Western Times News

Gujarati News

મ્યુનિ. કોર્પોરેશને કોમ્યુનીટી હોલના વીજદર બમણા કર્યા

 

તઘલખી નિર્ણય

ટોરેન્ટના મીટર બદલવાના બદલે નાગરીકોના ખિસ્સા ખાલી કરવાનો નિર્ણય

 

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના કર્મનિષ્ઠ” અધિકારીઓ પ્રજાને લુંટવાની એકપણ તક છોડવા માંગતા નથી. ! “જેટ અને મેલેરિયા”ના નામે દંડ પેટે મોટી રકમ વસુલ કતા વહીવટીતંત્રએ હવે ટોરેન્ટ પાવર લીમીટેડ ના નામથી નાગરીકોના ખિસ્સા ખાલી કરવાનો કારસો કર્યો છે. મ્યુનિ.લાઈટ વિભાગ દ્વારા પંદર દિવસ પહેલા એક પરીપત્ર કરવામાં આવ્યો હતો.

જેમાં પાંચ કોમ્યુનીટી હોલ માં મીટર રીડીગ કરતા બમણા યુનીટ ની ગણતરી કરીને વપરાશકર્તા પાસેથી લાઈટબીલ વસુલ કરવા સુચના આપવામાં આવી છે. લાઈટખાતાના જવાબદાર અધિકારીએ જે તે ઝોનના આસી.ઈજનેર (લાઈટ) ને પત્ર લખીને કોમ્યુનીટી હોલમાં ફેકટર-ર મુજબ બીલની વસુલાત કરવા તાકીદ કરી છે. દક્ષિણઝોનના શેઠ બળવંતરાય કાંકરીયા પીકનીક હાઉસ તથા લાલજીભાઈ પરમાર કોમ્યુનીટી હોલમાં ફેકટર બે મુજબ લાઈટબીલ લેવામાં આવી રહયું છે. જેના કારણે હોલ ભાડા કરતા લાઈટબીલની રકમ અનેકગણી વધી જાય છે.

સામાન્ય નિયમ મુજબ ટોરેન્ટ પાવરના બીલમાં વપરાશ કરવામાં આવેલ યુનીટની ગણતરી ફેકટર-એક મુજબ જ થાય છે. મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટીએ પણ પ્રતિ યુનીટ રૂ.૧૧ નો ચાર્જ નકકી કર્યા છે. તેમ છતાં લાઈટખાતા એ ડબલ યુનીટની ગણતરી કરીને ડબલ રકમ વસુલ કરવા તઘલખી નિર્ણય કર્યા છે. જેની સામે નાગરીકોમાં પારાવાર રોષ જાવા મળી રહયો છે.

કાલુપુર વિસ્તારના રહીશ અને સામાજીક કાર્યકર પંકજ ભટ્ટના જણાવ્યા મુજબ જુલાઈના બીજા સપ્તાહમાં તેમની ભત્રીજીના લગ્ન બળવંતરાય હોલમાં રાખવામાં આવ્યા હતા. જેનો હિસાબ કરવા માટે તેઓ દક્ષિણઝોન ઓફીસે ગયા ત્યારે વીજ વપરાશના બમણા નાણા ભરવા માટે સુચના આપવામાં આવી હતી. જેનો તેમણે વિરોધ કરીને નાણા ભરવાનો ઈન્કાર કર્યો હતો.

લાઈટખાતા દ્વારા રાતોરાત તઘલખી નિર્ણય કરવામાં આવે તે બાબત સમજી શકાય તેમ નથી તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.મ્યુનિ. લાઈટ વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ ટોરેન્ટ પાવર લીમીટેડ દ્વારા ઈન્સ્ટોલ કરવામાં આવતા મીટર ધીમા ચાલી રહયા છે. તેથી બે ફેકટરની ગણત્રી કરવાની તાકીદ કરવામાં આવી છે. જા કે લાઈટખાતા દ્વારા થઈ રહેલ બચાવ તદ્દન નહિવત અને પોકળ છે.


મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ મિલ્કતો પૈકી પાંચ કોમ્યુનીટી હોલમાં જ ટોરેન્ટ પાવરના મીટર ધીમા ચાલી રહયા હોય તે બાબત ગળે ઉતરે તેમ નથી. લાઈટખાતાના અધિકારીની વાત માનવામાં આવે તો આવા “ફોલ્ટી” મીટર બદલવા જાઈએ. ટોરેન્ટની ભુલનો ભોગ સામાન્ય નાગરીક શા માટે બને ? શહેરના એક નાગરીકે બેસણા હેતુથી માત્ર ત્રણ કલાક માટે બળવંતરાય હોલ ભાડે રાખ્યો હતો.

જેમાં ત્રણ હજાર ભાડા સામે લાઈટબીલ પેટે રૂ.પાંચ હજાર ચુકવવાની નોબત આવી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. મ્યુનિ.કોર્પોરેશનના મહાનુભાવોએ સામાન્ય નાગરીકોના ખિસ્સા ખાલી કરવાના બદલે ભુલ સુધારવા તરફ ધ્યાન આપવાની જરૂર છે. ટોરેન્ટ પાવર કે અન્ય કોઈપણ કંપનીની ભૂલ હોય તો તેની જવાબદારી તેમના શિરે રહે છે.

મ્યુનિ. અધિકારીઓ ટોરેન્ટ પાવર ની ભુલ છાવરવા માટે નાગરીકો પાસેથી બમણા નાણા વસુલ કરી રહયા છે. પરંતુ ટોરેન્ટ પાવરના મીટર બદલવાની દિશામાં કાર્યવાહી કરતા નથી તે બાબત ને સુચક માનવામાં આવે છે. !


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.