. સામાન્ય રીતે ગર્ભાવસ્થાના ૨૦ અઠવાડિયા પછી સગર્ભા સ્ત્રીના બ્લડ પ્રેશરમાં અચાનક વધારો જોવા મળે છે.
જ્યારે સ્ત્રીના શરીરમાં રહેલી રક્તવાહિનીઓ અને હૃદય, વિકાસશીલ બાળકની વધતી જતી લોહી અને ઓક્સિજનની માંગને પહોંચી વળવામાં અસમર્થ રહે છે, ત્યારે આ સ્થિતિ સર્જાય છે.
પ્લેસેન્ટા (મેલી)ની ખામી અને અંગો પર તેની ગંભીર અસરો
– ગર્ભાશયમાં બાળકને પોષણ અને ઓક્સિજન પૂરું પાડવાનું મુખ્ય કામ ‘મેલી‘ એટલે કે પ્લેસેન્ટા કરે છે. પ્રી-એક્લેમ્પસિયાની સ્થિતિમાં આ પ્લેસેન્ટાનો વિકાસ યોગ્ય રીતે થતો નથી. પરિણામે, માતાના લોહીમાં કેટલાક હાનિકારક રસાયણો (Toxic Chemicals) મુક્ત થાય છે.
– આ રસાયણો માતાના શરીરના મહત્વના અંગો પર અસર કરે છે,
લીવર અને કિડની: આ રસાયણોના લીધે આ લીવર અને કિડની ફેલ થવાનું જોખમ વધી જાય છે.
મગજ અને આંખો: મગજ પર સોજો આવવો, દ્રષ્ટિ ધૂંધળી થવી કે અચાનક ‘ખેંચ‘ (Aclampsia) આવવાની સંભાવના રહે છે.
રક્ત પરિભ્રમણ: લોહી ગંઠાઈ જવાની કુદરતી પદ્ધતિ ખોરવાઈ જાય છે, જેનાથી આંતરિક રક્તસ્ત્રાવ (Bleeding) જેવી જીવલેણ સ્થિતિ ઊભી થઈ શકે છે.
નવજાત શિશુ પર થતી અસરો
પ્લેસેન્ટાના ખામીયુક્ત વિકાસના કારણે ગર્ભમાં રહેલા બાળકને પૂરતું પોષણ મળતું નથી, જેના લીધે બાળકના શારીરિક વિકાસમાં ઘટાડો (IUGR) થાય છે. પ્રી-એક્લેમ્પસિયાના ગંભીર લક્ષણોનો એકમાત્ર કાયમી ઈલાજ ‘સમયસર પ્રસુતિ‘ (Delivery) છે.
જો સ્થિતિ વધુ બગડે તો અધૂરા મહિને (Pre-mature) ડિલિવરી કરાવવી પડે છે. આવા પ્રીમેચ્યોર બાળકો ભવિષ્યમાં સ્વાસ્થ્યની અનેક જટિલતાઓનો સામનો કરે છે અને કેટલીકવાર આ સ્થિતિ શિશુના મૃત્યુનું કારણ પણ બની શકે છે.
આંકડા શું કહે છે?
– તબીબી અભ્યાસો અનુસાર, દક્ષિણ એશિયાની (જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે) મહિલાઓમાં દર ૧૦૦ માંથી ૮ થી ૧૦ ગર્ભાવસ્થામાં આ સમસ્યા જોવા મળે છે. એટલું જ નહીં, આ સ્થિતિમાંથી પસાર થયેલી માતાઓ અને બાળકોને ભવિષ્યમાં હૃદય રોગ, બ્રેઈન સ્ટ્રોક, ડાયાબિટીસ અને કિડની ફેલ્યોર થવાનું જોખમ સામાન્ય લોકો કરતા ઘણું વધારે રહે છે.
બચાવ અને સાવધાની: પ્રથમ ત્રિમાસિકનું સ્ક્રીનીંગ છે રામબાણ ઈલાજ
– પ્રી-એક્લેમ્પસિયાથી બચવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય તેનું વહેલું નિદાન છે. ગર્ભાવસ્થાના ૧૧ થી ૧૪ અઠવાડિયા દરમિયાન (પ્રથમ ત્રિમાસિક ગાળામાં) રેડિયોલોજીસ્ટ દ્વારા કરવામાં આવતી નિયમિત NTNB અલ્ટ્રાસાઉન્ડ તપાસની સાથે સ્ક્રીનીંગ કલર ડોપ્લર (યુટ્રાઇન આર્ટરી) ટેસ્ટ કરાવવો અત્યંત આવશ્યક છે.
– આ ટેસ્ટથી ભવિષ્યમાં પ્રી-એક્લેમ્પસિયા થવાની સંભાવના છે કે નહીં તેની અગાઉથી ખબર પડી જાય છે અને આ માટે કોઈ વધારાનો મોટો ખર્ચ પણ થતો નથી.
– જો રિપોર્ટ પોઝિટિવ આવે, તો ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર દ્વારા શરૂઆતથી જ ચોક્કસ દવાઓ (જેમ કે લો-ડોઝ એસ્પિરિન) શરૂ કરવામાં આવે છે, જે આ બીમારીને રોકવામાં ૭૦ થી ૮૦ ટકા સુધી અસરકારક સાબિત થઈ છે.
ગર્ભાવસ્થા દરમિયાન નિયમિત બ્લડ પ્રેશર ચેક કરાવવું અને ડોક્ટરની સલાહ મુજબ સ્ક્રીનીંગ કરાવવું એ સુરક્ષિત માતૃત્વની ચાવી છે.
આલેખન:- મિનેશ પટેલ, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ
