Western Times News

Gujarati News

જંગલમાં નીલગાયોના શિકાર કરવા આવેલા ગોધરાના ત્રણ શખ્સો ઝડપાયા

(પ્રતિનિધિ) ગોધરા, પંચમહાલ જિલ્લામાં ગેરકાયદેસર શિકાર સામે શહેરા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. શહેરા તાલુકાના ચલાલી ગામેથી વાઘજીપુર તરફ જતા રોડ પાસે આવેલા જંગલ વિસ્તારમાં નીલગાયોના શિકાર માટે આવેલા ત્રણ ઇસમોને પોલીસે ઝડપી પાડ્‌યા હતા. આરોપીઓ પાસેથી બાર બોર ડબલ બેરલની બંદુક, સાત જીવતા કારતુસ અને એક ફોરવ્હીલ કાર સહિત કુલ રૂપિયા ૪,૧૫,૮૪૦ના મુદ્દામાલ સાથે કબ્જે લેવામાં આવ્યો છે.

આ કાર્યવાહી પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક વિધી ચૌધરી અને જિલ્લા પોલીસ અધિક્ષક ડો. હરેશ દુધાતના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે કડક નજર રાખવા સૂચના આપવામાં આવી હતી. આ અનુસંધાને ગોધરા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક બ્રિન્દા જાડેજાએ પણ હ્યુમન સોર્સિસનો ઉપયોગ કરીને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપી હતી.

શહેરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. ચૌઘરીના માર્ગદર્શન હેઠળ નાઇટ પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. રામસિંહ ભીખુસિંહ અને હેડ કોન્સ્ટેબલ બાબુભાઈ રયજીભાઈ ચલાલી ચોકડી પાસે પેટ્રોલિંગમાં હતા.

તે દરમિયાન જંગલ તરફથી બંદુકના ફાયરિંગનો અવાજ સંભળાયો હતો. પોલીસએ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી, જ્યાં નીલગાયનો ઝુંડ ભાગતો જોવા મળ્યો હતો. તે દરમિયાન જંગલમાંથી એક શંકાસ્પદ કાર ઝડપી ગતિએ રોડ પર આવી હતી.

પોલીસએ કારને રોકવાનો ઈશારો કર્યો હતો, પરંતુ ડ્રાઇવરે ગાડી ભગાડી દીધી હતી. ત્યારબાદ પોલીસે સરકારી વાહનથી લગભગ ૧૫ કિલોમીટર સુધી પીછો કર્યો હતો. ગાડી વાઘજીપુર, બખ્ખર ગામ મારફતે આગળ વધીને બોડીદ્રા ગામ પાસે પહોંચી હતી, જ્યાં ડ્રાઇવરે ગાડીનો કાબૂ ગુમાવી પલ્ટી મારી દીધી હતી.

પોલીસએ તાત્કાલિક ત્રણેય આરોપીઓને કાબૂમાં લઈને ગાડીની તપાસ કરી હતી. તપાસ દરમિયાન ગાડીમાંથી બાર બોર ડબલ બેરલ બંદુક અને સાત જીવતા કારતુસ મળી આવ્યા હતા. ગાડી હોન્ડા કંપનીની સિલ્વર કલરની અમેજ કાર હોવાનું જાણવા મળ્યું હતું, જેના કાચ અને બોનેટ નુકસાનગ્રસ્ત હતા. પકડાયેલા આરોપીઓમાં સીરાઝ સુલેમાન ખરાદી, વસીમ ફારૂક દોલતી અને અયુબ એહમદ કમલીનો સમાવેશ થાય છે, જેઓ ગોધરા અને આસપાસના વિસ્તારોના રહેવાસી છે.

આ મામલે શહેરા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ, વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ ૧૯૭૨ તેમજ મ્દ્ગજી-૨૦૨૩ અને મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગુનાની વધુ તપાસ માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.આર. દેવરેને સોંપવામાં આવી છે. શહેરા પોલીસની આ કામગીરીને કારણે જિલ્લામાં ગેરકાયદેસર શિકાર કરનાર તત્વોમાં ભયનો માહોલ સર્જાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.