Western Times News

Gujarati News

નોકરીવાંચ્છુ ઉમેદવારોએ અલગ-અલગ વિભાગો માટે અલગ અલગ પરીક્ષા નહી આપવી પડે

કેન્દ્ર સરકારે નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સી (NRA)- એક દેશ એક ભરતી પરીક્ષા

દેશમાં હવે સરકારી નોકરી માટે અલગ-અલગ ફોર્મ ભરવાની કે ઉપરાછાપરી આવતી અનેક પરીક્ષાઓ આપવાની જરૂર નહી પડે. કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરીને એક દેશ એક ભરતી પરીક્ષાને મંજુરી આપી દીધી છે. 19 ઓગસ્ટ 2020ના રોજ કેન્દ્ર સરકારે નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સી(એનઆરએ) ઉભી કરવાની સાથે જ નોકરીવાંચ્છુ ઉમેદવારોએ અલગ-અલગ વિભાગો માટે અલગ અલગ પરીક્ષા નહી આપવી પડે.

આ એજન્સી દ્વારા લેવાનારી એક જ પરિક્ષાના પરિણામના આધારે અલગ અલગ સરકારી વિભાગોમાં નોકરી માટેની અરજી કરી શકે છે. એનઆરએ કરોડો યુવાઓ માટે વરદાનરૂપ બનશે. કારણકે આ એજન્સીના ગઠનથી સરકારી ભરતી પ્રક્રિયામાં પારદર્શકતા પણ આવશે અને ઝડપ પણ આવશે. એનઆરએ કેવી રીતે કામ કરશે તે જરા વિસ્તારથી જાણવું જરૂરી છે.

એનઆરએ અને તેના ફાયદાઓ વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકારે ઉભા કરેલા નવા માળખા નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સીમાં રેલવે ભરતી બોર્ડ (આરઆરબી), ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્શન બોર્ડ (આઈબીપીએસ) અને સ્ટાફ સિલેક્શન કમિશન (એસએસસી)નો વિલય કરી દેવામાં આવ્યો છે.

અર્થાત કે રેલવેની, બેંકોની અને સ્ટાફ સિલેક્શનની ભરતી લેખિત પરીક્ષાઓ નહી લેવાય, તેના સ્થાને એનઆરએની એક જ સામાન્ય યોગ્યતા પરીક્ષા (સીઈટી) પરીક્ષાના પરિણામના આધારે આ તમામ પદો પર ભરતી કરવામાં આવશે. બેંકીંગ, રેલવે અને સ્ટાફ સિલેક્શનની ભરતી એનઆરએ હાથ ધરશે અને આગામી સમયમાં કેન્દ્ર સરકારની તમામ પરીક્ષાઓ એનઆરએ સાથે જોડાઈ જશે. તદુપરાંત એનઆરએની સીઈટી પરીક્ષાના પરિણામ સાથે રાજ્ય અને કેન્દ્રની ખાનગી ભરતી સંસ્થાઓને પણ જોડવામાં આવશે. મતલબ કે ઉમેદવારના સીઈટીના પરિણામના આધારે જ તેને સરકારી કે ખાનગી સંસ્થાઓમાં નોકરી મળી જશે, તેને અલગ અલગ પરીક્ષાઓમાંથી પસાર થવું નહી પડે.

આ સરકારનું એક ક્રાંતિકારી પગલુ છે અને તેનાથી નોકરીવાંચ્છુઓની મોટાભાગની મુંઝવણોનો અંત આવી જાય છે. આ પહેલા નોકરીવાંચ્છુઓએ વિવિધ સંસ્થાનોની પરીક્ષાઓ ઉપર બાજ નજર રાખવી પડતી હતી, અલગ અલગ પરીક્ષાઓ માટે અલગ અલગ ફોર્મ ભરવા પડતા હતા. અલગ અલગ સમયે લેવાતી પરીક્ષાઓ માટે નિર્ધારિત પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચવા ભાડું ખર્ચવાનું અને રહેવાની વ્યવસ્થા કરવાનું દબાણ રહેતું હતું.

આ પરીક્ષા અભિયાનોમાં સફળતા મેળવવી અભિમન્યુના સાત કોઠા વિંઘવા જેવું દુષ્કર થઈ પડતું. કેમકે પરીક્ષા ફી અને આવાસ-પ્રવાસમાં ઘણો ખર્ચ કરીને બધુ સમુસુતરૂ પાર પડ્યા પછી પણ, પરીક્ષાનું પાસ પરિણામ મળ્યા પછી પણપેપર લીક થવાનો અને પરીક્ષાઓ રદ્દ થવાનો ભય રહેતો. કારણ કે એવું છાસવારે બનતું.

વિભિન્ન ભરતી બોર્ડ માટે પણ દેશભરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે પ્રકારે પરીક્ષાઓનું આયોજન કરવું ભારે ખર્ચાળ અને પડકાર ભર્યુ થઈ પડતું. આ નવું માળખું સરકાર અને નોકરીવાંચ્છુ બંને માટે આશીર્વાદરૂપ બની રહેશે.

કેટલીક એજન્સીઓ સીઈટીના પરીક્ષાના આધારે જ સીધી નોકરી આપશે જ્યારે આ ટીયર-1 અર્થાત કે સ્ક્રીંનિંગ પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો ઉચ્ચ સ્તરીય પરીક્ષા માટે અરજી કરી શકશે. જે સંસ્થાઓને ફિઝીકલ ટેસ્ટ, ઇન્ટવ્યૂ વગેરેની જરૂર ન હોય તે સંસ્થાઓ સીઈટીના પરિણામના આધારે જ સીધી ભરતી કરશે અને જેમને ઉપરોક્તની જરુર હોય તેમના માટે આ પાત્રતા કસોટી છે.

ઘણા સરકારી વિભાગોએ સંકેતો આપી દીધા છે કે તેઓ ભરતી માટે બીજા તબક્કાની પરીક્ષા નહી લે.મતલબ કે સીઈટીના પરીણામના આધારે જ નોકરી મળી જશે. એનઆરએની સીઈટી પરીક્ષા માટેની યોગ્યતા અને અભ્યાસક્રમવિશે પણ કોઈ મુંઝવણ નથી. અલગ અલગ શૈક્ષણિક યોગ્યતા મે અલગ અલગ સીઈટી પરીક્ષા લેવાશે. હાલમાં ત્રણ સ્તરે પરીક્ષા લેવાશે. 10માં, 12માં અને ગ્રેજ્યુએટ સ્તરે. અલબત્ત, અભ્યાસક્રમ એક જ રહેશે.

અભ્યાસક્રમ 10માં, 12માં અને ગ્રેજ્યુએજશનના સ્તરના આધારે જ હશે. સીઈટી પરીક્ષાનું પરિણામ જાહેર થયાની તારીખથી ત્રણ વર્ષ સુધી તે માન્ય રહેશે અર્થાત કે એકવાર પરીક્ષા આપ્યા પછી નોકરીવાંચ્છુ ફરી પરીક્ષા આપવા ન માંગતા હોય તો તેના પરિણામ નોકરી માટે ત્રણ વર્ષ સુધી માન્ય રહેશે. સંતોષકારક પરિણામ ન મળે અને પરિણામ સુધારવું હોય તો કેટલીવાર પરીક્ષા આપી શકાય તેની કોઈ મર્યાદા નથી, ઇચ્છા પડે તેટલીવાર પરીક્ષા આપી શકાય છે. હા, એનઆરએ વર્ષમાં બે વાર પરીક્ષા લેશે.

નોકરીવાંચ્છુઓને વિવિધ પરીક્ષાઓ માટે ફોર્મ ભરવાની ઝંઝટમાંથી મુક્તિ મળી ગઈ છે, સીઈટી માટે ઓનલાઇન ફોર્મ ભરાશે, એડમિટ કાર્ડ સહિતની તમામ પ્રક્રિયા ઓનલાઇન થશે. ફોર્મ ભરતી વખતે પરીક્ષા કેન્દ્ર પસંદ કરવાનું રહેશે. આ માટે સરકાર દરેક જિલ્લામાં એક પરીક્ષા કેન્દ્ર બનાવશે અને દેશભરમાં 1000 પરીક્ષા કેન્દ્રો ઉભા કરવામાં આવશે. કેન્દ્ર સરકાર પ્રમાણે, સીઈટી પરીક્ષા કુલ 12 ભાષામાં લેવાશે. કેન્દ્ર સરકારે શરુઆતના ત્રણ વર્ષ માટે આના માટે 1517.57 કરોડ રુપિયાનું બજેટ ફાળવ્યુ છે.

અત્યારે દેશમાં સ્થિતિ એવી છે કે એક પરીક્ષા આપવા પાછળ પરીક્ષા ફી, મુસાફરી અને રહેવાની સગવડા માટે 2-3 હજાર રુપિયાનો ખર્ચ કરતા અને વર્ષમાં આવી 3-4 પરીક્ષાઓ આપ્યા પછી ઘણા આર્થિક પછાત વર્ગના ઉમેદવારો માટે ઉતિર્ણ થવાની સંભાવના હોવા છતા પણ વધુ પરીક્ષાઓ આપવી પોસાતી નહી હોવાથી પડતું મુકવું પડે છે અને ટેલન્ટ હોવા છતા મજુરી કામમાં જાતને જોતરવી પડે છે.

ગ્રામજનો અને પરિવારજનો પણ નક્કામો, પૈસાનો બગાડ કરનાર તરીકે તેને ચિતરે છે અને પોતે પણ બોજરૂપ બન્યાના આજીવન અપરાધબોધમાંથી મુક્ત નથી થઈ શકતો. સરેરાશ વાત કરીએ તો રેલવે કે બેંક કે સ્ટાફ સિલેક્શનની પરીક્ષાઓમાં 2.5 કરોડથી 3 કરોડ ઉમેદવારો ભાગ લે છે અને તેમાં અપરાધ બોધને વહન કરતા આવા હજારો, લાખો કિસ્સાઓ ગ્રામીણ ભારતમાં મોજુદ છે.

આવી પરીક્ષાઓમાં એક નહી સમજાતો સવાલ એ પણ પિડે છે કે ભરતી ભલે કેન્દ્ર સરકાર કરે, ઉમેદવારે ગુજરાતમાં નોકરી કરવાની છે અને નોકરીની પ્રાથમિક યોગ્યતા 10ધોરણ પાસ હોય તો તે શું કામ હિન્દી કે અંગ્રેજી ભાષામાં જ પરીક્ષા આપી શકે?

ગુજરાતીમાં કેમ નહી? અત્યાર સુધી આવી પરીક્ષાઓ માત્ર હિન્દી અને અંગ્રેજી ભાષામાં જ આપી શકાતી હતી અને હવે તે દેશની મુખ્ય 12 ભાષામાં આપી શકાશે. શા માટે દ્વારકાના ઉમેદવારે પરીક્ષા આપવા છેક 440 કિલોમીટર દુર અમદાવાદ આવવું પડે? કેમ તેને અનુકુળ એવો નજીકનો વિકલ્પ ન આપવામાં આવે?

વર્તમાનમાં પ્રચલિત શહેરી પૂર્વાગ્રહને દુર કરવા માટે સીઈટીની પરીક્ષા 1000 કેન્દ્રોમાં આયોજિત કરવામાં આવશે જેથી ઉમેદવાર પોતાની નજીકના કેન્દ્ર ઉપર પરીક્ષા આપી શકશે. પરીક્ષાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અહીંતહીંથી જ્ઞાન અર્જિત કરીને માત્ર વર્ષમાં 4-5 પરીક્ષાઓ આપવા પાછળ જ શા માટે 30-40 હજાર રુપિયાના ખર્ચના ખાડામાં ઉતરી જવું પડે?

શિક્ષણ થકી તેની સ્થિતિ સુધારવાને બદલે શા માટે તેને કંગાલિયત તરફ ધકેલવામાં આવે છે? એક દેશ એક ભરતી પરીક્ષાથી શિક્ષાર્થી નોકરીવાંચ્છુને આર્થિક ઘસારો અટકશે. ગામડાની મહિલા ઉમેદવાર કે જેને અજાણ્યા દુરસ્થ શહેરમાં જવાના વિચારથી પરીક્ષા આપવાનું માંડવાળ કરવાનો નિર્ણય લેવો પડે એવું કેમ? એનઆરએના કારણે વધુ મહિલા ઉમેદવારો પરીક્ષાના મેદાનમાં આવશે અને મહિલા સશક્તિકરણનું કાર્ય થશે.

એક જ સમયે એક કરતા વધુ સંસ્થાનોની પરીક્ષા લેવાય, ઉમેદવારનો નિરાશાની ગર્તામાં ધકેલી દેતો તારીખોનો આવો ક્લેશ શા માટે?શા માટે પરીક્ષા પેટર્નમાં સ્ટાન્ડર્ડાઈઝેશન નથી જોવા મળતું?

એનઆરએ પરીક્ષા પેટર્નમાં સ્ટાન્ડર્ડાઇઝેશન લાવશે. શા માટે ભરતી એજન્સીઓએ માત્ર પરીક્ષાઓ લેવામાં કરોડોનો ફાલતુ ખર્ચ કરવો પડે? એનઆરએના કારણે ભરતી એજન્સીઓનો ખર્ચ ઘટશે અને તેનાથી લગભગ વરસે 600 કરોડ રુપિયાની બચત થશે.

લગભગ એક જ સરખી પેટર્નમાં પેપર કાઢતી સરકારી સંસ્થાઓ અલગ અલગ પરીક્ષાઓ શું કામ લે છે? અત્યારે રેલવે, બેંકીંગ અને સ્ટાફ સિલેક્શનને એનઆરએ હેઠળ લાવવામાં આવ્યા છે, કેન્દ્ર સરકારના સચિવ સી. ચંદ્રમૌલીના કહેવા પ્રમાણે સરકારની લગભગ 20 કરતા વધુ ભરતી એજન્સીઓ છે અને બાદમાં અન્ય એજન્સીઓને પણ એનઆરએ હેઠળ લાવવામાં આવશે. હાલમાં કેન્દ્રીય નોકરીઓ માટે 20 કરતા વધુ એજન્સીઓ પરીક્ષા લે છે અને દર વર્ષે સવા લાખ ભરતીઓ કરે છે.આવા અનેક જટિલ પ્રશ્નોને આ નવી વ્યવસ્થામાં સંબોધવામાં આવ્યા છે. આ કામ બે દાયકા પહેલા થઈ જવું જોઈતું હતું પરંતુ ખેર, દેર આયે દુરસ્ત આયે… હિંમત કાતરિયા*  (*લેખક શ્રી ગુજરાતના જાણીતા પત્રકાર છે.) PIB Inputs


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.