Western Times News

Gujarati News

શું તમારા GST નંબરનો એકાઉન્ટન્ટ દુરૂપયોગ તો નથી કરી રહ્યો ને?

જો તમે GST નંબર લીધો છે અને ધંધો બંધ કરી દીધો છે તો તાત્કાલીક તેને બંધ કરાવો

મહેતાજીએ માલિકના GST નંબરનો એકાઉન્ટન્ટ દુરૂપયોગ  કરી ૩૭.૮૬ લાખનો ધૂંબો માર્યો

જામનગર, શહેરના રણજીતસાગર રોડ પર આવેલા પટેલ પાર્કમાં રહેતા ર૭ વર્ષીય યુવાન હિરેન મુકેશભાઈ હિરપરા સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોતાની જ પેઢીના પૂર્વમહેતાજી અને અન્ય શખ્સોએ મળીને યુવાનના જીએસટી નંબરનો ગેરકાયદે ઉપયોગ કરી લાખોનું ટર્નઓવર બતાવી દેતા જીએસટી વિભાગે યુવાનને રૂ.૩૭.૮૬ લાખની પેનલ્ટી સાથેની નોટિસ ફટકારી છે.

ફરિયાદી હિરેન હિરપરાએ વર્ષ ર૦ર૧માં ઓનલાઈન કિચનવેર વેચવા માટે ઈ-કોમર્સ યુનિક એન્ટરપ્રાઈઝ નામે પેઢી શરૂ કરી જીએસટી નંબર મેળવ્યો હતો. જો કે, વ્યવસાય ન ચાલતા તેમણે ઝીરો રિટર્ન ભર્યું હતું. લાંબા સમયથી ધંધો બંધ હોવા વતાં અચાનક જીએસટી વિભાગ તરફથી રૂ.૩૭,૮૬,૦૦૦ના બાકી ટેકસ અને પેનલ્ટીની નોટિસ મળતા હિરેનભાઈ સ્તબ્ધ થઈ ગયા હતા.

આ મામલે તેમણે તુરંત પોલીસમાં અરજી કરી તપાસની માંગ કરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, અગાઉ માત્ર છ મહિના માટે નોકરીએ રહેલા મહેતાજી જયસુખ જમનભાઈ વોરાએ આ ખેલ પાડયો હતો. જયસુખે હિરેનભાઈની જાણ બહાર જીએસટી નંબર અન્ય શખ્સ અમિતસિંઘ માનને આપી દીધો હતો.

અમિતસિંઘે જય ગુજરાત ગૂડ કેરિયર નામની પેઢીમાં આ નંબરનો ઉપયોગ કરી ર૦.૩૦ લાખનો ખોટો રિપોર્ટ બનાવી મોટું નાણાંકીય ટર્નઓવર દર્શાવ્યું હતું. જીએસટી વિભાગની નોટિસના આધારે પોલીસે મહેતાજી જયસુખ વોરા, અમિતસિંઘ માન અને જય ગુજરાત ગૂડ કેરિયરના સંચાલક સામે ગુનો નોંધ્યો છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.