Western Times News

Gujarati News

શેર બજારમાં કડાકોઃ રોકાણકારોના ૧૦ લાખ કરોડ સ્વાહા થઈ ગયા

સેન્સેક્સ ૧૪૭૦ પોઈન્ટ તો નિફ્ટીમાં ૪૮૮ પોઈન્ટનો ઘટાડો

મુંબઈ, ઈરાન યુદ્ધના કારણે વધતા ભૂ-રાજનૈતિક તણાવની સીધી અસર આજે ભારતીય શેરબજાર પર જોવા મળી હતી. સપ્તાહના છેલ્લા દિવસ શુક્રવારે તેમજ સતત ત્રીજા ટ્રેડિંગ દિવસે બજારમાં ભારે ઘટાડો નોંધાયો હતો અને સવારથી જ દલાલ સ્ટ્રીટ પર વેચવાલીનું દબાણ થતાં રેડ ઝોનમાં જોવા મળ્યું હતું. આ તીવ્ર ઘટાડાને કારણે માત્ર ગણતરીના કલાકોમાં જ રોકાણકારોના અંદાજે ૧૦ લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા હતા.

સપ્તાહના અંતિમ દિવસે મ્જીઈ સેન્સેક્સ ૧૪૭૦.૫૦ પોઈન્ટ ગગડીને ૭૪,૫૬૩ ના સ્તર પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી ૫૦ પણ ૪૮૮.૦૫ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩,૧૫૧.૧૦ ના સ્તર પર આવીને સ્થિર થયો હતો. વૈશ્વિક અનિશ્ચિતતા અને રોકાણકારોની સાવચેતીને કારણે બજારમાં ચોતરફ વેચવાલી જોવા મળી રહી છે, જેના કારણે મુખ્ય સૂચકાંકો પર ભારે દબાણ રહ્યું હતું. બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ લગભગ ૧૦ લાખ કરોડ રૂપિયા ઘટી ગયું હતું.

બજારમાં ઘટાડાના મુખ્ય ચાર કારણો છે, જે નીચે મુજબ છે. ઈરાન દ્વારા બે ઓઇલ ટેન્કરો પર હુમલા બાદ ક્રૂડ ઓઇલના સપ્લાય અંગે ચિંતા વધી ગઈ છે, ખાસ કરીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી સપ્લાય ખોરવાઈ જવાનો ડર છે. આ જ કારણે ગુરુવારે બ્રેન્ટ ક્રૂડની કિંમત ૧૦૦ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ હતી અને આજે શુક્રવારે પણ તે ૧૦૦.૫ ડોલરની આસપાસ રહી હતી. ભારત તેની જરૂરિયાતનો મોટો હિસ્સો આયાત કરે છે, તેથી તેલના ભાવ વધવાથી આયાત બિલ, મોંઘવારી અને કંપનીઓના ખર્ચમાં વધારો થાય છે. જેની સીધી અસર શેર બજાર પર પડી રહી છે.

પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે વિશ્વભરના શેરબજારો દબાણમાં છે. એશિયામાં કોસપી, નિક્કી, ૨૨૫, એસએસઈ કંપોઝીટ ઈન્ડેક્સ અને હેન્ગગ સેંગ ઈન્ડેક્સ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. અમેરિકામાં પણ બજાર નબળું રહ્યું હતું. ડાઉ જોન્સ ૭૦૦થી વધુ પોઈન્ટ ગબડીને આ વર્ષે પ્રથમ વખત ૪૭,૦૦૦ની નીચે બંધ થયો હતો. આ સિવાય એસએન્ડપી ૫૦૦ અને નસદાક કંપોઝીટમાં પણ મોટો ઘટાડો નોંધાયો હતો.

સ્થાનિક બજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી ચાલુ છે. એક્સચેન્જના આંકડા મુજબ, ગુરુવારે એફઆઈઆઈએ અંદાજે ૭,૦૪૯.૮૭ કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. માર્ચ મહિનામાં અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારો ૩૯,૦૦૦ કરોડ રૂપિયાથી વધુના શેર વેચવાલી કરી ચૂક્્યા છે.

શુક્રવારે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે વધુ નબળો પડ્યો હતો. રૂપિયો ૧૨ પૈસા ઘટીને ૯૨.૩૭ ના રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો હતો. ઈન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો ૯૨.૩૩ પર ખુલ્યો હતો અને દિવસ દરમિયાન ૯૨.૩૭ સુધી ઘટી ગયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.