Western Times News

Gujarati News

દેશવ્યાપી આક્રોશ, ફરિયાદને પગલે નોરાનું અશ્લીલ સોંગ પાછું ખેંચાયું

મુંબઈ, મૂળ કન્નડ ફિલ્મ ‘કેડીઃ ધી ડેવિલ’નું નોરા ફતેહી અને સંજય દત્ત પર પિક્ચરાઈઝ થયેલું ગીત અતિશય બિભત્સ અને અશ્લીલ હોવાના રાષ્ટ્રવ્યાપી વિવાદ બાદ આ ગીતને યુ ટયૂબ પરથી હટાવી લેવાયું છે. આ ગીત સામે સોશિયલ મીડિયા પર ભારે જનાક્રોશ વ્યક્ત કરાયો હતો. દેશમાં કેટલાંક સ્થળે પોલીસ ફરિયાદ પણ થઈ હતી.

કંગના રણૌત, ગાયક અરમાન મલિક સહિતના સેલેબ્સએ પણ આ ગીતને વખોડી કાઢ્યું હતું. ‘સરકે ચુનર સરકે’ એવા શબ્દો ધરાવતું હિન્દી તથા મૂળ કન્નડ ભાષાનું ગીત થોડા દિવસો પહેલાં રીલિઝ કરાયું હતું. તે સાથે જ સોશિયલ મીડિયા પર તેની સામે વિરોધ શરુ થયો હતો. આ ગીતને સેન્સર બોર્ડ દ્વારા મંજૂરી અપાઈ છે કે કેમ તેવા સવાલો પણ થયા હતા. નેશનલ હ્યુમન રાઈટ્‌સ કમિશન દ્વારા આ ગીત માટે નોટિસ પણ અપાઈ હતી.

આ ગીત પર તત્કાળ પ્રતિબંધ લાદવાની માગણી સાતે એક વકીલ વિનીત જિંદાલે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન તથા કેન્દ્રીય માહિતી પ્રસારણ મંત્રાલયને ફરિયાદ કરી છે. આ ગીત અતિશય અશ્લીલ હોવા છતાં સગીરો પણ તે સાંભળી અને જોઈ શકે તે રીતે સહેલાઈથી તે ઓનલાઈન ઉપલબ્ધ છે તેમ ફરિયદામાં જણાવાયું છે.

કાનૂની દ્રષ્ટીકોણથી ફરિયાદીએ જણાવ્યું છે કે ગીતને જાહેર કરીને તેનું પ્રસારણ કરવાથી ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૯૪ અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ળોમ સેક્સુઅલ ઓફેન્સીસ એક્ટ (પોક્સો) તેમ જ માહિતી તંત્રજ્ઞાન કાયદા હેઠળ દંડાત્મક બની શકે છે.દિલ્હી પોલીસ સાઈબર સેલમાં અલાયદી ફોજદારી ફરિયાદ પણ કરવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

ગીતલેખક રકીબ આલમ, ડાયરેક્ટર પ્રેમ, મ્યુઝિક ડાયરેક્ટર અર્જુન જાન્યા તથા સિંગર માંગલી સહિત ફિલ્મ સર્જકો સામે પોલીસ ફરિયાદ અપાઈ હતી. બાદમાં રકીબ આલમે દાવો કર્યાે હતો કે આ ગીત મારું સર્જન નથી. મને ડાયરેક્ટરે કન્નડ ગીત આપ્યું હતું જેનો મેં ફક્ત અનુવાદ જ કર્યાે છે. મને કહેવામાં આવ્યું હતું કે મારે ફક્ત હિન્દી શબ્દો જ આપવાના છે જેને તેઓ ગીતની ટયૂન પ્રમાણે સેટ કરી દેશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.