Western Times News

Gujarati News

૭ વર્ષ પછી ભારત- ચીન સરહદ પર લીપુલેખ વેપાર માર્ગ ખુલવા જઈ રહયો

હવે વીઝા પાસપોર્ટ વિના ટ્રેડ પાસ દ્વારા વેપારીઓ તીબેટના તકલાકોટ બજાર સુધી પહોંચી શકશે

ભારત-ચીન સંબંધોમાં મોટો વળાંક આગામી મોટી બેઠક હવે ચીનમાં યોજાશે-ભારતીય વેપારીઓ તકલાકોટ જશે -ભારત-ચીન વચ્ચે વેપારનો માર્ગ ખુલશે 

નવી દિલ્હી, ભારત- ચીન સરહદ પર ર૦ર૦ ના વર્ષમાં ગલવાન સંઘર્ષ પછી લીપુલેખ વેપાર માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી બંને દેશોના અધિકારીઓ વચ્ચે ચાલી રહેલી મંત્રણાઓ બાદ હવે ૭ વર્ષે આ માર્ગ ખુલવા જઈ રહયો છે.

ઉત્તરાખંડના ૩૦૦ જેટલા વેપારીઓની યાદી વિદેશ મંત્રાલયને મોકલવામાં આવી છે. આમ હવે વીઝા પાસપોર્ટ વિના ટ્રેડ પાસ દ્વારા વેપારીઓ તીબેટના તકલાકોટ બજાર સુધી પહોંચી શકશે અને હવે પોતાના વાહનો દ્વારા આ રસ્તા પરથી પસાર થઈ શકશે.

ભારત અને ચીન વચ્ચે પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખાની સ્થિતિને લઈને બેઇજિંગમાં ર્વકિંગ મિકેનિઝમ ફોર કન્સલ્ટેશન ઍન્ડ કોઓર્ડિનેશનની એક મહત્ત્વની બેઠક યોજાઈ. આ બેઠક અંગે વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, બંને દેશો વચ્ચેની વાતચીત અત્યંત સકારાત્મક, રચનાત્મક અને ભવિષ્યલક્ષી રહી છે. બંને પક્ષોએ સ્વીકાર્યું છે કે સરહદ પર શાંતિ અને સ્થિરતા જાળવી રાખવાને કારણે જ દ્વિપક્ષીય સંબંધોને સામાન્ય બનાવવાની દિશામાં પ્રગતિ થઈ શકી છે.

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારત અને ચીન હવે પછીની ‘સ્પેશિયલ રિપ્રેઝન્ટેટિવ્સ’ની બેઠક માટે નક્કર તૈયારીઓ કરવા સંમત થયા છે, જે હવે ચીનમાં યોજાવાની છે. આ પહેલાં, ગયા વર્ષે આૅગસ્ટમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે નવી દિલ્હીમાં ૨૪મી સ્પેશિયલ રિપ્રેઝન્ટેટિવ્સ બેઠક યોજાઇ હતી, જેમાં સરહદ પર શાંતિ જાળવવા માટે ઘણા મહત્ત્વના નિર્ણયો લેવાયા હતા.

આ બેઠકમાં બંને દેશો વચ્ચે સરહદ વ્યવસ્થાપન, સરહદ રેખાંકન, મિકેનિઝમ બિલ્ડિંગ અને ક્રોસ-બોર્ડર કોઓપરેશન જેવા મહત્ત્વના વિષયો પર વિગતવાર ચર્ચા થઈ હતી. આ ઉપરાંત, ભારતીય પક્ષે સરહદ પારથી વહેતી નદીઓના મુદ્દે આગામી નિષ્ણાત-સ્તરની બેઠક વહેલી તકે યોજવા પર ભાર મૂક્યો હતો.

બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ (પૂર્વ એશિયા) સુજીત ઘોષે કર્યું હતું, જ્યારે ચીન તરફથી ત્યાંના સરહદ અને મહાસાગર બાબતોના વિભાગના મહાનિર્દેશક હૌ યાનકી હાજર રહ્યા હતા.

વર્ષ ૨૦૨૦માં ગલવાન ખીણમાં થયેલી હિંસક અથડામણ અને ત્યારબાદ ચાર વર્ષ કરતાં વધુ સમય સુધી ચાલેલા સૈન્ય ગતિરોધ પછી, છેલ્લા એક વર્ષથી બંને દેશો સંબંધોને ફરીથી સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. આૅક્ટોબર ૨૦૨૪માં ડિસએન્ગેજમેન્ટ થયું.

બંને દેશોએ પૂર્વી લદ્દાખના છેલ્લા બે વિવાદિત પોઇન્ટ્‌સ- ડેપસાંગ અને ડેમચોકમાંથી પોતાના સૈનિકો પાછા ખેંચવા માટે કરાર કર્યો હતો. મોદી-જિનપિંગ મુલાકાત બાદ સમજૂતી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે રશિયાના કઝાનમાં દ્વિપક્ષીય બેઠક યોજીને સંબંધો સુધારવા માટેના મહત્ત્વના નિર્ણયો લીધા હતા.

ગયા વર્ષે આૅગસ્ટમાં ચીનના તિયાનજિન શહેરમાં યોજાયેલી એસસીઓ સમિટ દરમિયાન પણ વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે ભારત પરસ્પર વિશ્વાસ, સન્માન અને સંવેદનશીલતાના આધારે ચીન સાથેના સંબંધો આગળ વધારવા માટે કટિબદ્ધ છે. હવે બેઇજિંગમાં યોજાયેલી આ રાજદ્વારી બેઠક બાદ આશા જાગી છે કે બંને દેશો વચ્ચેના સંબંધો આગામી સમયમાં વધુ મજબૂત અને સ્થિર બનશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.