વડોદરામાં ગુપ્ત બેઠકો અને મંદિરો નજીક બોમ્બ ટ્રાયલ કરી હતી જૈશના આતંકીઓએ
ગુજરાતમાં ઝેરી ગેસથી લાશો ઢાળવાનો જૈશના આતંકીઓનો પ્લાન નિષ્ફળ -અહેમદ ગાજીવાલા અને ઇબ્રાહીમે ૮ મહિના સુધી એકે-૪૭ રાઇફલ અને પિસ્તોલ ચલાવવાની ઘાતક તાલીમ લીધી હતી
આ બોમ્બના ટેસ્ટ બ્લાસ્ટ (ટ્રાયલ) સિદ્ધપુરના ખડિયાસળ નજીક નદીના પટમાં, ચાટાવાડા ગામ અને ટેબાવાડા ગામમાં આવેલા મહાકાળી માતાના મંદિર નજીક કરવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે.
કાશ્મીરમાં ૮ મહિના AK-47 ની ટ્રેનિંગ અને રૂ. ૩ લાખનું પાકિસ્તાન ફંડિંગ: ગુજરાતમાં જૈશના આતંકી મોડ્યુલનો કંપાવી દેનારો ખુલાસો
(એજન્સી) અમદાવાદ, ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા જૈશ-એ-મોહમ્મદના આતંકી મોડ્યુલના પર્દાફાશ બાદ કંપાવી દેનારા ખુલાસાઓ સામે આવ્યા છે. પકડાયેલા આતંકીઓ ગુજરાતમાં મોટો આત્મઘાતી હુમલો અથવા કોઈ મોટી આતંકી ઘટનાને અંજામ આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર (રેડિકલ) થઈ ચૂક્્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
એટીએસની તપાસ મુજબ, પકડાયેલા મુખ્ય આતંકી અહેમદ ગાજીવાલા અને ઇબ્રાહીમે કાશ્મીર જઈને એક બંધ જગ્યાએ ૮ મહિના સુધી એકે-૪૭ રાઇફલ અને પિસ્તોલ ચલાવવાની ઘાતક તાલીમ લીધી હતી. આ કાવતરામાં પાકિસ્તાન સ્થિત હેન્ડલર અબ્દુલ્લા, આફરીન કુરેશી અને એક અજાણ્યો કાશ્મીરી શખ્સ પણ સામેલ હતા. પાકિસ્તાની હેન્ડલર તરફથી આ આરોપીઓને રૂ. ૩ લાખ ફંડ મળ્યું હતું, જેમાંથી તેમણે કાર અને બાઈક ખરીદ્યા હતા. આ કાવતરાના ભાગરૂપે વડોદરા ખાતે કાશ્મીરી વ્યક્તિ સાથે આતંકીઓની ગુપ્ત બેઠકો પણ યોજાઈ હતી. છેલ્લા ૫ મહિનાથી આ નેટવર્ક ગુજરાતમાં સક્રિય થવાનો પ્રયાસ કરી રહ્યું હતું.
સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ આતંકીઓએ માત્ર હથિયારો જ નહીં, પરંતુ કેમિકલ બ્લાસ્ટ અને ઝેરી ગેસ બનાવવાની પણ તાલીમ મેળવી હતી.
આતંકી આમીન શેરા અને મોહમ્મદ અયુબની હાજરીમાં આરોપીઓએ કુલ ૮ ટાઈમર બોમ્બ બનાવ્યા હતા. આ બોમ્બના ટેસ્ટ બ્લાસ્ટ (ટ્રાયલ) સિદ્ધપુરના ખડિયાસળ નજીક નદીના પટમાં, ચાટાવાડા ગામ અને ટેબાવાડા ગામમાં આવેલા મહાકાળી માતાના મંદિર નજીક કરવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે.
બોમ્બ બનાવવાનું રો-મટીરીયલ સિદ્ધપુરની સ્થાનિક દુકાનમાંથી જ ખરીદાયું હતું, જ્યાં હાલ છ્જીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ ઉપરાંત, આરોપીઓએ કાર્બન મોનોક્સાઇડ, મિથેન અને હાઇડ્રોજન સલ્ફાઇડ જેવા અત્યંત ઝેરી ગેસ બનાવીને અન્ય યુવાનોને પણ આ ટ્રેનિંગ આપી હતી.
હાલમાં પકડાયેલા ૫ મુખ્ય આરોપીઓ સહિત કુલ ૧૩ જેટલા શખ્સો કટ્ટરપંથી (રેડિકલ) બન્યા હોવાનું સામે આવ્યું છે. અહેમદ ગાજીવાલાના ઘરેથી આતંકી મસૂદ અઝહરના પુસ્તકો અને અન્ય જેહાદી સાહિત્ય મળી આવ્યું છે. એટીએસની રેડ દરમિયાન નીચે મુજબની સામગ્રી જપ્ત કરવામાં આવી છે.
જેમાં શંકાસ્પદ પીળો અને કાળો પાવડર તથા કેમિકલ, બોમ્બ બનાવવા માટે વપરાતા વાયર, સેલ અને અન્ય સામગ્રી, જૈશ-એ-મોહમ્મદનો ઝંડો, જેહાદી પુસ્તકો, ડાયરી અને નોટબુકો, રોકડા રૂ. ૧.૩૦ લાખ અને શંકાસ્પદ ડિજિટલ પુરાવા (મોબાઈલ ફોન), એક આરોપી પાસેથી બીજા આરોપીને ટ્રાન્સફર કરાયેલ બાર બોરનો કારતૂસનો સમાવેશ થાય છે.
હાલમાં ગુજરાત એટીએસ દ્વારા તમામ પકડાયેલા આતંકીઓના મોબાઈલ ફોનના સીડીઆર અને ટેકનિકલ ડેટાની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. ગુજરાતમાં જૈશ-એ-મોહમ્મદના આ નેટવર્કે અન્ય કયા-કયા યુવાનોને જેહાદ માટે પ્રેરિત કર્યા હતા અને કોની સાથે કનેક્શન હતું, તે દિશામાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
