ગુજરાત સાયન્સ સિટી ખાતે “યોગા ફોર હેલ્ધી એજિંગ” થીમ આધારિત આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના સચિવ શ્રીમતી પી. ભારતીની પ્રોત્સાહક ઉપસ્થિતિ
અમદાવાદ, ગુજરાત સાયન્સ સિટી ખાતે આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. “Yoga for Healthy Ageing” થીમ આધારિત આ કાર્યક્રમ યોજાયો હતો.
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના સચિવ શ્રીમતી પી. ભારતીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં યોગ દ્વારા સ્વસ્થ અને સંતુલિત જીવનશૈલીનો સંદેશ આપવામાં આવ્યો હતો. પોતાના સંબોધનમાં શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું હતું કે, “આ વર્ષની થીમ ‘Yoga for Healthy Ageing’ આજના સમયમાં અત્યંત પ્રાસંગિક છે. લાંબું અને સ્વસ્થ જીવન જીવવા માટે યોગ શારીરિક તંદુરસ્તી, માનસિક સુખાકારી અને ભાવનાત્મક સંતુલન જાળવવાનો સર્વોત્તમ માર્ગ છે. યોગ માત્ર વ્યાયામ નથી, પરંતુ શરીર, મન અને આત્મા વચ્ચે સમન્વય સ્થાપિત કરતું જીવનદર્શન છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતે વિશ્વને યોગ જેવી અમૂલ્ય પરંપરા ભેટ સ્વરૂપે આપી છે અને આજે સમગ્ર વિશ્વ યોગને આરોગ્ય અને સુખાકારી માટેની અસરકારક પદ્ધતિ તરીકે સ્વીકારી રહ્યું છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં યોગ પ્રત્યે જાગૃતિ લાવવા માટે હાથ ધરાતી વિવિધ પહેલોની પણ તેમણે પ્રશંસા કરી હતી. તેમણે ઉપસ્થિત સૌને દૈનિક જીવનમાં યોગને જીવનશૈલી તરીકે અપનાવવાનો સંદેશ આપ્યો હતો.

આ અવસરે ગુજરાત સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, “યોગ માત્ર શારીરિક કસરત નહીં પરંતુ સ્વસ્થ, સક્રિય અને સંતુલિત જીવન જીવવાનો માર્ગ છે. ગુજરાત સાયન્સ સિટી હંમેશા વિજ્ઞાન સાથે સ્વાસ્થ્ય, સુખાકારી અને જનજાગૃતિ સંબંધિત કાર્યક્રમો દ્વારા સમાજને પ્રેરિત કરવા માટે પ્રતિબદ્ધ રહી છે.
કાર્યક્રમ દરમિયાન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અનુભવી યોગ નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ વિવિધ યોગાસનો, પ્રાણાયામ તથા ધ્યાનની ક્રિયાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન યોગના શારીરિક, માનસિક અને ભાવનાત્મક આરોગ્ય પર થતા સકારાત્મક પ્રભાવ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. ખાસ કરીને વધતી ઉંમર સાથે આરોગ્ય, સ્ફૂર્તિ અને માનસિક શાંતિ જાળવવામાં યોગની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે ઉપસ્થિતોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ, ગુજરાત સાયન્સ સિટીના અધિકારીઓ, કર્મચારીઓ, સહયોગીઓ, વિદ્યાર્થીઓ, યોગપ્રેમીઓ તેમજ ઉત્સાહી નાગરિકો સહિત 500થી વધુ લોકોએ ઉપસ્થિત રહી યોગાભ્યાસ કર્યો હતો.
