Western Times News

Gujarati News

ઊંઝા પાલિકાની ચૂંટણીમાં ૪૪ ફોર્મ રદ: પાલિકાના ૯ વોર્ડમાં ૧૧૭ ફોર્મ ભરાયાં હતાં

ઊંઝા, ઊંઝા નગરપાલિકા, તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની ત્રણ બેઠકો માટે આજે ફોર્મ ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ઊંઝા નગરપાલિકામાં કુલ ૧૧૭ ફોર્મ ભરાયા હતા. જેમાંથી ૪૪ જેટલા ફોર્મ રદ થતાં હવે ૭૩ ઉમેદવાર મેદાને છે. જોકે, બુધવારે ફોર્મ પરત ખેંચવાના દિવસે કોણ મેદાનમાં રહેશે તે ચિત્ર સ્પષ્ટ થશે.

ઊંઝા તાલુકા પંચાયતની વિવિધ બેઠકો માટે ભાજપ-કોંગ્રેસ તેમજ આપ સહિતના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, જિલ્લા પંચાયતની ત્રણ બેઠકો પૈકી કામલી ઉનાવા બેઠક પર ભાજપ-કોંગ્રેસ, આપ ઉમેદવાર ચૂંટણી જંગમાં છે જ્યારે કહોડા જિલ્લા પંચાયતની બેઠક માટે ભાજપ-કોંગ્રેસ મેદાને છે.

આજે ફોર્મ ચકાસણી દરમિયાન જિલ્લા પંચાયતની ઉનાવા બેઠક પર કોંગ્રેસનું મેન્ડેટ ના મળતાં ફોર્મ અમાન્ય રહ્યું હતું, જ્યારે કોંગ્રેસની મેન્ડેટ વાળું ફોર્મ માન્ય રહેવા પામ્યું છે.

આ ઉપરાંત ઊંઝા તાલુકા પંચાયતની કરલી અને ઐઠોર સહિતની બેઠકો પર સાત જેટલા ફોર્મ રદ થયા છે, જ્યારે ઊંઝા નગરપાલિકાની ચૂંટણીમાં ૪૪ ફોર્મ રદ્દ થયેલ. જેમાં વોર્ડ નં.૧ માં ૧૧, વોર્ડ નં.૨માં ૨, વોર્ડ નં.૩માં ૨, વોર્ડ નં.૪માં ૭, વોર્ડ નં.૬માં ૬, વોર્ડ નં.૭માં ૬, વોર્ડ નં.૮માં ૨ અને વોર્ડ નં.૯માં ૬ ફોર્મ રદ્દ થયેલા છે.ઊંઝા ઃ ઊંઝા તાલુકાના પંચાયતની વરવાડા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર સોનલબેન સતીશકુમાર પટેલે ઉમેદવારી નોંધાવી હતી.

જ્યારે તેમના ડમી ઉમેદવાર તરીકે ડિમ્પલબેન પટેલે ફોર્મ ભર્યું હતું. તાલુકા ભાજપ પ્રમુખ હર્ષદ પટેલની સોગઠાંબાજીને કારણે ૧૭-વરવાડા સીટ હવે બિનહરીફ થવા તરફ જઈ રહી છે. ભાજપની આ વ્યૂહરચના સામે વિપક્ષ કોંગ્રેસ લાચાર જણાઈ રહી છે.

વરવાડા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાય તેવી શક્યતા હતી. કોંગ્રેસે ભાજપના ડમી ઉમેદવાર પટેલ ડિમ્પલબેન પિનલકુમારને મેન્ડેટ આપીને મોટો દાવ ખેલ્યો હતો. જોકે તાલુકા ભાજપ પ્રમુખ હર્ષદ પટેલે આ દાવને ઉલટો પાડી દીધો હોવાનું જાણવા મળેલ છે.

મળતી માહિતી અનુસાર, તાલુકા ભાજપ પ્રમુખની સમજાવટ અને આંતરિક રણનીતિને સફળતા મળી છે. જેના કારણે હવે કોંગ્રેસના ઉમેદવાર મેદાનમાંથી ખસી જવાની પૂરેપૂરી શક્યતા છે. ભાજપના ઉમેદવાર પટેલ સોનલબેન સતીષકુમાર હવે આ બેઠક પર બિનહરીફ જાહેર થાય તેવી સ્થિતિ નિર્માણ પામ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.