Western Times News

Gujarati News

અરૂણાચલમાં કેટલાંક સ્થળોના નામ બદલવાની ચીનની કુચેષ્ટાઃ ભારતે નકારી

નવી દિલ્હી, ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદમાં ડ્રેગને ફરી એકવાર નવું નાટક રચ્યું છે, જેનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. અરૂણાચલ પ્રદેશના વિવિધ સ્થળોના નામ બદલવાના ચીનના તાજેતરના પ્રયાસોને ભારતે સખત શબ્દોમાં નકારી કાઢતા સ્પષ્ટ કર્યું છે કે આવી મનઘડંત વાર્તાઓથી વાસ્તવિકતા બદલાઈ જતી નથી. ઉલટાનું બન્ને દેશો વચ્ચેના સંબંધોમાં તંગદિલી આવશે.ચીને અરૂણાચલ પ્રદેશના કેટલાક સ્થળોના નામ બદલવાની કોશિશ કરી છે.

ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ચીનની આવી હરકતો ભ્રામક અને નિરર્થક છે અને ભારત તેને સંપૂર્ણપણે અસ્વીકાર કરે છે. ચીન તરફથી લેવાયેલું આ પગલું તદ્દન ખોટું અને પાયાવિહોણું છે. અરૂણાચલ પ્રદેશ હંમેશા દેશનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો રહ્યો છે અને રહેશે.વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, અરુણાચલ પ્રદેશ ભારતનું હૃદય છે અને તે હંમેશા અભિન્ન અંગ રહેશે.

ચીન દ્વારા નામ બદલવા કે ખોટા દાવા કરવાથી મૂળ હકીકત બદલાતી નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે, ચીનની આ પ્રકારની કોશિશો ભ્રામક છે, જેને ભારત સંપૂર્ણપણે નકારે છે. જયસ્વાલે પુનરોચ્ચાર કર્યાે હતો કે ભારત પોતાની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા બાબતે કોઈ બાંધછોડ કરશે નહીં.

તેમણે વધુમાં ઉમેર્યું કે ભારત આવા તમામ ભ્રામક અને ખોટા પ્રયાસોને સંપૂર્ણપણે અસ્વીકાર કરે છે. ચીન દ્વારા કરવામાં આવતા ખોટા દાવાઓ અને મનઘડંત વાર્તાઓ કોઈપણ રીતે સત્યને બદલી શકતી નથી.

અરૂણાચલ પ્રદેશ સહિત ભારતના તમામ ક્ષેત્રો હંમેશા દેશનો અવિભાજ્ય હિસ્સો રહ્યા છે અને ભવિષ્યમાં પણ રહેશે. ઉલ્લેખનીય છે કે, વિદેશ મંત્રાલયનું આ નિવેદન ચીનના એ અહેવાલ બાદ આવ્યું છે જેમાં તેણે અરૂણાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોના નવા નામો જાહેર કરવાની કુચેષ્ટા કરી હતી. ભારતે આ પગલાને રાજકીય અને ભડકાઉ ગણાવ્યા છે અને ચીનના આવા તમામ દાવાઓને ફરી એકવાર પસ્તી સમાન ગણાવી ફગાવી દીધા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.