Western Times News

Gujarati News

ગાંધીનગરના વીજ અધિકારી રૂ.પાંચ લાખની લાંચ લેતા ઝડપાયા

ACB તપાસમાં રોકડ, પ્લોટ, સોનું-ચાંદી અને વૈભવી મિલકતો સામે આવી-રોકડ, સોનું, ચાંદી, ઘરવખરી અને અન્ય ચલ સંપત્તિઓ મળીને કુલ સંપત્તિનું મૂલ્ય રૂ. 3.97 કરોડથી વધુ 

અમદાવાદ (પ્રતિનિધિ),  ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા ગાંધીનગરમાં પીજીવીસીએલના વીજ નિરીક્ષક અધિકારી એ.બી. ચૌધરી સામે કરવામાં આવેલી તપાસમાં તેમની આવક કરતાં અનેકગણી વધુ સંપત્તિ હોવાના ચોંકાવનારા ખુલાસા થયા છે.

સોલાર પેનલ માટે એનઓસી આપવાના બદલામાં રૂ. 5 લાખની લાંચ લેતા ઝડપાયેલા અધિકારીની ધરપકડ બાદ ACBએ તેમના રહેણાંક, સરકારી ક્વાર્ટર અને અન્ય સ્થળોએ તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન અધિકારીના કબજામાંથી સરકારી વાહન ઉપરાંત ખાનગી વાહન, રોકડ રકમ અને સોનાના દાગીના મળી આવ્યા હતા. ACBના દસ્તાવેજો મુજબ સરકારી વાહન અને રહેણાંક ક્વાર્ટરમાંથી રૂ. 4.17 લાખથી વધુની રોકડ તેમજ સોનાના દાગીના મળી આવ્યા હતા. વધુ તપાસમાં ગાંધીનગર અને સુરત સ્થિત રહેણાંક મકાનો, પ્લોટ, ખેતીની જમીન સહિતની અચલ મિલકતોનો પણ પત્તો લાગ્યો હતો.

ACBના જણાવ્યા અનુસાર અધિકારી અને તેમના પરિવારના નામે નોંધાયેલી અચલ મિલકતોની કિંમત અંદાજે રૂ. 3.88 કરોડ જેટલી હોવાનું સામે આવ્યું છે. જ્યારે રોકડ, સોનું, ચાંદી, ઘરવખરી અને અન્ય ચલ સંપત્તિઓ મળીને કુલ સંપત્તિનું મૂલ્ય રૂ. 3.97 કરોડથી વધુ થતું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. તપાસ દરમિયાન અધિકારી આટલી મોટી સંપત્તિનો સંતોષકારક સ્ત્રોત રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા હોવાનું ACBએ નોંધ્યું છે.

આ મામલે ACBએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. સાથે જ અન્ય સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે પણ આવક કરતાં વધુ સંપત્તિ અંગે માહિતી હોય તો નાગરિકોને ACBનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. આ કેસે ફરી એકવાર સરકારી તંત્રમાં ભ્રષ્ટાચાર અને ગેરકાયદે સંપત્તિના મુદ્દે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.