Western Times News

Gujarati News

ગુજરાત પ્રત્યેના દ્વેષને કારણે ડીસા એરબેઝની ફાઇલો પહેલાની સરકારે વર્ષો સુધી દબાવી રાખી હતીઃ PM મોદી

સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું મોદીએ કર્યું ઉદ્ઘાટન-ભારત એક ભરોસાપાત્ર સેમિકન્ડક્ટર સપ્લાયરઃ મોદી

PM મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, જ્યારે રાષ્ટ્રને એકતાની સૌથી વધુ જરૂર છે ત્યારે કોંગ્રેસ પક્ષ દેશમાં ભાગલાવાદી રાજકારણ રમીને ડર અને અફવાઓ ફેલાવી રહ્યો છે

(એજન્સી)ગાંધીનગર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ગુજરાતની મુલાકાતે છે, સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટના ઉદ્ઘાટન બાદ તેઓ વાવ-થરાદ પહોંચ્યા હતા, વડાપ્રધાને કેન્દ્ર અને રાજ્ય સરકારના કુલ ૧૯,૮૦૬.૯ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર ગુજરાતના વિકાસ કાર્યોના લોકાર્પણ સમયે ભૂતકાળની વિષમ પરિસ્થિતિઓને યાદ કરતાં જણાવ્યું કે, દાયકાઓ પહેલા ઉત્તર ગુજરાતની ઓળખ માત્ર સૂકા પ્રદેશ તરીકે થતી હતી. લોકોએ પાણી માટે દૂર દૂર સુધી ભટકવું પડતું હતું અને તત્કાલીન કોંગ્રેસ સરકાર દ્વારા આ વિસ્તારની સતત ઉપેક્ષા કરવામાં આવતી હતી.

વડાપ્રધાને વર્ષ ૨૦૧૦ના સમયને યાદ કરતાં કહ્યું કે, આજથી ૧૫-૧૬ વર્ષ પહેલા મેં મુખ્યમંત્રી તરીકે ચારણકા (સારણપુર) ખાતે દેશના પ્રથમ સોલર પાર્કનું કામ શરૂ કરાવ્યું હતું. આ એક મલ્ટી ટૅક્નોલાજી પાર્ક હતો જેણે દેશમાં સોલર મૂવમેન્ટની શરૂઆત કરી.

ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્ક જેવી પરિયોજનાઓ સાથે ગુજરાત ટૂંક સમયમાં જ પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે વિશ્વનું મોટું કેન્દ્ર બનીને ઊભરશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

વાવ, થરાદ અને બનાસકાંઠા પ્રત્યે પોતાનો વિશેષ લગાવ વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે, ગુજરાતના ગામડે ગામડે પાકા રસ્તાઓ, હાઇ-સ્પીડ હાઇવે અને વંદે ભારત જેવી ટ્રેનોની સુવિધા પહોંચાડવાનું કામ મિશન મોડમાં કરવામાં આવ્યું છે. આશરે ૨૦ હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્‌સ લોન્ચ કરવામાં આવ્યા છે, જે સમગ્ર ઉત્તર ગુજરાતની તસવીર બદલી નાખશે અને સ્થાનિક જીવનને નવી ગતિ આપશે.

વડાપ્રધાને ખાસ નોંધ્યું કે તેમનું વિમાન સીધું ડીસા એરબેઝ પર લૅન્ડ થયું, જે તેમના માટે ગૌરવની ક્ષણ છે. ડીસા એરબેઝ આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર ૧૩૦ કિમી દૂર હોવાથી દેશની સુરક્ષા માટે અત્યંત મહત્ત્વનું છે. ‘જ્યારે હું મુખ્યમંત્રી હતો ત્યારે જ આ એરબેઝ માટે જમીન સંપાદનનું કામ કર્યું હતું, પરંતુ દિલ્હીની તત્કાલીન સરકારે ગુજરાત પ્રત્યેના દ્વેષને કારણે આ ફાઇલો વર્ષો સુધી દબાવી રાખી હતી.

તમે મને દિલ્હી મોકલ્યો અને મેં એ ફાઇલો બહાર કાઢી, જેના પરિણામે આજે એરફોર્સનો આ વિશાળ બેઝ તૈયાર થયો છે’ વડાપ્રધાને કહ્યું કે, ‘છેલ્લા એક મહિનાથી પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને અરાજકતાને કારણે વિશ્વભરમાં ઊર્જા સંકટ ઊભું થયું છે, તેમ છતાં ભારત પોતાની કુશળ વિદેશ નીતિ અને જનતાની એકતાને કારણે સંપૂર્ણપણે સ્થિર અને સુરક્ષિત છે.

વડાપ્રધાને કડક શબ્દોમાં વિપક્ષી દળો, ખાસ કરીને કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, જ્યારે રાષ્ટ્રને એકતાની સૌથી વધુ જરૂર છે ત્યારે કોંગ્રેસ પક્ષ દેશમાં ભાગલાવાદી રાજકારણ રમીને ડર અને અફવાઓ ફેલાવી રહ્યો છે. રાજકીય સ્વાર્થ ખાતર દેશની સામૂહિક શક્તિને નબળી પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ ભારતની મજબૂત વિદેશ નીતિ અને નાગરિકોનો અતૂટ વિશ્વાસ કોઈપણ પડકારને માત આપવા સક્ષમ છે.’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાણંદ જીઆઈડીસી ખાતે ‘કેન્સ સેમિકોન’ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. ‘ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન’ હેઠળ માઇક્રોન ટૅક્નોલાજી બાદ આ બીજી એવી પરિયોજના છે જ્યાં વ્યાવસાયિક ઉત્પાદન શરૂ થવા જઈ રહ્યું છે.

આ પ્રસંગે પીએમ મોદીએ જણાવ્યું કહ્યું કે, ‘કેન્સ, જે એક ભારતીય કંપની છે, તે વૈશ્વિક સેમિકન્ડક્ટર સપ્લાય ચેઇનનો એક મજબૂત હિસ્સો બની ગઈ છે. આ સુવિધામાં ઉત્પાદન શરૂ થવાની સાથે જ ભારત એક ભરોસાપાત્ર સેમિકન્ડક્ટર સપ્લાયર તરીકે પોતાની ભૂમિકા સાબિત કરી રહ્યું છે.’

વૈશ્વિક પડકારો અને ભારતની ભૂમિકા વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, ‘આ દાયકાએ દુનિયા સામે મહામારી અને સંઘર્ષ જેવા અનેક પડકારો ઊભા કર્યા, જેનાથી વૈશ્વિક સપ્લાય ચેઇનને સૌથી વધુ નુકસાન થયું છે. આવા સમયે ભારત જેવા લોકતાંત્રિક દેશની આ દિશામાં પ્રગતિ આખી દુનિયાના વિકાસ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે.

ભારતનું સેમિકન્ડક્ટર મિશન માત્ર એક ઔદ્યોગિક નીતિ નથી, પરંતુ તે ભારતના આત્મવિશ્વાસની ઘોષણા છે.’ હાલમાં દેશના છ રાજ્યોમાં ૧.૬૦ લાખ કરોડ રૂપિયાના ખર્ચે ૧૦ પરિયોજનાઓ પર કામ ચાલી રહ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું છે. ભવિષ્યના લક્ષ્યાંકો અને ‘સેમિકન્ડક્ટર મિશન ૨.૦’ વિશે માહિતી આપતાં તેમણે વધુમાં કહ્યું કે, ‘આ વર્ષના બજેટમાં ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન ૨.૦ની જાહેરાત કરવામાં આવી છે,

જેનો મુખ્ય ભાર સેમિકન્ડક્ટર ઉપકરણો અને સામગ્રીના ઉત્પાદન પર છે. અમારો પ્રયાસ દેશની અંદર એક પૂર્ણ-સ્ટેક સેમિકન્ડક્ટર ઈકોસિસ્ટમ સ્થાપિત કરવાનો છે. અમે દેશમાં મહત્ત્વપૂર્ણ ખનિજોનો રાષ્ટ્રીય ભંડાર સુનિશ્ચિત કરવા માંગીએ છીએ. ૨૧મી સદીનું ભારત માત્ર પરિવર્તનનું સાક્ષી બનીને જ આગળ નથી વધી રહ્યું, પરંતુ તેનું નેતૃત્વ કરવાના દૃઢ સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે.’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.