સલમાન પરિવાર પચાસ વર્ષ પછી ઘર બદલશે
બાંદ્રામાં જ નવી બિલ્ડિંગ માટે મંજૂરી મેળવી
સલમાનની નવી બિલ્ડિંગમાં સુરક્ષાને લગતી બાબતો પર વિશેષ ધ્યાન આપવામાં આવે તેવી શક્યતા છે
મુંબઈ,મુંબઈના આઈકોનિક ગેલેક્સી એપાર્ટમેન્ટ ખાતે પાંચ દાયકા કરતા પણ વધુ સમયથી રહેતો સલમાન ખાન પરિવાર સાથે બાન્દ્રામાં સમુદ્ર સામે નવા નિવાસ સ્થાન ખાતે જવાની તૈયારી કરી રહ્યો છે. મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટીએ તાજેતરમાં જ આ નવી મિલકત માટે બાંધકામના પ્રસ્તાવને મંજૂરી આપી છે, જે તેની માતા સલમા ખાનના નામે નોંધાયેલી છે, જો કે પરિવારે સત્તાવાર રીતે બાબતે કશું જણાવ્યું નથી.
બાંદ્રા વેસ્ટમાં શાહરુખનું ઘર બેન્ડ સ્ટેન્ડ પર છે. જોકે, બેન્ડ સ્ટેન્ડ તરફ જતાં પહેલાં જ સાવ નજીકનાં અંતરે મુખ્ય રોડ પર જ ગેલેક્સી એપાર્ટમેન્ટ આવેલું છે. દાયકાઓ જૂની આ બિલ્ડિંગ બહુ ભપકાદાર કે વૈભવી નથી. અહીં અગાઉ સલમાનની ઝલક મેળવવા માટે ચાહકોનાં ટોળાં જામતાં હતાં. જોકે, લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા આ બિલ્ડિંગમાં ગેલેરી પર ગોળીબાર કરાયો હતો.
તે પછી સલમાને ગેલેરીમાં બહાર આવવાનું છોડી દીધું છે. હવે અહીં કાયમી એક પોલીસ વાન તૈનાત રહે છે અને ચાહકોને એકઠા થવા દેવામાં આવતા નથી.સલમાનની નવી બિલ્ડિંગમાં સુરક્ષાને લગતી બાબતો પર વિશેષ ધ્યાન આપવામાં આવે તેવી શક્યતા છે.બાંદ્રાની આ પ્રોપર્ટી ઉપરાંત સલમાન ખાન પનવેલમાં વિશાળ ફાર્મ હાઉસ પણ ધરાવે છે.SS1
