આસામ અને અરુણાચલ પ્રદેશમાં મેઘતાંડવ બ્રિજ ધરાશાયીઃ ભૂસ્ખલનથી તબાહી
પૂરના કારણે અસમના ૧૦૦ થી વધુ ગામો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે.
ધેમાજીમાં કેમી નદી પર બનેલો ૩૦૦ મીટર લાંબો વિશાળ લોખંડનો પુલ પૂરના ધસમસતા પ્રવાહમાં પત્તાની જેમ વહી ગયો હતો.
નવી દિલ્હી, પૂર્વોત્તર ભારતમાં ચોમાસાની શરૂઆત થતાં જ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અરુણાચલ પ્રદેશ અને અસમમાં થઈ રહેલા અવિરત મુસળધાર વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલને ભારે તબાહી મચાવી છે. પૂરના કારણે અસમના ૧૦૦ થી વધુ ગામો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે.
જેના લીધે હજારો લોકો પ્રભાવિત થયા છે. અરુણાચલ પ્રદેશમાં આ કુદરતી આપત્તિના કારણે અત્યાર સુધીમાં ૩ લોકોના મોતના અહેવાલછે. જ્યારે અનેક લોકો ગુમ છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં વાયુસેના અને એસડીઆરએફની ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત રેસ્ક્્યુ ઓપરેશન ચલાવી રહી છે.
#Dhemaji, #Assam: A portion of a railway bridge over the Simen River in Dhemaji district partially collapsed on Sunday, June 28, following heavy rainfall and severe riverbank erosion.According to the Northeast Frontier Railway (NFR), incessant rains — with over 110 mm recorded in… pic.twitter.com/kuxL4GIjUm
— Siraj Noorani (@sirajnoorani) June 29, 2026
Assam: A section of the railway bridge over the Simen River in Simen Chapari, Dhemaji collapsed after heavy rainfall and riverbank erosion. People can be seen making their way back from the damaged bridge in the video. No injuries have been reported.
અરુણાચલ પ્રદેશમાંથી આવતા પૂરના પાણીના પ્રચંડ પ્રવાહને કારણે અસમના ધેમાજી જિલ્લામાં સ્થિતિ સૌથી વધુ વણસી છે. ૨૮ જૂનના રોજ ધેમાજીમાં કેમી નદી પર બનેલો ૩૦૦ મીટર લાંબો વિશાળ લોખંડનો પુલ પૂરના ધસમસતા પ્રવાહમાં પત્તાની જેમ વહી ગયો હતો.
આ પુલ તૂટી પડવાના કારણે કેમી-પુરાના જેલોમ વિસ્તાર અને જોનાઈ સદર વચ્ચેનો માર્ગ સંપર્ક સંપૂર્ણપણે કપાઈ ગયો છે. આ કનેક્ટિવિટી તૂટવાથી હજારો લોકો અટવાઈ પડ્યા છે અને તેમને જીવનજરૂરી ચીજવસ્તુઓ, દવાઓ અને હોસ્પિટલ સુધી પહોંચવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત, ધેમાજીમાં સિમેન નદી પર આવેલો રેલવે બ્રિજ પણ આંશિક રીતે ક્ષતિગ્રસ્ત થયો છે.
અસમ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રધિકરણના જણાવ્યા અનુસાર, ધેમાજી જિલ્લામાં ૨૦,૦૦૦ થી વધુ લોકો પૂરથી સીધા પ્રભાવિત થયા છે. અસમ-અરુણાચલ બોર્ડરના જોનાઈ વિસ્તારમાં નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે.
અહીની બહીર ચિલે પંચાયતના ૪૦ ગામો અને બહીર જોનાઈ પંચાયતના ૬૦ થી વધુ ગામો પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સેંકડો એકર જમીનમાં ઉભેલો પાક નાશ પામ્યો છે, જ્યારે અનેક પશુઓ પણ પાણીના પ્રવાહમાં તણાઈ ગયા છે. રાજ્ય સરકારે નીચાણવાળા વિસ્તારોમાં હાઈ-એલર્ટ જાહેર કર્યું છે.
અરુણાચલ પ્રદેશના લોઅર સિયાંગ જિલ્લાના સિજી વિસ્તારમાંથી ભૂસ્ખલનનો એક કંપાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં પહાડનો એક મોટો હિસ્સો ધરાશાયી થતાં એક બાઈક સવાર તે કાટમાળ સાથે નીચે ખીણમાં વહી જતો જોવા મળે છે. સદનસીબે તે બાઈક સવારનો આબાદ બચાવ થયો છે.
આ ભયાનક આપત્તિ વચ્ચે કેન્દ્ર સરકાર પણ એક્શન મોડમાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે અસમના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા સાથે ટેલિફોનિક વાતચીત કરીને પૂરની સ્થિતિ અને નુકસાનની વિગતો મેળવી હતી.
ઉપરાંત કેન્દ્ર તરફથી તમામ સંભવિત મદદની ખાતરી આપી છે. સીએમ સરમાએ જણાવ્યું કે રાજ્ય સરકાર તમામ સંસાધનોનો ઉપયોગ કરીને પ્રભાવિત પરિવારોની સુરક્ષા માટે કામ કરી રહી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં હજુ પણ ભારે વરસાદની ચેતવણી આપી હોવાથી તંત્રને વધુ સતર્ક રહેવા જણાવાયું છે.
મુંબઈમાં મોડી રાત્રે મુશળધાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારો અને સબવેમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાતા ટ્રાફિકની રફતાર ધીમી પડી ગઈ છે.
સાથે જ અમુક સ્થળોએ લોકલ ટ્રેન સેવા પણ પ્રભાવિત થઈ છે. મુંબઈના વાશી વિસ્તારમાં રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. જેના કારણે લોકોને હાલાકીઓનો સામનો કરવો પડ્યો હતો. અંધેરી વિસ્તારમાં સબવેમાં પાણી ભરાઈ જતા ટ્રાફિકને ડાયવર્ટ કરવો પડ્યો હતો. તો પનવેલ વિસ્તારમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. જ્યા રસ્તાઓ બેટમાં ફેરવાયા હતા. હાલ મુંબઈમાં વરસાદ રોકાયો છે અને મોટાભાગના સ્થળોએથી પાણી ઓસરી ગયા છે. મુંબઈમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે.
