Western Times News

Gujarati News

રાયપુરમાં 41 મિલકતોને છેલ્લી નોટિસ, જાણો ક્યાં સુધીમાં રોડ થશે પહોળો

  • અમદાવાદ ટ્રાફિકમાંથી મળશે મુક્તિ!  કાંકરિયા-સારંગપુર જતાં ટ્રાફિકનું ટેન્શન ખતમ, રોડલાઇન માટે તંત્ર એક્શન મોડમાં

રાયપુર રોડલાઇન અમલીકરણ: 41 મિલકતોને અંતિમ નોટિસ, કાંકરિયા તરફના ટ્રાફિકને મળશે રાહત

  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મોટી કાર્યવાહી: રાયપુર દરવાજા બહાર રોડલાઇન નડતર 41 મિલકતો પર ચાલશે બુલડોઝર?

અમદાવાદ, પ્રતિનિધિ:  શહેરના રાયપુર દરવાજા બહાર આવેલા 10 એકર મોલથી વોરાના રોજા સુધીના માર્ગને ટી.પી. સ્કીમ નં. 18-સારંગપુર મુજબ 24.38 મીટર પહોળાઈની રોડલાઇન અનુસાર વિકસાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કાર્યવાહી વધુ ઝડપી બનાવી છે. આ અંતર્ગત રોડલાઇનમાં આવતી 41 મિલકતોને કાયદેસરની પ્રક્રિયાના ભાગરૂપે અંતિમ નોટિસ આપવામાં આવી છે.

ટી.પી. સ્કીમ નં. 18-સારંગપુરના ફાઇનલ પ્લોટ નં. 22, 23 અને 24માં આવતી અસરગ્રસ્ત મિલકતોને ધી ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન (જી.પી.એમ.સી.) એક્ટની કલમ 212(1)(એ) અને 213 હેઠળ 20 ડિસેમ્બર, 2025ના રોજ પ્રાથમિક નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ પ્રક્રિયાના આગામી તબક્કા તરીકે કલમ 212(2) મુજબ 25 જૂન, 2026ના રોજ અંતિમ નોટિસો પણ બજાવવામાં આવી છે.

રોડલાઇન અમલીકરણથી કુલ 41 મિલકતો અસરગ્રસ્ત બનશે, જેમાં 34 કોમર્શિયલ, 6 રહેણાંક અને 1 ધાર્મિક મિલકતનો સમાવેશ થાય છે. કોર્પોરેશનના જણાવ્યા મુજબ તમામ કાર્યવાહી કાયદાકીય જોગવાઈઓ અનુસાર હાથ ધરવામાં આવી રહી છે જેથી માર્ગ વિસ્તરણનું કામ સમયસર પૂર્ણ કરી શકાય.

માર્ગ વિકાસનું કાર્ય પૂર્ણ થયા બાદ રાયપુર દરવાજા, સારંગપુર અને કાંકરિયા તરફ જતાં વાહનવ્યવહારમાં રાહત મળશે તેમજ ટ્રાફિકનું દબાણ ઘટશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.