કેનેડાને ખાલિસ્તાની ઉગ્રવાદી પ્રવૃત્તિઓ સામે કડક હાથે કામ લેવા સલાહ
નવી દિલ્હી, માર્ક કાર્નિએ કેનેડામાં વડાપ્રધાન પદ સંભાળ્યા પછી ભારત સાથેના સંબંધો સુધરી રહ્યા છે. કાર્નિના કાર્યકાળ દરમિયાન કેનેડાની ધરતી પરથી સક્રિય ખાલિસ્તાની ઉગ્રવાદી તત્વો સામે કડક પગલાં લેવા માટે કેનેડા પર નવેસરથી દબાણ વધી રહ્યું છે.
અલગતાવાદી નેટવર્ક્સ ભારત વિરોધી પ્રવૃત્તિઓ માટે કેનેડાનો ઉપયોગ આધાર તરીકે કરી રહ્યા હોવાની ચિંતા વચ્ચે આ માંગ ઉઠી છે.ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં આ મુદ્દો સતત અવરોધરૂપ રહ્યો છે.
ભારતે વારંવાર ખાલિસ્તાન સમર્થક જૂથો દ્વારા આયોજિત કાર્યક્રમો, પ્રોપેગન્ડા (પ્રચાર) અને ભારતીય રાજદ્વારી મિશનોને નિશાન બનાવવાની ઘટનાઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે.‘ખાલસા વોક્સ’માં પ્રકાશિત એક અભિપ્રાય લેખમાં દલીલ કરવામાં આવી છે કે કેનેડા હવે ખાલિસ્તાનની માંગ કરતા ઉગ્રવાદી તત્વોની પ્રવૃત્તિઓને નજરઅંદાજ કરી શકે નહીં. હિંસા અને ધાકધમકીને પ્રોત્સાહન આપતા નેટવર્ક્સ સામે કેનેડાએ નિર્ણાયક રીતે આગળ વધવું જોઈએ તેવી માગ ઉઠી છે.
લેખમાં જણાવાયું છે કે, આ સમસ્યા કાયદેસરની રાજકીય અભિવ્યક્તિને રોકવા વિશે નથી, પરંતુ એવા વ્યક્તિઓ અને સંગઠનોનો સામનો કરવા વિશે છે જેઓ હિંસાનો મહિમા કરે છે, ધમકીઓ આપે છે અને ડાયસ્પોરા (વિદેશમાં વસતા ભારતીયો)ના અમુક વર્ગાેને કટ્ટરપંથી બનાવવાનો પ્રયાસ કરે છે.
તેમાં નોંધવામાં આવ્યું છે કે તાજેતરના વર્ષાેમાં ભારતીય રાજદ્વારીઓ અને સંસ્થાઓ વિરુદ્ધ ઉગ્રવાદી નિવેદનો અને અભિયાનો ચાલુ રહ્યા છે, જે આવી પ્રવૃત્તિઓ સામે કેનેડાના પ્રતિસાદની અસરકારકતા પર સવાલો ઉભા કરે છે.
લેખમાં એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે કે કેનેડામાં રહેતા શીખોની વિશાળ બહુમતી અલગતાવાદી ઉગ્રવાદને ટેકો આપતી નથી. તેથી, સમગ્ર સમુદાયને મુઠ્ઠીભર તત્વો સાથે જોડવા તે ખોટું અને નુકસાનકારક ગણાશે. અલગતાવાદી તત્ત્વોને ડામવા કડક હાથે કામ લેવા કાર્નિને સલાહ અપાઈ છે.SS1MS
