ગુજરાત વિધાનસભાના પૂર્વ અને વર્તમાન ઉપાધ્યક્ષ હાલ ખૂબ નારાજ દેખાઈ રહ્યા છે!
પૂર્વ ઉપાધ્યક્ષ જેઠા ભરવાડનું મન રાજીનામું આપ્યા પછી વિધાનસભામાંથી ઉઠી ગયું છે અને તેઓ ગૃહમાં મોટેભાગે ગેરહાજર રહ્યા
ગુજરાત વિધાનસભાના પૂર્વ ઉપાધ્યક્ષ જેઠા ભરવાડનું ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી ઓચિંતું રાજીનામું લઈ લેવાયું ત્યારે સમગ્ર ગુજરાતના ભા.જ. પ.માં આશ્ર્ચર્યનું મોજું ફરી વળ્યું હતું.એ પછી વિધાનસભાના આઠમા સત્રમાં સુરતના પૂર્ણેશ મોદીને ગુજરાત વિધાનસભાનું ઉપાધ્યક્ષ પદ પહેરાવવામાં આવ્યું.

પરંત નવાઈ લાગે એવી વાત એ છે કે પૂર્વ ઉપાધ્યક્ષ જેઠા ભરવાડનું મન રાજીનામું આપ્યા પછી વિધાનસભામાંથી ઉઠી ગયું છે અને તેઓ ગૃહમાં મોટેભાગે ગેરહાજર રહ્યા હતા. અરે,તા.૨૪/૩/૨૬ના રોજની પ્રશ્નોતરીમાં જેઠા ભરવાડનો પ્રશ્ન સૌથી પહેલો હતો તો પણ તેઓ ગૃહમાં હાજર નહોતા રહ્યા.
એ સામે નવા ઉપાધ્યક્ષને પણ નવા પદથી બહુ સંતોષ હોય એવું લાગતું નથી! અને તેઓ પણ ગૃહમાં બહુ નજરે પડતાં નહોતા.જ્યારે અધ્યક્ષ શંકર ચૌધરીને કામ હોય અને તેઓ ગૃહમાં હાજર રહી શકે તેમ ન હોય ત્યારે પૂર્ણેશ મોદી ગૃહના સંચાલન માટે ગૃહમાં આવવાનું પસંદ કરતા હતા.
કર્મચારીઓ કેમ પ્રવાસન નિગમ છોડી રહ્યા છે?- ૧૨-૧૩ જેટલા વરિષ્ઠ અને અનુભવી કર્મચારીઓ નિગમમાંથી રાજીનામું આપીને નીકળી ગયા
સચિવાલયમાં થતી ચર્ચાઓ જો સાચી માનીએ તો એવું સાંભળવા મળ્યું છે કે છેલ્લા અનેક વર્ષોથી(એટલે કે છેલ્લા ૧૫-૨૦વર્ષથી) ગુજરાત પ્રવાસન નિગમના ખાતે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા આશરે ૧૨-૧૩ જેટલા વરિષ્ઠ અને અનુભવી કર્મચારીઓ નિગમમાંથી રાજીનામું આપીને નીકળી ગયા છે. આ ઘટના છેલ્લા ચાર મહિનામાં બની છે
એટલે તેનો અર્થ એ થાય કે પ્રવાસન નિગમમાં છેલ્લા ૪ મહિનામાં કશુંક અજુગતું બની રહ્યું છે. કમનસીબી એ છે કે પ્રવાસન કચેરીમાં સારી સંખ્યામાં અનુભવી સ્ટાફના રાજીનામાના બનાવો નોંધાયા હોવા છતાં એ નિગમના સંચાલકોના પેટનું પાણી પણ થી હલતું.
જે બાબત ખૂબ જ ચિંતાજનક છે.અહીં એ પણ વિચારવું જોઈએ કે પોતાની જિંદગીના શ્રેષ્ઠ ૧૦-૨૦ વર્ષો નિગમને આપનાર જુના કર્મચારીઓને એવી કઈ મજબુરી નડી કે તેઓએ નોકરી છોડવાની નોબત આવી?
બીજી બાજુ સરકાર દ્વારા પણ જુના અને અનુભવી કર્મચારીઓના ચાલ્યા જવા અંગે કોઈ નોંધ લેવામાં નથી આવી.આ પ્રવાસન તંત્રની અને સરકારની સંવેદનશીલતાના અભાવની નિશાની ગણાય.સરકારે પણ જાગૃત થઈ પ્રવાસન નિગમ છોડી ગયેલા અને છોડી રહેલાં કર્મચારીઓની સેવાઓનું મૂલ્યાંકન કરીને અનુભવી કર્મચારીઓની સેવાઓનો યોગ્ય ઉપયોગ થાય અને તેમને સ્થિરતા તથા માન્યતા મળે તે માટે સત્વરે ધ્યાન આપવાની જરૂર છે.
પ્રવાસન નિગમ માટે આ ચિંતાનો વિષય બનવો જોઈએ.તેનુ કારણ એ છે કે જુના,અનુભવી,પીઢ તથા ઠરેલ સ્ટાફની જગ્યાએ આવેલ નવા નિશાળિયા જેવો સ્ટાફ તેના અણધડ વહીવટને કારણે પ્રવાસન નિગમની છાપ બગાડી રહ્યો છે.આનો ઉકેલ શોધવાની તાતી જરૂર છે.
ગુજરાત વિધાનસભાના સંચાલનમાં અધ્યક્ષ શંકર ચૌધરી નવી ભાત પાડે છે

ગુજરાતની ૧૫મી વિધાનસભાના અધ્યક્ષ તરીકે ફરજ બજાવતા બનાસકાંઠાના શંકર ચૌધરી વિધાનસભાના સંચાલનમાં એક નવી ભાત પાડે છે એવું તાજેતરમાં મળેલા ૮-માં સત્ર દરમિયાન દેખાયું છે.તે વાત મુદ્દાસર સમજવાનો પ્રયત્ન કરીએ.
(૧)ઃ-એવુ દેખાયું છે કે શંકર ચૌધરી ધારાસભાના અધ્યક્ષ તરીકે એકંદરે તટસ્થ રહેવાનો પ્રયત્ન કરે છે(૨)ઃ-અધ્યક્ષ તરીકે તેઓ નબળા વિરોધ પક્ષનું રક્ષણ કરે છે(૩)ઃ-જરૂર પડ્યે સરકારનાં મંત્રીઓને મીઠી ભાષામાં સ્પષ્ટ ઠપકો પણ આપે છે
(૪)ઃ-ચૌધરી તેમનાં પુરોગામી અધ્યક્ષ રાઘવજી લેઉઆ અને વજુભાઈ વાળાના તાટસ્થ્યની યાદ અપાવે એવી સરસ રીતે ગૃહનું સંચાલન કરે છે.
(૫) શંકર ચૌધરી ખૂબ શાર્પ છે, કોકવાર કોક મંત્રી ધારાસભ્યનો સવાલ ન સમજી શક્યા હોય તો તે પ્રશ્ન સરળ ભાષામાં રૂપાંતરીત કરીને મંત્રીને ગળે ઉતારે છે
(૬)ઃ-૧૦મી,૧૧મી,૧૨મી અને ૧૩મી વિધાનસભામાં સતત ચૂંટાયેલા શંકર ચૌધરી સમાજશાસ્ત્ર સાથે અનુસ્નાતક થયા છે(૭)ઃ-ગુજરાતી સાહિત્ય અને ભાષામાં રૂચિ ધરાવતા શંકર ચૌધરીનો અવાજ પણ મીઠો છે અને એ અવાજને ઉંચોનીચો કરતા પણ તેઓને સરસ આવડે છે.શંકર ચૌધરીના તાટસ્થ્યના આ ચંદ્રને પક્ષની શિસ્તનું ગ્રહણ તો નહીં નડેને?એવી ચિંતા રાજકીય નિરીક્ષકો કરી રહ્યા છે અને એ ચિંતા ખોટી છે એવું કહેવાની હિંમત પણ કોઈ કરી શકે એમ નથી હોં!
પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મેરજાની સંવેદનશીલતા અને સક્રિયતા

ગુજરાત સરકારમાં કેટલાક અધિકારીઓ એવા હોય છે કે જેઓ તેમની નોકરી પેટ માટે નહીં પણ હ્રદયથી કરતા હોય એવું અનુભવાય.ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ રમેશ મેરજા આવા જ એક અધિકારી છે.
તેનુ તાજું ઉદાહરણ એ છે કે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા નર્મદા કાંઠાની પવિત્ર ભૂમિ ઉપર તા.૧૯મી માર્ચથી તા.૧૭મીએપ્રિલ સુધી ચાલનારી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા માટે બોર્ડ દ્વારા ઉભી કરાયેલી તમામ સગવડતાઓની ચકાસણી કરવા રમેશ મેરજા જાતે ગયા હતા અને વિવિધ ઘાટની રૂબરૂ મુલાકાત લઈને તેની સઘન ચકાસણી અને સમીક્ષા કરી હતી.
મેરજાએ યાત્રાળુઓ સાથે પણ બોર્ડ દ્વારા આપવામાં આવતી સુવિધાઓ અંગે ચર્ચા કરીને કોઈ ક્ષતિ હોય તો તે તરફ પોતાનું ધ્યાન દોરવા અનુરોધ કર્યો હતો.રમેશ મેરજા આમ તો નિવૃત થયા બાદ બોર્ડમાં સચિવ તરીકે નિમાયા છે.મોટેભાગે આવી નિમણૂક મેળવનારને બોર્ડ દ્વારા મળતી સુવિધાઓમાં જ રસ હોય છે.
પરંતુ રમેશ મેરજામાં એવું નથી,તેઓ તો જાણે તાજા જ નોકરીમાં જોડાયા હોય એવા ઉત્સાહથી(૬૧મા વર્ષે પણ) કામ કરે છે.સુંદર વસ્ત્રપરિધાન માટે જાણીતા મેરજા જેટલા કપડામાં અપ-ટુ-ડેટ રહે છે એટલાં જ પોતાના કામમાં પણ અપ-ટુ-ડેટ રહે છે.
૧૫મી ગુજરાત વિધાનસભાના ૮મા સત્રની ખટમધુરી વાતો

૧૫મી ગુજરાત વિધાનસભાનું ૮મુ સત્ર ગત તા.૨૫મીએ સમાપ્ત થયું.આ સત્રના એક આંખ્યે દેખ્યા સાક્ષી તરીકે જે જોયું – સાંભળ્યું એ અહીં નોંધવું છે.(૧)ઃ-ગુજરાત વિધાનસભાના આ સત્રમાં મહિલા ધારાસભ્યો માટે જાણે સાડી પહેરવી ફરજિયાત હોય એવું લાગ્યું.કારણ કે કોઇપણ મહિલા ધારાસભ્યએ આખા સત્રમાં સાડી સિવાય કોઈ અન્ય વસ્ત્ર પરીધાન કર્યું જ નહોતું!
શું આ અંગે પણ પક્ષમાંથી કોઈ આદેશ હશે? (૨)ઃ-મહિલા ધારાસભ્યો વચ્ચે એકતા પણ નબળી પડી ગઈ છે એવું દેખાયું.અગાઉ મહિલા ધારાસભ્યો શ્રીમતી આનંદી પટેલ કે ડો.નિમા આચાર્યની ચેમ્બરમાં સાથે બેસીને સાથે લંચ લેતા કે ચા-નાસ્તો કરતા જે દ્રશ્યો હવે ભળાતા નથી
(૩)ઃ-ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિરોધ પક્ષના ધારાસભ્યોમાં પણ લોકપ્રિય છે એવું આ સત્રમાં વારંવાર જોવા મળ્યું
(૪)ઃ- વિધાનસભામાં આવતા પ્રેક્ષકો સૌથી વધું લાચાર અને બીચારા હોય છે એવું દેખાયું.એમને વિધાનસભાની પ્રેક્ષક દીર્ઘામા પૂરી ૧૦ મિનિટ પણ બેસવા દેવામાં નથી આવતા.તેમાં વાંક વિધાનસભા સચિવાલયના સિક્યોરિટીનો નથી પણ પોતાના મતવિસ્તારમાંથી ટોળાંઓ લાવતા ધારાસભ્યનો છે(૫)ઃ-આ વિધાનસભામાં જવાબ આપવામાં સૌથી વધું કાબેલ જો કોઈ મંત્રી હોય તો ઋષિકેશ પટેલ છે એવું અનેકવાર જણાયું
(૬)ઃ-ગૃહ શરૂ થાય ત્યારે પ્રથમ એક કલાકની પ્રશ્નોતરીમાં વિધાનસભામાં ભરચક હાજરી હોય છે અને પછી બીલ કે માંગણીઓ પર ચર્ચા ચાલે છે ત્યારે એ સંખ્યા અડધી થઇ જાય છે.
(૭) અધ્યક્ષ શંકર ચૌધરી પ્રશ્નોતરીમા ફાલતુ વાતો બંધ કરાવતા તા.૨૪/૩/૨૬ના દિવસે પ્રશ્નકાળમાં ૨૩ જેટલા પ્રશ્નોની ચર્ચા થઈ હતી. જે સંખ્યા અગાઉ માત્ર ૭ થી ૯ રહેતી, એકંદરે આ વિધાનસભા સત્ર સરસ ચાલ્યું. ?
