હોર્મુઝ આંતરરાષ્ટ્રીય જળસીમા છે. તેના પર કોઈ એક કે બે દેશનો એકહથ્થુ અંકુશ હોઈ શકે નહીંઃ ટ્રમ્પ
ઈરાન સાથેની ગુપ્ત વાટાઘાટોમાં દખલગીરી બંધ કરવા ટ્રમ્પની ઓમાનને ચેતવણી
(એજન્સી) વોશિંગ્ટન, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ખાડી દેશ ઓમાનને સ્પષ્ટ શબ્દોમાં કડક ચેતવણી આપી છે કે તે ઈરાન સાથે ચાલી રહેલી અત્યંત નાજુક અને સંવેદનશીલ વાટાઘાટોમાં બિનજરૂરી દખલગીરી ન કરે. ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું છે કે વૈશ્વિક વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા જળમાર્ગ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ પર અમેરિકી સેના કડક નજર રાખશે.
વ્હાઇટ હાઉસ ખાતે યોજાયેલી કેબિનેટ બેઠક દરમિયાન પત્રકારોએ ટ્રમ્પને પ્રશ્ન પૂછ્યો હતો કે, શું તેઓ કોઈ એવા ટૂંકા ગાળાના કરારને સ્વીકારશે જેમાં ઈરાન અને ઓમાન સંયુક્ત રીતે આ વ્યૂહાત્મક દરિયાઈ માર્ગ પર નિયંત્રણ મેળવે? આ સવાલના જવાબમાં ટ્રમ્પે સ્પષ્ટ નકાર ભણતા કહ્યું હતું કે, ના, આ દરિયાઈ માર્ગ તમામ દેશો માટે ખુલ્લો જ રહેશે.
અમેરિકી પ્રમુખે ઉમેર્યું હતું કે, આ આંતરરાષ્ટ્રીય જળસીમા છે. તેના પર કોઈ એક કે બે દેશનો એકહથ્થુ અંકુશ હોઈ શકે નહીં. અમે ચોક્કસપણે તેના પર નજર રાખીશું, પરંતુ તેને કોઈને નિયંત્રિત કરવા દઈશું નહીં. આ મુદ્દો અમારી મુખ્ય વાટાઘાટોનો એક ભાગ છે. ટ્રમ્પે ઓમાનને આડકતરી ધમકી આપતા કહ્યું કે, ઓમાને બાકીના જવાબદાર દેશોની જેમ જ વર્તવું પડશે, જો તેમ નહીં થાય તો અમેરિકાએ કડક કાર્યવાહી કરવાની ફરજ પડશે.
ટ્રમ્પની આ આક્રમક ટિપ્પણી ઈરાનના સરકારી ટેલિવિઝન પર પ્રસારિત થયેલા એક અહેવાલ બાદ આવી છે. ઈરાની મીડિયાએ દાવો કર્યો હતો કે તેમને અમેરિકા અને ઈરાન વચ્ચે થનારા સંભવિત કરારનો એક અનૌપચારિક મુસદ્દો (ઇનફોર્મલ ડ્રાફ્ટ) મળ્યો છે.
આ કથિત મુસદ્દા અનુસાર, આગામી એક મહિનાની અંદર ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ માં કોમર્શિયલ એટલે કે વ્યાપારી જહાજોની અવરજવર પહેલાની જેમ સામાન્ય કરી દેવામાં આવશે અને ઈરાન તથા ઓમાન સંયુક્ત રીતે તેનું સંચાલન સંભાળશે. આ પ્રસ્તાવમાં એવો પણ ઉલ્લેખ હતો કે અમેરિકા ઈરાનના બંદરો પર લાદેલા પ્રતિબંધો હટાવી લેશે અને ઈરાનની આસપાસના વિસ્તારોમાંથી પોતાની સૈન્ય હાજરી પણ ઓછી કરશે.
જો કે, વ્હાઇટ હાઉસ અને અમેરિકી વિદેશ મંત્રાલયે ઈરાની મીડિયાના આ અહેવાલને સંપૂર્ણપણે પાયાવિહોણો અને ખોટો ગણાવીને ફગાવી દીધો છે. બીજી તરફ, અમેરિકાની નારાજગી વચ્ચે પણ ઓમાન સતત ઈરાનના રાજદ્વારી અધિકારીઓના સંપર્કમાં છે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ મુદ્દે બંને દેશો વચ્ચે મંત્રણા ચાલુ છે.
તાજેતરમાં ૨૪ મેના રોજ ઓમાનના વિદેશ મંત્રી સૈયદ બદ્ર બિન હમદ અલ બુસૈદીના નેતૃત્વમાં ઓમાની પ્રતિનિધિમંડળે ઈરાનના નાયબ વિદેશ મંત્રી કાઝેમ ગરીબાબાદી સાથે એક મહત્વની બેઠક યોજી હતી.
