Western Times News

Gujarati News

બુધ્ધપુરુષનાં સૂરમાં સૂર મેળવી દેવો-એ છે સન્મુખતા

દ્વૈષમુક્ત વ્યક્તિને ક્લેશ સતાવી ન શકે.

જલાધિરાજનાં દર્શન કરતા કરતા ચોથા દિવસની કથામાં પ્રવેશ થયો.અહીં પ્રારંભે શ્રીમદભાગવતમાં જે પંચગીતોનો ઝૂમખું છે.વેણુ ગીત, ગોપી ગીત, ભ્રમર ગીત,યુગલગીત વગેરે. જેમાં યુગલગીત બાબતે વાત કરતાં બાપુએ જણાવ્યું કે કૃષ્ણ ગાયો ચરાવવા જાય છે ત્યારે ઢેબરાં,કઢિયેલ દૂધ વગેરે પ્રકારનું સવારનું શિરામણ માતા ખવડાવે છે.

કૃષ્ણએ ઘૂંટણ સુધી તુલસીની માળા પહેરી છે, બધી જ વ્રજાંગનાઓ ઉભી છે અને વિચારે છે કે આખો દિવસ કઈ રીતે પૂરો થશે? એ વખતે ભમરાઓ ગુંજારવ કરી રહ્યા છે. અહીં સંગીતનો સિદ્ધાંત બતાવતા બાપુએ જણાવ્યું કે ભમરાનાં ગુંજારવમાં પણ સૂર હતો અને કૃષ્ણએ એ સૂરમાં પોતાની વેણુ-વાંસળીનો સૂર મિલાવ્યો.પ્રકૃતિને સહયોગ કરે એ જ પરમેશ્વર.અહીં સન્મુખ નો મતલબ શું?

ક્યારેક-ક્યારેક રૂબરૂ સન્મુખ થઈ શકાતું નથી. જે પોતાના શ્રધ્ધેયમાં,પોતાના પરમમાં, જેની સાથે પોતાન આત્માનું વરણ  કરી દીધું છે એવા બુદ્ધ પુરુષ ના સૂરમાં સૂર મિલાવે એ જ સન્મુખતા છે.પૂર્ણ શરણાગતિમાં વિચાર પણ બાધા છે.આવા શરણાગતોમાંમાં ગુરુ ની શકલ દેખાય છે.બુદ્ધપુરુષે પોતાની વાણીથી વિશ્વમંગલ  માટે જે સંકલ્પ કર્યો છે એ સંકલ્પની  વિમુખ ન હોય એને સન્મુખ કહેવાય. બાપુએ જણાવ્યું કે દ્વૈષમુક્ત વ્યત્તિને ક્લેશ ક્યારેય સતાવી શકતો નથી.

જેહી બિધિ પ્રભુ પ્રસન્ન મન હોઈ, કરુણા સાગર કીજીઅ સોઇ.
શિવ સ્થાપન બાબતે પાંચ સૂત્ર આપતા બાપુએ જણાવ્યું કે:જેની વાણીમાં સત્ય એ રામેશ્વર, જેના મૌનમાં સત્ય-જેની ઝૂબાં ચૂપ છે એ રામેશ્વર,જેનામાં શમ- કોઈપણ સમયે-હર હાલમેં શાંત સ્વરૂપ વ્યક્તિ પણ રામેશ્વર છે, જેનામાં શીલ છે એ રામેશ્વર છે,જેનામાં અખંડ શાંતિ છે એ પણ રામેશ્વર છે.

આ પંચ લક્ષણા રામેશ્વરની વાત જણાવ્યા પછી બાપુએ કહ્યું કે રામચરિત માનસમાં ૨૬-૨૭ વાર સેતૂ શબ્દ વપરાયો છે, રામેશ્વર શબ્દ માત્ર એકવાર અને પ્રતાપ શબ્દનો પાંચ વખત પ્રયોગ થયો છે.પંચ પ્રતાપ બાબતે જણાવતા કહ્યું કે જેનું નામ પ્રતાપ છે, બીજું-જેનું બાણ પ્રતાપ છે.સંયમ અને નિયમ એ બાણ છે.

ત્રીજું-જેની બાની એટલે કે વાણી પ્રતાપ છે, તપસ્યાના ગર્ભમાંથી નીકળેલી વાણી,શીલવાન શાંત પુરુષની વાણી,મૌન ધારકની સત્યબાની-એનો પ્રતાપ.ચોથું રૂપ પ્રતાપ-જેની રૂપ માધુરી નજરનો પ્રતાપ હોય અને પાંચમું સમગ્ર વિગ્રહ- રઘુવીરપ્રતાપ.આ પંચ પ્રતાપની વાત કરીને બાપુએ મધુસૂદન સરસ્વતીનો પ્રસંગ કહેતા જણાવ્યું કે એક કોઢી-કુષ્ઠ રોગીની સામે જોઈ અને એનો કોઢ મટાડી દીધેલો એ જ રીતે ઉત્તર કાંડમાં માનસિક રોગ વિશેના સાત પ્રશ્નો-કુષ્ઠ રોગ કોને કહેવાય ? ત્યારે ભુશુંડિજી એના ઉત્તર આપતા જણાવે છે કે:જે અન્યની સંપત્તિ જોઈ અને સતત જલે છે એ કુષ્ઠ રોગી છે.

યુગલ ગીત બાબતે વ્યાસજીએ લખ્યું,શુકજીએ જોયું અને ભાખ્યું એ કૃષ્ણ નટખટ છે એવી રીતે આંખ ઉલાળીને પોતાના અધરો વેણૂ ઉપર રાખે છે.અહીં ચિંતા શૂકજીને નથી,વ્યાસજીને પણ નથી. ખોટી મર્યાદાવાળા લોકો,જે  દિવસે સાધુ અને રાત્રે સંસારી બની જાય છે એવા લોકોને આની ચિંતા છે,એને સમસ્યા છે! અત્રે શિવ સ્થાપનાની વાત કર્યા પછી શિવ વિવાહ ની ભૂમિકા બાંધીને આજની કથાને વિરામ અપાયો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.