ભરૂચના ટંકારીયામાં કતલખાના પર પોલીસનો દરોડો, ૧૫૦ કિલો ગૌમાંસ જપ્ત
(એજન્સી)ભરૂચ,જિલ્લાના પાલેજ પોલીસ મથકની હદમાં આવતા ટંકારીયા ગામની સીમમાં ગૌવંશના કતલની આશંકાએ પોલીસે મધરાત્રે દરોડો પાડી મોટી સફળતા મેળવી છે. ટંકારીયાથી સિતપોર રોડ પર આવેલા એક તબેલા નજીકના ખુલ્લા શેડમાં ચાલતા ગેરકાયદે કતલખાના પર ત્રાટકેલી પોલીસે આશરે ૧૫૦ કિલો ગૌમાંસનો જથ્થો જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે એક શખ્સની અટકાયત કરી છે, જ્યારે અન્ય ત્રણ શખ્સો અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા.
ઘટનાની વિગતો અનુસાર, પાલેજ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ટંકારીયા ગામની સીમમાં સિતપોર રોડ પર એક પાકા શેડમાં ગૌવંશનું કતલ કરવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાફલા સાથે સ્થળ પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન પોલીસને ત્યાંથી અંદાજે ૧૫૦ કિલો જેટલું શંકાસ્પદ ગૌમાંસ મળી આવ્યું હતું.
પોલીસે સ્થળ પરથી સમીર ઇકબાલ દિવાન નામના શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની આ રેડ દરમિયાન અન્ય ત્રણ શખ્સો સ્થળ પરથી ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે આ ગુનામાં કુલ ચાર લોકો વિરૂદ્ધ નામજોગ ફરિયાદ નોંધી છે.
જ્યારે મિનહાજ ઉર્ફે પીકે સલીમ (રહે. કોલવણા), મયુદ્દીન શઈદ (રહે. ટંકારીયા) અને અસરફ ઐયુબ (રહે. ટંકારીયા) ફરાર હોવાથી તેમને ઝડપી લેવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે
પાલેજ પોલીસે આ મામલે પશુ સંરક્ષણ ધારાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને ફરાર આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાને પગલે પંથકના ગૌરક્ષકો અને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે જપ્ત કરેલા માંસના નમૂના લઈ એફ.એસ.એલ. રિપોર્ટની તજવીજ પણ હાથ ધરી છે.
ભરૂચના ટંકારિયામાં કતલખાનાનો પર્દાફાશ થતાં સ્થાનિકોમાં ઉગ્ર રોષ ફેલાયેલો છે. તેમજ કસાઈઓ સામે આકરી કાર્યવાહી કરવા માંગ કરી છે. બીજી તરફ પોલીસ દ્વારા પણ આ કેસમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી લેવા માટે વિવિધ ટીમ બનાવી તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
