Western Times News

Gujarati News

5 લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે રાજસ્થાનથી અમદાવાદ આવતાં 2 શખ્સોની ધરપકડ

AI Image

(એજન્સી)બનાસકાંઠા, બનાસકાંઠા જિલ્લામાં નશાના કારોબાર પર લગામ કસવા માટે ગુજરાત સીઆઈડી ક્રાઈમની એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સએ મોટી સફળતા મેળવી છે. પાલનપુર-જગાણા હાઈવે પરથી પોલીસે ૨૩૨ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે રાજસ્થાનના બે યુવકોને દબોચી લીધા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત આશરે ૫ લાખ રૂપિયાથી વધુ આંકવામાં આવી રહી છે.

એએનટીએફના અધિકારીઓને સચોટ બાતમી મળી હતી કે, રાજસ્થાન તરફથી એક મોટરસાયકલ પર નશીલા પદાર્થોનો જથ્થો ગુજરાતમાં લાવવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે ૧૬ માર્ચના રોજ પાલનપુર તાલુકાના જગાણા હાઈવે પર પોલીસની ટીમે નાકાબંધી કરી વોચ ગોઠવી હતી.

આ દરમિયાન, રાજસ્થાન પાસિંગની મોટરસાયકલ પર આવી રહેલા બે શંકાસ્પદ શખસોને આંતરીને તેમની તપાસ કરવામાં આવતા તેમની પાસેથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે આરોપીઓ પાસેથી ૨૩૨ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઉપરાંત ૫૦,૦૦૦ની કિંમતની મોટરસાયકલ, ૧૦,૦૦૦ના ત્રણ મોબાઈલ ફોન અને રોકડ રકમ મળીને કુલ ૭.૫૬ લાખ રૂપિયાની મત્તા જપ્ત કરી છે. આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ, ૧૯૮૫ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાથમિક પૂછપરછમાં એવું બહાર આવ્યું છે કે, આ ડ્રગ્સનો જથ્થો છૂટક વેચાણ માટે લાવવામાં આવ્યો હતો. જોકે, આ નશાનો સામાન તેઓ રાજસ્થાનમાં કોની પાસેથી લાવ્યા હતા અને ગુજરાતમાં કોને પહોંચાડવાનો હતો તે દિશામાં સીઆઈડી બોર્ડર ઝોન, પાલનપુર યુનિટ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસને શંકા છે કે આમાં કોઈ મોટી આંતરરાજ્ય ડ્રગ્સ સપ્લાય ગેંગની સંડોવણી હોઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.