૨,૯ અને ૧૬ એપ્રિલે લેવાનારી GPSCની પરીક્ષા મોકૂફ રખાઈ
(એજન્સી)ગાંધીનગર, ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. આગામી ૨, ૯ અને ૧૬મી એપ્રિલે જીપીએસસીની યોજાનારી વિવિધ પરીક્ષા હાલ મૂલતવી રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો છે.
એપ્રિલમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની યોજનાર પરીક્ષાને કારણે જીપીએસસીની પરીક્ષા મોકૂફ રાખવાનો ર્નિણય લેવાયો હોવાનું હાલ સામે આવ્યું છે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી હતી. આ પરીક્ષા ૯ એપ્રિલના રોજ આયોજિત કરવામાં આવશે. આ અંગે ગાંધીનગર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.
જેમાં જણાવવામાં આવ્યું છે કે, ૨૯ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા મોકુફ રાખવામાં આવી હતી. જે હવે ૦૯ એપ્રિલ ૨૦૨૩ના રોજ સવારે ૧૧થી ૧૨ કલાક દરમિયાન મંડળ દ્વારા યોજવામાં આવશે.