‘ઈથા’માં લાવણીને અસલી સ્વરૂપમાં રજૂ કરવી સૌથી મોટો પડકાર હતો : વૈભવી મર્ચન્ટ
ફિલ્મ ‘ઈથા’ માટે કોરિયોગ્રાફી કરવાનો અનુભવ શેર કર્યો
વૈભવી મર્ચન્ટે ખુલાસો કર્યાે કે તેમણે ફિલ્મનાં ત્રણ સૌથી મોટા ડાન્સ નંબર કોરિયોગ્રાફ કર્યા છે
મુંબઈ,જાણીતાં કોરિયોગ્રાફર વૈભવી મર્ચન્ટે અભિનેત્રી શ્રદ્ધા કપૂરની આગામી ફિલ્મ ‘ઈથા’ માટે કોરિયોગ્રાફી કરવાનો અનુભવ શેર કરતાં કહ્યું છે કે ફિલ્મમાં લાવણીને તેની મૂળ ઓળખ જાળવીને ભવ્ય સિનેમેટિક સ્વરૂપમાં રજૂ કરવી સૌથી મોટો પડકાર હતો.પ્રખ્યાત લાવણી-તમાશા સમ્રાજ્ઞી વિઠાબાઈ નારાયણગાંવકરના જીવન પર આધારિત આ ફિલ્મને વૈભવીએ પોતાની કારકિર્દીના સૌથી સંતોષકારક પ્રોજેક્ટ્સમાંનો એક ગણાવ્યો છે.એક ઇન્ટરવ્યુમાં વૈભવી મર્ચન્ટે જણાવ્યું, “લાવણી પરંપરાગત રીતે મહારાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં રજૂ થતી આવી છે. અમારો સૌથી મોટો પડકાર તેની અસલિયત જાળવી રાખીને તેને ભવ્ય સિનેમેટિક સ્કેલ પર રજૂ કરવાનો હતો.”
તેમણે જણાવ્યું કે દિગ્દર્શક લક્ષ્મણ ઉટેકરની દ્રષ્ટિ સાથે મળીને તેમણે લાવણીના આત્મા, તેની અભિવ્યક્તિ, નજાકત અને પરંપરાગત વ્યાકરણને જાળવવાનો પ્રયાસ કર્યાે, સાથે જ તેને સમગ્ર ભારત અને આંતરરાષ્ટ્રીય દર્શકોને પણ સ્પર્શી શકે તે રીતે રજૂ કરવામાં આવ્યું છે.વૈભવી મર્ચન્ટે ખુલાસો કર્યાે કે તેમણે ફિલ્મનાં ત્રણ સૌથી મોટા ડાન્સ નંબર કોરિયોગ્રાફ કર્યા છે. ફિલ્મનાં શૂટિંગની શરૂઆત જ સૌથી મુશ્કેલ ગીતનાં શૂટથી કરવામાં આવી હતી.તેમણે જણાવ્યું કે ઇચ્છિત ભવ્યતા અને ભાવનાત્મક ઊંડાણ લાવવા માટે ટીમે લાંબી તૈયારી, વિશાળ સંશોધન અને સતત રિહર્સલ્સ કર્યાં હતાં.વૈભવીએ ફિલ્મની મુખ્ય અભિનેત્રી શ્રદ્ધા કપૂરનાં પણ ભરપૂર વખાણ કર્યાં હતાં. તેમણે જણાવ્યું કે શૂટિંગ દરમિયાન નાની ઈજા થવા છતાં શ્રદ્ધાએ કોરિયોગ્રાફી માટેની પોતાની પ્રતિબદ્ધતા જાળવી રાખી હતી.તેમણે કહ્યું, “શ્રદ્ધાએ પોતાની મર્યાદાઓને પાછળ છોડી દીધી.
તેણે સતત રિહર્સલ્સ કર્યાં અને દરેક પરફોર્મન્સમાં પોતાનું સર્વસ્વ આપી દીધું. આ અમારા માટે એક સાચી સર્જનાત્મક ભાગીદારી બની અને તેણે અદ્ભુત રીતે આ પડકાર પૂર્ણ કર્યાે.”વૈભવી મર્ચન્ટનું માનવું છે કે અત્યાર સુધી ફિલ્મનાં ગીતોની માત્ર ઝલક જ દર્શકો સુધી પહોંચી છે. તેમણે કહ્યું, “જ્યારે આખા ગીતો રજૂ થશે ત્યારે લોકો સમજી શકશે કે લાવણીની સુંદરતાને પડદા પર જીવંત કરવા માટે કેટલો અભ્યાસ, સંશોધન અને સમર્પણ કરવામાં આવ્યું છે.”SS1
