Western Times News

Gujarati News

અધિક (પુરુષોત્તમ) માસની પવિત્ર પૂર્ણિમાના અવસરે મંદિરોમાં ભક્તિમય માહોલ

અધિક માસની પૂનમે રાજ્યના મંદિરોમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર

(એજન્સી)ગાંધીનગર, ગુજરાતભરમાં રવિવારે અધિક (પુરુષોત્તમ) માસની પવિત્ર પૂર્ણિમાના અવસરે આધ્યાÂત્મક અને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના સુપ્રસિદ્ધ મંદિરોમાં વહેલી સવારથી જ ભગવાનના દર્શન કરવા માટે લાખો માઇભક્તો અને શ્રદ્ધાળુઓનું ભવ્ય ઘોડાપૂર ઉમટ્યું છે.

વિવિધ મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના, શણગાર અને મનોરથના આયોજન સાથે સમગ્ર વાતાવરણ જયઘોષથી ગુંજી ઉઠ્યું છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે અધિક માસ જેઠ મહિનાની પવિત્ર પૂનમના દિવસે ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ મા અંબાના દર્શનનો લાભ લેવા માટે શ્રદ્ધાળુઓની કિલોમીટરો લાંબી લાઈનો લાગી હતી.

અંબાજી મંદિર પરિસરમાં બોલ મારી અંબે, જય જય અંબેના ગગનભેદી નાદ ગુંજી ઉઠ્યા હતા, અને ભાવિકોએ માના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી હતી. ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ ધામ ડાકોરમાં રાજાધિરાજ રણછોડરાયના દર્શન કરવા ભક્તોની ભીજ જોવા મળી હતી. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓએ કતારબદ્ધ થઈને પ્રભુના દર્શન કર્યા હતા, જેના કારણે સમગ્ર ડાકોર નગરી જય રણછોડ ના નાદ સાથે ભક્તિના રંગમાં રંગાઈ ગઈ હતી.

ભક્તોની અસાધારણ ભીડને ધ્યાનમાં રાખીને મંદિર પરિસર તેમજ પવિત્ર ગોમતી તળાવના કિનારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ સાથે જ શહેરમાં ટ્રાફિક નિયંત્રણ માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પૂર્ણિમાના પાવન અવસરે આજે વહેલી સવારથી જ હજારો ભક્તો ભગવાન શામળિયાના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.