Western Times News

Gujarati News

પિતાના ત્રાસથી કંટાળી ધોરણ-૧૨ની વિદ્યાર્થિનીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

પ્રતિકાત્મક

મેઘાણીનગરમાં દાદીની ફરિયાદના આધારે નરાધમ પિતા સામે ફરિયાદ

“તું મરી જા, મારી નજરોમાં આવતી નહીં” કહીને પિતા ગયા બાદ માસૂમ દીકરીએ ઘરમાં આત્મહત્યા કરી લીધી

અમદાવાદ, મેઘાણીનગર વિસ્તારમાં કળિયુગી પિતાના અસહ્ય ત્રાસ અને મેણાં-ટોણાથી કંટાળીને ૧૬ વર્ષની સગીરાએ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. અમર જ્યોત સ્કૂલમાં ધોરણ-૧૨માં અભ્યાસ કરતી હીરલ પરમાર નામની સગીરાને તેના જ પિતા હર્ષદ પરમારે “તું કેમ મારા ઘરમાં રહે છે, તું મરી જા” કહીને માનસિક ત્રાસ આપ્યો હતો ત્યારબાદ પિતા રિક્ષા લઇ નિકળી ગયા હતા. પિતાના આ અસહ્ય વર્તનથી આઘાતમાં સરી પડેલી દીકરીએ ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લીધી છે.

આ મામલે સગીરાની ૬૦ વર્ષીય દાદી કમળાબેને પોતાના જ નરાધમ દીકરા વિરુદ્ધ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. મેઘાણીનગર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા હર્ષદ ત્રિભોવનભાઈ પરમાર રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. હર્ષદ અવારનવાર નાની-નાની વાતોમાં પત્ની અને બાળકો સાથે ઝઘડો કરી મારઝૂડ કરતો હતો. પિતાના આ રોજબરોજના ત્રાસ અને હેરાનગતિથી કંટાળીને તેની પત્ની રતનબેન છેલ્લા એક મહિનાથી રિસાઈને અમરાઈવાડી ખાતે પોતાના પિયર ચાલી ગઈ હતી.

ઘરમાં ત્રણ બાળકો તેમની દાદી કમળાબેન સાથે રહેતા હતા, જેમાં હીરલ સૌથી મોટી દીકરી હતી. ૧૧ જુલાઈના રોજ સવારે આશરે સાડા પાંચ વાગ્યે પરિવારના સભ્યો જાગ્યા ત્યારે હીરલ ઘરનું કામકાજ કરી રહી હતી. તે સમયે કળિયુગી પિતા હર્ષદે હીરલને જેમ-તેમ બોલવાનું શરૂ કર્યું હતું અને “તું કેમ મારા ઘરમાં રહે છે? તું મરી જા, મારી નજરોમાં આવતી નહીં” તેમ કહીને પોતાની રિક્ષા લઈને નીકળી ગયો હતો. ત્યારબાદ આશરે સવા આઠ વાગ્યે દાદી કમળાબેન ગીરધરનગર ખાતે નોકરી પર ગયા હતા. સવારે નવ વાગ્યાની આસપાસ પડોશમાં રહેતી ભત્રીજી પુષ્પાએ ફોન કરીને જણાવ્યું કે, હીરલે ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ લીધો છે.

ઘટનાની જાણ થતાં જ દાદી તાત્કાલિક ઘરે દોડી આવ્યા હતા. આ દરમિયાન ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, જ્યાં ફરજ પરના તબીબે હીરલને તપાસીને મૃત જાહેર કરી હતી. પૌત્રીના મોતના પગલે દાદીએ અન્ય સગા-સંબંધીઓ અને તેની માતાને ફોન કરીને બોલાવ્યા હતા. અંતિમક્રિયા પૂર્ણ થયા બાદ દાદી કમળાબેને મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં નરાધમ પિતા હર્ષદ પરમાર વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.