ભારતમાં અબજોપતિઓની સંખ્યા વધીને 308 થઈ, વૈશ્વિક સ્તરે ભારત ત્રીજા ક્રમે
હેલ્થકેર ક્ષેત્રમાં સૌથી વધુ 53 નવા અબજોપતિઓ – ભારતીય 23 મહિલા અબજોપતિઓ કુલ મળીને રૂ. 9.8 ટ્રિલિયનની સંપત્તિ ધરાવે છે
નવી દિલ્હી, 7 માર્ચ-2026: ભારતમાં અબજોપતિઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. શનિવારે જાહેર થયેલા હુરુન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ‘હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ 2026’ અનુસાર, ભારતમાં અબજોપતિઓની સંખ્યા હવે 308 પર પહોંચી ગઈ છે, જે ગયા વર્ષ કરતાં 24નો વધારો દર્શાવે છે. આ આંકડા મજબૂત સંપત્તિ સર્જન અને સતત આર્થિક ગતિ સૂચવે છે. India’s billionaire count rises to 308, ranks 3rd worldwide: Hurun Global list
આ વધારા સાથે ભારત હવે અબજોપતિઓની સંખ્યાની દ્રષ્ટિએ અમેરિકા અને ચીન પછી વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે.
સંપત્તિમાં 10 ટકાનો વધારો
રિપોર્ટ અનુસાર, ભારતીય અબજોપતિઓની કુલ સંપત્તિ વાર્ષિક ધોરણે 10 ટકા વધીને રૂ. 112.6 ટ્રિલિયન થઈ છે. આ યાદીમાં 199 વ્યક્તિઓની સંપત્તિમાં વધારો થયો છે, જ્યારે 109 અબજોપતિઓની સંપત્તિમાં ઘટાડો થયો છે અથવા કોઈ ફેરફાર થયો નથી. કુલ અબજોપતિઓમાં મહિલાઓનો હિસ્સો 7 ટકા છે.
કયા ક્ષેત્રે કેટલા અબજોપતિ આપ્યા?
ભારતનો અબજોપતિ વર્ગ હવે માત્ર પરંપરાગત ઉદ્યોગો પૂરતો મર્યાદિત નથી રહ્યો, પરંતુ વિવિધ ક્ષેત્રોમાં વિસ્તરી રહ્યો છે:
-
હેલ્થકેર ક્ષેત્ર: સૌથી વધુ 53 નવા અબજોપતિઓ.
-
ઔદ્યોગિક ઉત્પાદનો: 36 નવા અબજોપતિઓ.
-
કન્ઝ્યુમર ગુડ્સ: 31 નવા ઉમેરા.
-
એનર્જી સેક્ટર: માત્ર 8 અબજોપતિ હોવા છતાં, આ સેક્ટર રૂ. 18.3 ટ્રિલિયન સાથે સંપત્તિમાં 16 ટકા હિસ્સો ધરાવે છે.
મુંબઈ હજુ પણ ભારતનું ‘બિલિયોનેર હબ’ –95 અબજોપતિઓ સાથે ભારતનું ટોચનું શહેર બની રહ્યું છે. જોકે, એશિયાની ‘બિલિયોનેર કેપિટલ’ તરીકેનો તાજ હવે ચીનના શેનઝેન (133 અબજોપતિ) પાસે ગયો છે. મુંબઈએ આ વર્ષે 15 નવા અબજોપતિ ઉમેર્યા છે, જે ન્યૂયોર્ક (14) અને લંડન (9) કરતા પણ વધુ છે.
વૈશ્વિક સ્તરે ટોચના શહેરો:
-
ન્યૂયોર્ક: 146 અબજોપતિ
-
શાંઘાઈ: 120 અબજોપતિ
-
બેજિંગ: 107 અબજોપતિ
-
લંડન: 102 અબજોપતિ
મહત્વના આંકડા:
-
સરેરાશ ઉંમર: ભારતીય અબજોપતિઓની સરેરાશ ઉંમર 67 વર્ષ છે, જે વૈશ્વિક સરેરાશ (65 વર્ષ) કરતા થોડી વધારે છે.
-
મહિલાઓની સંપત્તિ: ભારતીય 23 મહિલા અબજોપતિઓ કુલ મળીને રૂ. 9.8 ટ્રિલિયનની સંપત્તિ ધરાવે છે.
