Western Times News

Gujarati News

ચિખોદરામાં ફટાકડાના ગોડાઉનમાં બ્લાસ્ટ સાથે ભીષણ આગ

ફાયર સેફટી મુદ્દે ઉઠ્યા સવાલો –આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી

આણંદ, ગુજરાતના આણંદ જિલ્લામાંથી વહેલી સવારે એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. આણંદ નજીક આવેલા ચિખોદરા ગામે આવેલા ‘ભોલેનાથ ફટાકડા ગોડાઉન’ માં અચાનક જ ભીષણ આગ ફાટી નીકળી હતી.

વહેલી સવારે જ્યારે લોકો નિદ્રાધીન હતા, ત્યારે અચાનક ફટાકડાના ગંજાવર જથ્થામાં પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ ભભૂકી ઉઠતા સમગ્ર પંથકમાં ભારે નાસભાગ અને અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ધડાકાના અવાજ એટલા તીવ્ર હતા કે આસપાસના લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક રહીશોએ તુરંત ફાયર વિભાગને જાણ કરી હતી. આણંદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક અસરથી ફાયર ફાઈટરોના મોટા કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી.

ગોડાઉનમાં ફટાકડાનો મોટો જથ્થો હોવાને કારણે આગે મિનિટોમાં જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના લીધે ફાયર જવાનોને શરૂઆતમાં ભારે મુશ્કેલીનો સામેનો કરવો પડયો હતો. હાલમાં ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

આ ભયાનક અકસ્માતને પગલે સ્થાનિક સ્તરે તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. રહેણાંક વિસ્તારની નજીક આવેલા આ ભોલેનાથ ફટાકડા ગોડાઉનમાં ફાયર સેફટી ના નિયમોનું પાલન થયું હતું કે નહીં, તેમજ તંત્ર દ્વારા એનઓસી આપવામાં આવી હતી કે નહીં તે મુદ્દે અનેક ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આણંદ જિલ્લામાં આવા અનેક ફટાકડાના ગોડાઉન અને દુકાનો કાયદેસરની ફાયર સેફટીના અભાવ વચ્ચે ધમધમી રહ્યા છે, જે ગમે ત્યારે મોટી જાનહાનિ નોતરી શકે છે. હાલમાં પોલીસ અને વહીવટી ટીમ પણ તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.