Western Times News

Gujarati News

દીકરીને વેચવાની અફવા ફેલાતાં પિતાની હત્યા કરાઈ

મૈનપુરી: ઉત્તર પ્રદેશના મૈનપુરી જિલ્લામાં એક કંપાવી દેનારી ઘટના સામે આવી છે. અહીં ફરી એકવાર માનવતા પર કલંક લાગ્યો છે. તોફાની યુવકોએ દલિત સાથે ખૂબ જ ક્રૂરતાથી મારઝૂડ કરી કે તેનું મોત થઈ ગયું. તે બૂમો પાડતો રહ્યો અને બચાવવાની મદદ માંગતો રહ્યો પરંતુ લોકો તમાશો જોતા રહ્યા. સર્વેશના મોત બાદ હવે તેની પર રાજકારણ પણ શરૂ થઈ ગયું છે.

અલગ-અલગ પાર્ટીના લોકો પોસ્ટમોર્ટમ હાઉસ પહોંચી ગયા. ફિરોજાબાદના લાલપુર ગામના રહેવાસી સર્વેશ દિવાકર લગભગ ૬ વર્ષથી મૈનપુરીના ખરગજી નગર મોહલ્લામાં રહેતો હતો. તે વ્યવસાયે કંદોઈ હતો. રક્ષાબંધનના તહેવાર પર તેની પત્ની બે દીકરીઓની સાથે પિયર કોલકાતા જતી રહી હતી. સાથે રહેલી ૧૫ વર્ષીય દીકરીને સર્વેશે થોડા દિવસ પહેલા અભ્યાસ માટે નોઇડા મોકલી દીધી. બીજી તરફ કોઈએ દીકરીને વેચવાની અફવા ફેલાવી દીધી,

જેની પર મોહલ્લાના કેટલાક તોફાની યુવકો અને સર્વેશ સાથે બોલાચાલી થઈ ગઈ. ત્યારબાદ સર્વેશને એક છત પર લઈ જઈને લાત-ફેંટો અને ડંડાથી ખૂબ જ મારવામાં આવ્યો. ઘટનાની જાણ થતાં પોલીસે ઘાયલ સર્વેશને જિલ્લા હૉસ્પિટલમાં દાખલ કરાવ્યો, પરંતુ સોમવાર સવારે તેનું મોત થઈ ગયું. મારઝૂડનો વીડિયો વાયરલ થતાં જ પોલીસ હરકતમાં આવી ગઈ અને આરોપીઓની ધરપકડ કરી લીધી. એસપીએ કહી આ વાત મૈનપુરી એસપી અજય કુમાર પાંડે જણાવ્યું કે સર્વેશે પોતાની દીકરીને અભ્યાસ માટે કોઈ પરિચિતના ઘરે મોકલી હતી. દીકરીને વેચવાનો આરોપ ખોટો છે.

મોહલ્લાના જ ચાર લોકોની પોલીસે ધરપકડ કરી લીધી છે. આરોપીઓની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. કોઈ પણ છોડવામાં નહીં આવે. આ કાવતરામાં જે પણ સામેલ હશે તેમને પણ જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવશે. સમગ્ર મામલામાં ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. આ પ્રકારના અપરાધોને પોલીસ કોઈ પણ કિંમતે સહન નહીં કરે., ભલે અપરાધી કેટલો પણ પાવરફુલ ન હોય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.