વિજાપુરના હસ્નાપુરમાં મહિલાની હત્યાના બે આરોપીને જીવનના છેલ્લા શ્વાસ સુધી કેદ
મહેસાણા, વિજાપુર તાલુકાના હસ્નાપુર ગામની સીમમાં શ્રમિકો વચ્ચે મજૂરીના પૈસા બાબતે થયેલી તકરારમાં મહિલાના માથામાં લાકડાનો ફટકો મારી હત્યા કરવાના ગુનાના બે આરોપીઓને મહેસાણા સેશન્સ કોર્ટે આજીવન કેદ (જીવનના છેલ્લા શ્વાસ સુધી)ની સખત કેદની સજા અને દરેકને રૂ.૧.૧૭ લાખનો દંડ ફટકાર્યાે હતો.
દાહોદ જિલ્લાના ૧૪ જેટલા માણસો વર્ષ ૨૦૨૪માં ઘઉંની સિઝનમાં કાપણીની મજૂરી માટે વિજાપુર તાલુકાના હસ્નાપુર ગામે આવ્યા હતા. તા.૧-૪-૨૪ની રાત્રે નવેક વાગ્યે જમ્યા બાદ તેઓ કૂવા પર હાજર હતા ત્યારે સાથેના રાજુભાઈ બારીયા તથા ત્યાં રહેતો ભરતભાઈનો ભાગીયો રાજસ્થાનનો કમલેશભાઈ ગરાસિયા બંને સુભાષભાઈ રાકેશભાઈ ભાભોર પાસે આવ્યા હતા.
મારા હિસાબના મજૂરીના પૈસા મને આપી દો કહીંને રાજુ અપશબ્દો બોલવા લાગ્યો હતો અને કમલેશે પણ તેનું ઉપરાણું લઈને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જેથી સુભાષભાઈનાં માતા લલીબેન તથા મામા મુકેશભાઈએ તેમને અપશબ્દો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઈ ગયેલા કમલેશે લલીબેનના માથામાં જોરથી લાકડાનો ફટકો મારતાં તેઓ નીચે ઢળી પડ્યાં હતાં અને મુકેશભાઈને પણ બરડામાં લાકડું માર્યું હતું.
લલીબેન (ઉં.વ.૪૫)નું મોત નીપજ્યું હતું. સુભાષભાઈની ફરિયાદના આધારે લાડોલ પોલીસે રાજુભાઈ બાબુભાઈ બારીયા (રહે.સાગડાપાડા, તા.ફતેહપુરા, જિ.દાહોદ) તથા કમલેશભાઈ કાન્તિભાઈ ગરાસિયા (રહે. ગણેશપુરા, તા.ગાંગરતલાઈ, જિ.બાંસવાડા, રાજસ્થાન) સામે હત્યા સહિતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ કેસમાં સરકારી વકીલ પરેશકુમાર કે. દવેએ કોર્ટ સમક્ષ ૧૮ સાક્ષીઓ તપાસ્યા હતા અને પીએમ નોટ, એફએસએલ રિપોર્ટ વગેરે ૨૬ દસ્તાવેજી પુરાવા રજૂ કરી આરોપીઓને કાયદાની જોગવાઈઓ આધિન પૂરેપૂરી સજા કરવાની માંગ સાથે દલીલો કરી હતી.
જે ગ્રાહ્ય રાખી મહેસાણા સેશન્સ જજ એમ.એફ.ખત્રીએ બંને આરોપીઓને હત્યા સહિતની વિવિધ કલમો હેઠળ આજીવન કેદ (જીવનના છેલ્લા શ્વાસ સુધી)ની સખત કેદની સજા અને દરેકને કુલ રૂ.૧.૧૭ લાખનો દંડ ફટકાર્યાે હતો. ઉપરાંત આરોપીઓએ ભરેલા દંડની રકમમાંથી રૂ.૨ લાખ વળતર પેટે મૃતકના વારસોને સરખે હિસ્સે ચૂકવવાનો હુકમ પણ કર્યાે હતો.SS1MS
