Western Times News

Gujarati News

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ૧૫ મનપા અને ૩૪ જિલ્લા પંચાયતો માટે ૨૬ એપ્રિલે મતદાન, પરિણામ ૨૮મીએ

આ ચૂંટણીમાં અંદાજે ૪ કરોડ ૧૮ લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

ગાંધીનગર: ગુજરાતમાં લાંબા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું ચિત્ર આખરે સ્પષ્ટ થઈ ગયું છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા બુધવારે સાંજે ગાંધીનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ચૂંટણીના કાર્યક્રમની વિધિવત જાહેરાત કરવામાં આવી છે.

રાજ્ય ચૂંટણી કમિશનર એસ. મુરલી ક્રિષ્નાએ જણાવ્યું કે, રાજ્યની ૧૫ મહાનગરપાલિકાઓ (જૂનાગઢ અને ગાંધીનગર સિવાય), ૩૪ જિલ્લા પંચાયતો, ૨૬૦ તાલુકા પંચાયતો અને ૮૪ નગરપાલિકાઓ માટે આગામી ૨૬ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જ્યારે ૨૮ એપ્રિલ ના રોજ મતોની ગણતરી કરી પરિણામ જાહેર કરાશે.

આ અગાઉના સમાચાર પણ વાંચો

ગુજરાતમાં પાયાના રાજકારણમાંથી કોંગ્રેસનો સફાયો: 62 ન.પા.મા ભાજપની જીત

આચારસંહિતાનો અમલ અને OBC અનામત ચૂંટણીની જાહેરાત સાથે જ આજથી સમગ્ર રાજ્યમાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. આ વખતની ચૂંટણીમાં ખાસ બાબત એ છે કે ઓબીસી (OBC) અનામત બેઠકોના નવા રોટેશન મુજબ ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં અંદાજે ૪ કરોડ ૧૮ લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મહત્વનું છે કે આ વખતે ૧૭ નવી રચાયેલી તાલુકા પંચાયતોમાં પણ પ્રથમવાર ચૂંટણી યોજાવા જઈ રહી છે.

ચૂંટણી કાર્યક્રમની મહત્વની વિગતો: રાજ્ય ચૂંટણી આયોગના શિડ્યુલ મુજબ, ચૂંટણીનું જાહેરનામું ૬ એપ્રિલે પ્રસિદ્ધ થશે. ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૧ એપ્રિલ રહેશે, જે બાદ ૧૩ એપ્રિલે ફોર્મની ચકાસણી કરવામાં આવશે. જે ઉમેદવારો પોતાનું ફોર્મ પરત ખેંચવા માંગતા હોય તેઓ ૧૫ એપ્રિલ સુધીમાં ખેંચી શકશે. ૨૬ એપ્રિલે સવારથી મતદાન શરૂ થશે અને ૨૮મીએ સ્પષ્ટ થશે કે સ્થાનિક સ્વરાજ્યનું સુકાન કોના હાથમાં જશે.

ચૂંટણી ગણિત એક નજરે:

  • મહાનગરપાલિકા: ૧૫

  • જિલ્લા પંચાયત: ૩૪

  • તાલુકા પંચાયત: ૨૬૦

  • નગરપાલિકા: ૮૪

  • કુલ મતદારો: ૪,૧૮,૯૧,૭૦૦

ગુજરાતની આ નગરપાલિકા પર કોંગ્રેસનો કબજો, ભાજપ પાસેથી છીનવી સત્તા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.