Western Times News

Gujarati News

રામોલમાં રૂા. ૧.ર૬ કરોડ પડાવી ત્રણ શખ્સોએ બ્લેક મેઈલ કરતાં વૃધ્ધનો આપઘાત

ફરાર ત્રણેય શખ્સોને ઝડપી લેવા પોલીસની સઘન તપાસ

(પ્રતિનિધિ) અમદાવાદ, રામોલમાં પોતાના દત્તક પુત્ર સાથે રહેતા એક વૃધ્ધને ત્રણ શખ્સોએ બ્લેકમેઈલ કરતાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. વૃધ્ધે લખેલી બે સ્યુસાઈડ નોટ પરથી ત્રણ શખ્સોના નામ ખુલતાં પોલીસે હવે ત્રણેયને ઝડપી લેવાની પ્રક્રીયા હાથ ધરી છે તેમણે વૃધ્ધ પાસેથી રૂા.૧.ર૬ કરોડ પણ પડાવ્યા હતા.

આ ઘટનાની વિગત એવી છે કે દિલીપભાઈ શર્મા સોહમ બંગ્લોઝ એસ.પી. રીગ રોડ, રામોલ ખાતે રહે છે તેમના કાકા નારાયણભાઈ શર્મા (ઉ.૬પ)ના છુટાછેડા થઈ જતાં તેમને કોઈ સંતાન ન હતું જેથી દિલીપભાઈને તેમણે દત્તક લીધા હતા ત્યારથી દિલીપભાઈ તથા તેમનો પરીવાર નારાયણભાઈની સાથે જ રહે છે.

ગત તારીખ ૧૬ ઓગસ્ટે પરિવાર ઉંઘવાની તૈયારી કરતો હતો એ વખતે નારાયણભાઈ રડતા હતા જેથી દિલીપભાઈએ ફોન કરી પિતરાઈ ભાઈઓને બોલાવ્યા હતા પરંતુ નારાયણભાઈએ કંઈ પણ કહેવા ઈન્કાર કર્યો હતો જેથી બધા પોતાના ઘરે ગયા હતા અને દિલીપભાઈ પણ સુઈ ગયા હતા.

૧૭ તારીખે સવારે દિલીપભાઈના પત્નિ ગુંજનબેન વ્હેલા જાગી જતાં મુખ્ય રૂમમાં નારાયણભાઈનો મૃતદેહ પંખે લટકતો જાેઈ બુમાબુમ કરી હતી જેથી દિલીપભાઈ જાગી ઉઠયા હતા તેમણે પાડોશીઓ તથા પરીવારને જણાવ્યુ હતું આઘાત પામેલા પરીવારને નારાયણભાઈના ખાટલામાંથી બે સુસાઈડ નોટ મળી હતી જેમાં તેમના સંબંધીઓ રાજકુમાર રમેશચંદ્ર અગ્રાવલ (ર) મેનીશ રાજકુમાર અગ્રવાલ (વિમલ પાર્ક, રાજેન્દ્ર પાર્ક, ઓઢવ) અને વિષ્ણુ રમેશચંદ્ર અગ્રવાલે તેમને બ્લેક મેલ કરીને રૂપિયા એક કરોડ છવીસ લાખ વીસ હજાર રૂપિયા પડાવ્યા હોવાનું લખ્યું હતું ઉપરાંત આ રૂપિયા તેમણે પરત ન આપવા પડે એ માટે યુપીથી પાંચ હજાર રૂપિયામાં છોકરાઓ બોલાવી તેમનું મર્ડર કરી શકે છે તેવી શક્યતા દર્શાવી હતી ઉપરાંત આ ત્રણેયના ત્રાસથી પોતે આત્મહત્યા કરતાં હોવાનું લખ્યુ હતું.

મૃતક નારાયણભાઈ શર્મા વટવા ક્રોસીંગ નજીક ભાડે મકાન રાખી સોપારીનો વેપાર કરતા હતા અને અગાઉ પણ અવારનવાર રાજકુમાર અગ્રવાલ પાસેથી પૈસા લેવાના નીકળે છે પરંતુ પૈસા આપતો નથી અને બહુ મોટી મુડી ફસાયેલી છે તેમ જણાવતા હતા.  આ અંગે પીઆઈ દવે સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે નારાયણભાઈના આપઘાત બાદથી ત્રણેય શખ્સો ફરાર છે જે તેમના પરીચીત જ છે હાલ સુધી મૃતક અને તેમની વચ્ચે કોઈ નાણાંકીય વ્યવહાર થયા હોય એવા કોઈ પુરાવા મળ્યા નથી જયારે તેમના પુત્રએ પણ રૂપિયાના વહેવાર અંગે કોઈ જાણકારી ન હોવાનું કહયું હતું. રામોલ પોલીસે દિલીપભાઈની ફરીયાદના આધારે ત્રણેય શખ્સો વિરૂધ્ધ આપઘાતની દુષ્પ્રેરણાની ફરીયાદ દાખલ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.