Western Times News

Gujarati News

નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરોના વર્ષ ૨૦૨૩ના આંકડા પ્રમાણે બાળકો સામેના ગુનામાં ગુજરાત દેશમાં ૨૭માં ક્રમે

ગુજરાતનું પોલીસ તંત્ર ગુમ થયેલા બાળકોને શોધવામાં અત્યંત સંવેદનશીલતા અને ત્વરિતતાથી કામગીરી કરે છે: રાજ્ય મંત્રી 

ગત બે વર્ષમાં જૂનાગઢ-ગીર સોમનાથ જિલ્લાના ગુમ થયેલા કુલ ૧૯૮ બાળકો પૈકી ૧૯૬ બાળકોને શોધીને તેમના પરિવારને સોંપવામાં આવ્યા

Gandhinagar, ગુજરાત વિધાનસભા ખાતે સભ્યશ્રી દ્વારા ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં ગુમ થયેલ બાળકો-મહિલાઓ અંગે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, એક પરિવાર માટે તેમનું બાળક જીવનની મૂડી સમાન હોય છે.

આવા નાના બાળકો વિખુટા પડે, ત્યારે તેમના પરિવાર પર આભ ફાટી પડે છે. આ વિષયની ગંભીરતાને ધ્યાને રાખીને ગુજરાતનું પોલીસ તંત્ર ગુમ થયેલા બાળકો અને મહિલાઓના કિસ્સામાં અત્યંત સંવેદનશીલતા અને ત્વરિતતાથી કામગીરી કરી રહ્યું છે અને તેના સારા પરિણામો પણ મળી રહ્યા છે.

રાજ્ય સરકારની સફળતા વર્ણવતા મંત્રી શ્રી વેકરીયાએ જણાવ્યું હતું કે, પોલીસ તંત્રની સતર્કતાના પરિણામે જૂનાગઢ અને ગીર સોમનાથના ગુમ થયેલા બાળકોને શોધવામાં મોટી સફળતા મળી છે. છેલ્લા બે વર્ષમાં જૂનાગઢ જિલ્લામાં ૧૫૨ બાળકો અને ગીર સોમનાથ જિલ્લામાં ૪૬ બાળકો ગુમ થયાની ફરિયાદ મળી હતી. પોલીસ તંત્ર દ્વારા ગીર સોમનાથ જિલ્લાના તમામ ૪૬ બાળકોને શોધીને તેમના પરિવારને સોંપવામાં આવ્યા છે. તેવી જ રીતે, જૂનાગઢ જિલ્લાના પણ ૧૫૦ બાળકોને શોધીને તેમના પરિવારને સોંપવામાં આવ્યા છે. જ્યારે, અન્ય ૨ બાળકોની શોધખોળ હાલમાં ચાલી રહી છે.

મંત્રીશ્રીએ ગૃહમાં જણાવ્યું હતું કે, કોઈપણ વ્યક્તિ ગુમ થાય ત્યારે શરૂઆતના ૨૪ કલાકને ‘ગોલ્ડન અવર્સ’ ગણવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન ફરિયાદ દાખલા કરવામાં આવે તો, પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે CCTV ફૂટેજની તપાસ, સોશિયલ મીડિયાનો ઉપયોગ, મોબાઈલ CDR ટ્રેકિંગ તેમજ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને હાઈવે પર નાકાબંધી કરીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે છે.

આ ઉપરાંત બાળકોને પોતાના પરિવાર સાથે મિલન કરાવવા માટે ભારત સરકારના ‘મિશન વાત્સલ્ય પોર્ટલ’નો પણ ગુજરાત દ્વારા અસરકારક ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે પણ કોઈ બિનવારસી બાળક મળી આવે, ત્યારે તેનો ફોટો પોર્ટલ પર અપલોડ કરવામાં આવે છે, જે સિસ્ટમ આપમેળે ગુમ થયેલા બાળકોના ડેટા સાથે મેચ કરે છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

નોંધનીય છે કે, નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરોના વર્ષ ૨૦૨૩ના આંકડા પ્રમાણે ગુજરાતમાં બાળકો સામેના ગુનાઓ એટલે કે, ચાઈલ્ડ ક્રાઈમ રેટ અન્ય રાજ્યોની સરખામણીએ ખૂબ જ ઓછો છે. ચાઈલ્ડ ક્રાઈમ રેટમાં ગુજરાત દેશમાં ૨૭માં ક્રમે, એટલે કે, એકદમ તળિયે છે, જે ગુજરાત સરકારની પ્રતિબદ્ધતા, પોલીસ તંત્રની સતર્કતા અને રાજ્યમાં સુરક્ષાની સુદ્રઢ સ્થિતિ દર્શાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.