ભાવનગરમાં સિંહના હુમલાથી બચવા માટે યુવક ઝાડ ઉપર ચડી ગયો
(એજન્સી) અમરેલી, અમરેલી જિલ્લાના ખાંભા નજીક આવેલી તુલસીશ્યામ રેન્જના રબારીકા રાઉન્ડ વિસ્તારમાં એક સિંહનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે.
વન વિભાગના જણાવ્યા અનુસાર, અંદાજે ૧૫ વર્ષની ઉંમર ધરાવતા આ નર સિંહનું મોત વૃદ્ધાવસ્થાના કારણે કુદરતી રીતે થયું છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ દોડી ગઈ હતી અને સિંહના મૃતદેહને પોસ્ટમોર્ટમ (પી.એમ.) ની પ્રક્રિયા માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો છે.
બીજી તરફ, ભાવનગર જિલ્લાના સિહોર પંથકમાં વન્ય પ્રાણી સિંહના હુમલાની ઘટનાઓ સતત બેકાબૂ બની રહી છે. ગઈકાલે સિહોર તાલુકાના ટોડા ગામે સિંહે ફરી એકવાર આતંક મચાવીને એક પશુપાલકના પશુનું મારણ કર્યું હતું. સીમમાં પશુ ચરાવી રહેલા રતુભા રઘુભા ગોહિલ નામના પશુપાલકની ભેંસ પર સિંહે અચાનક હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
સિંહને પોતાની તરફ ધસતો જોઈને ગભરાયેલા પશુપાલકે સમયસૂચકતા વાપરી નજીકના વૃક્ષ પર ચડી જઈને જેમ-તેમ કરીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ વિસ્તારમાં સિંહના ત્રાસ અંગે ગામના સરપંચ દ્વારા વન વિભાગને અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ વન વિભાગ દ્વારા હજુ સુધી કોઈ નક્કર પગલાં ભરવામાં ન આવ્યા હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે જેને કારણે સ્થાનિકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
૧૧ જુલાઈ ખાતે જૂનાગઢના ગિરનાર પર્વત પર હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. ગિરનારની યાત્રા દરમિયાન માત્ર ૫૦ જેટલા પગથિયા ચઢ્યા બાદ ૧૨ વર્ષના એક કિશોર પર સિંહે અચાનક હુમલો કર્યો હતો. ઘટનાની ગંભીરતા એટલી હતી કે સિંહ બાળકને પરિવારના સભ્યોના હાથમાંથી જ ખેંચીને નજીકના જંગલ તરફ લઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ અને સ્થાનિક તંત્ર તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયું હતું. જંગલ વિસ્તારમાં વ્યાપક શોધખોળ હાથ ધરવામાં આવી હતી. બાદમાં જંગલમાંથી બાળકના અવશેષો મળી આવ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજ ફરી વળ્યું હતું મૃતક બાળક ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. પરિવાર સાથે ગિરનાર દર્શન માટે આવેલા બાળકનું આ રીતે કરુણ મોત થતાં પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું.
