Western Times News

Gujarati News

જયપુરમાં સૌથી વધુ હિન્દુઓ ભિખ માગી ગુજરાન ચલાવે છે

રાજસ્થાનના પિંકસિટી જયપુરમાં સર્વે હાથ ધરાયો-૧૧૬૨ ભિક્ષુકોનો સર્વે કરાયો જેમાંથી પાંચ તો પોસ્ટ ગ્રેજ્યુએટ તેમજ ૯૦૩ અભણ હોવાનું જાણવા મળ્યું
જયપુર,  દેશમાં ઘણીવાર પ્યૂન કે સફાઈકર્મીની ભરતીમાં પીએચડી કે પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા લોકો અરજી કરે છે તે હવે નવાઈની વાત નથી રહી. જો કે માસ્ટર ડિગ્રી ધરાવતા, સ્કૂલનું શિક્ષણ લીધું હોય તેવા લોકો ભીખ માગીને ગુજારો કરતા હોવાનું હવે બહાર આવ્યું છે. દેશમાં ધાર્મિક સ્થળો પર કે પછી ઘણીવાર ટુરિસ્ટ સ્પોટ પર મોટી સંખ્યામાં લોકો ભિક્ષાવૃત્તિ કરતા હોય છે. ઘણા રાજ્યોમાં કાયદાકીય રીતે ભીખ માગવી ગુનો છે, અને ભિક્ષુક ગૃહો પણ બનાવાયેલા છે. જો કે આ કાયદો માત્ર કાગળ પર જ જોવા મળે છે. ત્યારે, રાજસ્થાનના પાટનગર અને પિંક સિટી તરીકે ઓળખાતા જયપુરમાં પોલીસે ૧૧૬૨ ભિક્ષુકોનો સરવે કર્યો હતો. જેમાં કેટલીક રસપ્રદ વાતો બહાર આવી હતી.

જયપુરમાં પાંચ ભીખારી પોસ્ટ ગ્રેજ્યુએટ સ્તરની ડિગ્રી ધરાવે છે. જ્યારે ૧૯૩ સ્કૂલમાં ભણેલા છે. ૩૯ ભિક્ષુકો લખી-વાંચી શકતા હતા, જ્યારે ૯૦૩ અભણ હોવાનું આ સર્વેમાં જાણવા મળ્યું હતું. પોલીસ જયપુરને ભિક્ષુકમુક્ત શહેર બનાવવાનું આયોજન ધરાવે છે. જેના ભાગરુપે આ ભિક્ષુકોને બીજો કોઈ કામધંધો અપાવાય તો તેઓ તેને અપનાવશે કે નહીં તે જાણવા આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. પોલીસે જે ભિક્ષુકોને આ સર્વે હેઠળ આવરી લીધા હતા, તેમાંથી ૧૬૦ લોકોએ ભીક્ષાવૃત્તિ જ ચાલુ રાખવામાં રસ દાખવ્યો હતો. જ્યારે ૧૧૭ બીજું કોઈપણ કામ મળે તો તે કરવા માટે તૈયાર હતા.

નવાઈની વાત એ છે કે ૨૭ જેટલા ભિક્ષુકોએ શિક્ષણ ક્ષેત્રમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જ્યારે અન્યએ મજૂરી કામ, કેટરિંગ કે પછી હોટેલમાં કામ કરવા તૈયારી બતાવી હતી. જયપુરમાં ભિક્ષાવૃત્તિ કરનારા લોકો કયા ધર્મના છે તે પણ તેમને પૂછવામાં આવ્યું હતું. જેમાં ૧૦૧૬ હિન્દુ, ૧૧૧ મુસ્લિમ, ૬ શિખ, ચાર ખ્રિસ્તી જ્યારે બે જૈન હોવાનું જાણવા મળ્યું હતું. ૨૩ ભિક્ષુકોએ પોતાની ધાર્મિક ઓળખ આપવાનો ઈનકાર કરી દીધો હતો.

સર્વેમાં આવરી લેવાયેલા ૧૧૬૨ ભિક્ષુકોમાંથી ૯૩૯ પુરુષ, ૨૨૩ મહિલા હતી. ભિક્ષા માગનારામાં ૨૭૮ લોકો ૩૧-૪૦ વર્ષની વયજૂથના હતા. જ્યારે ૨૫૯ ૪૧-૫૦ વર્ષના હતા. નવાઈની વાત એ છે કે ૫૨ ભિક્ષુકો ૧૦ વર્ષ સુધીની વય ધરાવતા હતા, જ્યારે ૮૦ ભિક્ષુકો ૧૧થી ૨૦ વર્ષની ઉંમરના હતા. સર્વેમાં ભિક્ષુકો મૂળ ક્યાંના છે તે પણ જાણવાનો પ્રયાસ કરાયો હતો.

જે અનુસાર, ૮૦૯ રાજસ્થાનના, ૯૫ યુપીના, ૬૩ એમપીના, ૪૫ બિહારના, ૩૭ પશ્ચિમ બંગાળના, ૨૫ ગુજરાતના અને ૧૫ મહારાષ્ટ્રના ભિક્ષુકો જયપુરમાં ભિક્ષાવૃત્તિ કરતા હતા. બીજી એક રસપ્રદ વાત એ છે કે, દક્ષિણ ભારતના ભિક્ષુકો પણ જયપુરમાં હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. જેમાં બે-બે ભિક્ષુકો કર્ણાટક અને કેરળના જ્યારે એક તમિલનાડુનો હોવાનું જાણવા મળ્યું હતું. વ્યક્તિ મોટાભાગે ભિક્ષાવૃત્તિ ત્યારે જ કરતો હોય છે કે જ્યારે તેની પાસે પેટ ભરવાનો બીજો કોઈપણ વિકલ્પ ના બચે.

ઘણીવાર વૃદ્ધ અને અશક્ત લોકોને ભિક્ષાવૃત્તિ કરવા માટે ફરજ પડતી હોય છે. દેશમાં ઘણા ટ્રાફિક સિગ્નલ પર બાળકો પણ ભીખ માગતા નજરે પડતા હોય છે. ઘણા કિસ્સામાં તો મા-બાપ અને બાળકો સાથે જ ભિક્ષાવૃત્તિ કરતા હોય છે. ભિક્ષુકોનું જીવન સુધારવા અને તેમને બીજું કોઈ કામ કરવાને લાયક બનાવવા અનેક એનજીઓ પણ કાર્યરત છે. જો કે ભાગ્યે જ કોઈ ભિક્ષુક આ વ્યવસાયમાંથી મુક્ત થઈ શકે છે. SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.