Western Times News

Gujarati News

અમદાવાદના નાગરીકોને ‘કાળા પાણી’ ની સજા

દુષિત પાણીની સમસ્યા વકરી : પાણીજન્ય રોગચાળાના અંદાજે દસ હજાર કેસઃ પૂર્વ અને દક્ષિણઝોનમાં પાણીજન્ય રોગચાળો બેકાબુ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકરી રહયો છે.મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સપ્લાય થતા પાણીમાં પોલ્યુશન અને બેકટેરીયાની માત્રા વધારે હોવાના કારણે કમળો, કોલેરા, ટાઈફોઈડ અને ઝાડાઉલ્ટીના કેસ મોટી સંખ્યામાં બહાર આવી રહયા છે. મ્યુનિ.કોર્પોરેશનના દક્ષિણ અને પૂર્વઝોન પાણીજન્ય રોગચાળાના એ.પી.સેન્ટર બની ગયા છે.

શહેરમાં છ માસમાં જ પાણીજન્ય રોગચાળાના દસ હજાર જેટલા કેસ નોધાયા છે. આ આંકડા અત્યંત ચોકાવનારી અને ચિંતાજનક છે. મ્યુનિ. વહીવટીતંત્રની ઘોર બેદરકારીના કારણે નાગરીકો દુર્ગધયુકત અને ડહોળાશવાળા પાણીનો ઉપયોગ કરવા મજબુર બની રહયા છે. બીજા શબ્દોનાં કહીએે તો સ્માર્ટસીટીના નાગરીકો “કાળા પાણી”ની સજા ભોગવી રહયા છે !

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કરદાતાઓ પીવાલાયક શુધ્ધ પાણી માટે વલખા મારી રહયા છે. છેલ્લા એક દાયકાથી વિકાસની વાતો કરતા શાસકો પ્રદુષિત પાણીની સમસ્યાનો ઉકેલ લાવી શકયા નથી. શહેરના ૪૮ વોર્ડ પૈકી ર૦ કરતા પણ વધુ વોર્ડમાં પ્રદુષીત પાણી સપ્લાય થાય છે. શ્રમજીવી વસાહતો ના નાગરીકો માટે પ્રદુષીત પાણીની સમસ્યા ગંભીર બની રહી છે.

મ્યુનિ.વહીવટીતંત્રની બેદરકારી, અણઆવડત અને બેફામ ભ્રષ્ટાચારના કારણે કમળો, કોલેરા અને ટાઈફોઈડનો રોગચાળો બેકાબુ બન્યો છે. ર૦૧૯ ના પ્રથમ ૦૬ મહીનામાં જ ટાઈફોઈડ ના રર૦૦ કરતા વધારે કેસ નોધાયા છે. ભૂતકાળમાં સમગ્ર વર્ષ દરમ્યાન ટાઈફોઈડના માંડ એક હજાર કેસ કન્ફર્મ થતા હતા. જયારે અત્યંત જીવલેણ માનવામાં આવતા “કોલેરા”ના રોગચાળાએ કાળો કેર વર્તાવ્યો છે.

ચાલુ વર્ષમાં કોલેરાના ૭૪ કેસ કન્ફર્મ થયા છે. મે અને જુન મહીનામાં જ કોલેરાના ૬૩ કેસ નોધાયા હતા. જેના માટે દુષીત પાણીને મુખ્ય કારણ માનવામાં આવી રહયું છે. ર૦૧૯ના વર્ષને કોલેરા અને કમળા માટે પણ કદાચ યાદ કરવામાં આવશે. ર૦૧૯ના પ્રથમ ૦૬ મહીનામાં કમળાના ૧૩૦૦ જેટલાકેસ બહાર આવ્યા છે. આગામી સમયમાં કમળાના કેસમાં બે થી ત્રણ ગણો વધારો થવાની દહેશત વ્યકત થઈ રહી છે.

શહેરના નાગરીકો પાણીજન્ય રોગચાળો સામે એક દાયકાથી ઝઝૂમી રહયા છે. મ્યુનિ.સત્તાધીશો અને વહીવટીતંત્ર એ અનેક વખત પ્રદુષણયુકત પાણીની જાહેરાતો કરી છે. પરંતુ પરીણામ શૂન્ય છે. શહેરના દક્ષિણા પૂર્વ અને મધ્યઝોનના નાગરીકો માટે શુધ્ધ પાણી સ્વપ્ન સમાન બની રહયું છે.

મ્યુનિ. કોર્પોરેશનના દક્ષિણઝોનમાં પાણીજન્ય રોગચાળાના ત્રણ હજાર જેટલા કેસ નોધાયા છે. જેમાં ટાઈફોઈડના ૭૧૬, કમળાના ૩૮ર, ઝાડાઉલટીના ૧૯૧૦ અને કોલેરાના ૩૮ કેસ નો સમાવેશ થાય છે. દક્ષીણઝોનના દાણીલીમડા વોર્ડમાં ટાઈફોઈડના ૯ર, કમળાના ૮૦, ઝાડાઉલટીના ૩૧૦ અને કોલેરાના ૦પ કેસ નોધાયા છે. વટવા વોર્ડમાં કોલેરા ના ૧૭, ઝાડાઉલટી ના ૭૦૬,કમળાના ૯ર તથા ટાઈફોઈડના ૩૦ર કેસ નોધાયા છે. બહેરામપુરા વોર્ડમાં ટાઈફોઈડના ૪ર, કમળાના ૭૮, ઝાડાઉલટીના રપ૮ તથા કોલેરાના ૦૪ કેસ નોધાયા છે.

દક્ષિણઝોનમાં વટવા, લાંભા, બહેરામપુરા અને દાણીલીમડા વોર્ડમાં પ્રદુષીત પાણી અને પાણીજન્ય રોગચાળાની સમસ્યાએ માઝા મુકી છે. પૂર્વઝોનમાં માત્ર ૦૬ માસના સમયગાળામાં પાણીજન્ય રોગચાળાના ૧૮૯૦ કેસ બહાર આવ્યા છે. પૂર્વઝોનના અમરાઈવાડી વોર્ડમાં ટાઈફોઈડ ના ૧ર૪, કમળાના ૬૪,ઝાડા ઉલટીના ૩૧૯ અને કોલેરાના પાંચ કેસ કન્ફર્મ થયા છે.

જયારે ગોમતીપુર વોર્ડમાં ટાઈફોઈડના ૧૩૩, કમળાના ૪૭ તથા ઝાડાઉલટીના ર૮૪ નોધાયા છે. ઉત્તરઝોનમાં પણ પાણીજન્ય રોગચાળાના કેસ મોટી સંખ્યામાં જાવા મળ્યા છે. ઉત્તરઝોનના કુબેરનગર, બાપુનગર, અસારવા અને સરસપુર વોર્ડમાં પણ કમળા, કોલેરા અને ટાઈફોઈડનો આતંક જાવા મળી રહયો છે.
મ્યુનિ. કોગ્રેસ પક્ષના પૂર્વનેતા સુરેન્દ્રભાઈ બક્ષીએ દુષીત પાણી અને પાણીજન્ય રોગચાળા અંગે તીવ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે મ્યુનિ વહીવટીતંત્ર અને શાસકપક્ષ પ્રજા પાસેથી યેનકેન પ્રકારે વેરા અને દંડ વસુલ કરવામાં જ મશગુલ છે. શહેરના મધ્યઝોન અને દક્ષિણઝોનના નાગરીકો ઘણા સમયથી ડહોળાશ અને દુર્ગધયુકત પાણીની સમસ્યા સામે લડી રહયા છે. પરંતુ તેનો કોઈ જ ઉકેલ આવતો નથી.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા જે પાણી સપ્લાય કરવામાં આવે છે. તે “સબ-સ્ટાન્ડર્ડ” હોય છે. જે પીવા માટે યોગ્ય નથી. મ્યુનિ. કમીશ્નર અને હોદેદારો  સ્માર્ટસીટી ના દાવા કરી રહયા છે. જયારે નાગરીકો પીવાલાયક પાણી માટે વલખા મારી રહયા છે. મ્યુનિ. હેલ્થ ખાતા દ્વારા પાણીના સેમ્પલની ચકાસણી કરવામાં આવે છે. તેના રીપોર્ટ પણ નેગેટીવ આવે છે. અનફીટ સેમ્પલ અને “નીલ કલોરીન” ની સંખ્યામાં સતત વધારો થઈ રહયો છે.

મ્યુનિ. કોર્પોરેશનના પાણીમાં કોલીફોર્મ્સ અને “ઈ-કોલાઈ” નામના બેકટેરીયાની માત્રા વધારે હોવાનું પ્રમાણીત થઈ રહયું છે. શહેરના નાગરીકો પાસેથી મોટા વેરા અને દંડની વસુલાત કરતા પહેલા તેમને સારા રોડ અને પીવાલાયક શુધ્ધ પાણી આપવામાં આવે તે પણ જરૂરી છે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.