સ્વામી માધવપ્રિયદાસજી પરના ‘અમૃતવંદના’ ગ્રંથનું મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વિમોચન કરાયું
સ્વામી માધવપ્રિયદાસજીનું ૭૫ વર્ષ નિમિત્તે મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું
Ø ‘સંસ્કાર સાથેનું શિક્ષણ’ માત્ર ગુરુકુળ પરંપરામાં જ શક્ય છે
સ્વામી માધવપ્રિયદાસજીનું બાળક જેવું હાસ્ય તેમના રાગદ્વેષમુક્ત વ્યક્તિત્વને કારણે છે
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP), અમદાવાદના અધ્યક્ષ પૂજ્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના ૭૫ વર્ષ નિમિત્તે અમદાવાદમાં આયોજિત ‘અમૃતવંદના મહોત્સવ‘માં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ભાવપૂર્વક સહભાગી થયા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં સ્વામી માધવપ્રિયદાસજી પરના ‘અમૃતવંદના‘ ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીના હસ્તે સ્વામી માધવપ્રિયદાસજીનું અમૃતપર્વ નિમિત્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ૨૦૨૬નું વર્ષ ભારત માટે ઐતિહાસિક છે. સોમનાથ સ્વાભિમાન પર્વ દ્વારા ૧૦૦૦ વર્ષની અટલ આસ્થાનું પુનઃસ્થાપન થયું છે. આ સાથે જ લોખંડી પુરુષ સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતી અને ‘વંદે માતરમ’ની રચનાના ૧૫૦ વર્ષની ભવ્ય ઉજવણી થઈ રહી છે, જે ભારતના આત્મસન્માનનું પ્રતીક છે. આ જ વર્ષે સ્વામી માધવપ્રિયદાસજીના અમૃતવર્ષની ઉજવણી થઈ રહી છે, એ આનંદની વાત છે.

મુખ્યમંત્રીશ્રીએ એસજીવીપી સંસ્થાની પ્રશંસા કરતા કહ્યું કે, શિક્ષણ તો ગમે ત્યાં મળી શકે છે, પરંતુ ‘સંસ્કાર સાથેનું શિક્ષણ’ માત્ર ગુરુકુળ પરંપરામાં જ શક્ય છે. ગુરુકુળે શિક્ષણને સમષ્ટિના કલ્યાણનું માધ્યમ બનાવ્યું છે. સર્વ સમાજ માટે શિક્ષણથી વિકાસના અવસર આપ્યા છે, એવું તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે શ્રીજી મહારાજના માર્ગે ચાલીને સ્વામિનારાયણ સંપ્રદાયે વ્યસનમુક્તિ, જળ સંચય, અંધશ્રદ્ધા નાબૂદી, ગીર ગાય સંવર્ધન, કુદરતી આફતો વખતે સહાય અને શિક્ષણ દ્વારા સમાજમાં અમૂલ્ય ફાળો આપ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ સ્વામી માધવપ્રિયદાસજીના બાળક જેવા નિર્દોષ હાસ્ય વિશે જણાવ્યું હતું કે સ્વામીજીનું બાળક જેવું હાસ્ય તેમના રાગદ્વેષમુક્ત વ્યક્તિત્વને કારણે છે. હૃદયમાં નિરંતર આશિષ વહેતા હોય ત્યારે આવું હાસ્ય જોવા મળે છે. પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીના વ્યક્તિત્વ વિશે તેમણે ઉમેર્યું કે, સ્વામીજીનું જીવન હંમેશાં વર્તમાનમાં જીવવાનું અને નિરંતર પરોપકાર કરવાનું ઉદાહરણ પૂરું પાડે છે.
મુખ્યમંત્રીશ્રીએ સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારતની સિદ્ધિનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, જે કાર્ય દાયકાઓથી અટકેલું હતું તે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં શક્ય બન્યું છે. માત્ર ત્રણ જ વર્ષમાં સેમિકન્ડક્ટર ચિપનું ઉત્પાદન ગુજરાતમાં શરૂ થઈ ગયું છે, જે અભૂતપૂર્વ સિદ્ધિ છે, એવું તેમણે ઉમેર્યું હતું.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પમાં સંતોના આશીર્વાદ અને સંસ્થાઓનું યોગદાન પાયારૂપ બની રહેશે એમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે વડાપ્રધાનશ્રીએ પાણી બચાવો, સ્વચ્છતા, પ્રાકૃતિક ખેતી, એક પેડ માં કે નામ, વોકલ ફોર લોકલ જેવા ૯ સંકલ્પો આપ્યા છે, એને જન-જન સુધી પહોંચાડીને પાલન કરીશું તો ભાવિ પેઢી માટે આત્મનિર્ભર ભારત તરફ આગળ વધી શકીશું.
વર્ષ ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’ બનાવવાના લક્ષ્યમાં ‘વિકસિત ગુજરાત’ લીડ લેશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો. તેમણેપૂજ્ય સ્વામીજીના દીર્ઘાયુની પ્રાર્થના કરી સૌ હરિભક્તોને સંસ્કાર અને સેવાના માર્ગે જોડાવા અનુરોધ કર્યો હતો.
ગ્રંથ વિમોચન સમારંભમાં સ્વામી માધવપ્રિયદાસજીએ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ-સંતોની ભાવપૂર્વક વંદના કરી હતી અને મુખ્યમંત્રીશ્રી, સંતગણ સહિત સૌનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
આ પ્રસંગે મહામંડલેશ્વર પૂજ્ય શ્રી અવધેશાનંદગિરિજી મહારાજ, સ્વામી પરમાત્માનંદ સરસ્વતી આચાર્યશ્રી કૃષ્ણમણી મહારાજ, શ્રી મોહનદાસ મહારાજ સહિતના સનાતન ધર્મના દિગ્ગજ સાધુ-સંતોએ પ્રવચન દ્વારા સ્વામી માધવપ્રિયદાસજીને પોંખ્યા હતા. આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજ્ય સંતશ્રીઓ, સાહિત્યકારો, ઉદ્યોગપતિઓ તથા હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે સ્વામી માધવપ્રિયદાસજીનાં જીવન અને કાર્યો પર પ્રકાશ પાડતા આ ગ્રંથમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ જેવા રાજકીય મહાનુભાવો, પૂજ્ય અવધેશાનંદગિરિ મહારાજ, પૂજ્ય રામદેવ મહારાજ, સંપ્રદાયના આચાર્યશ્રી તેમજ દેશના શ્રેષ્ઠ વિદ્વાનો, સાહિત્યકારો અને ઉદ્યોગપતિઓ વગેરે દેશ-વિદેશના મહાનુભાવોના પૂજ્ય સ્વામીજી વિશેના સદવિચારોનું પણ સંકલન કરવામાં આવ્યું છે.
