Western Times News

Gujarati News

ગણદેવીમાં મેન્ડેટ ન મળતા કોંગ્રેસના ૨૦ ફોર્મ રદ, ભાજપનું ક્લીન સ્વીપ

નવસારી, નવસારી જિલ્લાની ગણદેવી નગરપાલિકાની ચૂંટણીમાં પક્ષનો મેન્ડેટ નહીં હોવાનાં કારણે કોંગ્રેસનાં તમામ ૨૦ ઉમેદવારી ફોર્મ રદ થયા હતા. જ્યારે એક અપક્ષનું ફોર્મ રદ થતાં ભાજપ કુલ ૨૪ પૈકી ૨૧ બેઠકો પર બિનહરીફ થઈ છે.

આમ કોંગ્રેસે ગણદેવી નગર પાલિકા ગુમાવી દીધી છે. હવે મેદાનમાં ૩ ઉમેદવારો છે. સંભવતઃ ફોર્મ ખેંચવાનાં દિવસે આ ત્રણ સીટ પણ બિન હરીફ કરવાની તૈયારી ભાજપે કરી લીધી છે.ગણદેવી નગરપાલિકાનાં કુલ ૬ વોર્ડની ૨૪ બેઠકોની ચૂંટણી માટે ભાજપે ૪૯, કોંગ્રેસે ૨૦ અને અપક્ષો મળી ૬૯ ઉમેદવારી ફોર્મની ચકાસણી હાથ ધરાઈ હતી.

જેમાં કોંગ્રેસી ઉમેદવારોના ફોર્મ સાથે પક્ષનો મેન્ડેટ નહીં હોવાથી તેને રદ કરાયા હતા. જ્યારે એક અપક્ષનું મળીને કુલ ૨૧ ઉમેદવારી ફોર્મ કેન્સલ થયા હતા. જેના પગલે ભાજપે ૨૪ પૈકી ૨૧ બેઠકો બિનહરીફ મેળવી છે. હવે ભાજપનાં ૩ ઉમેદવારોએ અપક્ષો સામે ચૂંટણી લડવાની આવી છે.ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેવાનાં અંતિમ દિવસે આ ૩ ઉમેદવારો પણ બિનહરીફ થાય તેવી ગોઠવણ કરી દેવાઈ હોવાનું જાણવા મળે છે.

હાલ મેદાનમાં વોર્ડ નંબર ૧માંથી ભાજપનાં રાજેશભાઈ પટેલ, વોર્ડ નંબર ૪માં નિલેશકુમાર શર્મા ઊભા છે. તેમની સામે જયેશભાઈ ઢીમ્મર (અપક્ષ) બંને વોર્ડમાં ઊભા છે.

જ્યારે વોર્ડ નંબર ૬માં ભાજપનાં કેયુરભાઈ વશી સામે અપક્ષ ઉમેદવાર અશોકભાઈ ઢીમ્મર ઊભા છે.કોંગ્રેસ પક્ષનાં બેજવાબદારી ભર્યા વહીવટી વર્તનની પાછળ ખરેખર કારણ શું છે? મેન્ડેટ સમયસર કેમ રજૂ કરી શકાયા નહીં? ભાજપને ક્લીનસ્વીપ માટે પડદા પાછળ કોઈ ખેલ થયો છે? એવા આક્ષેપો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ સામે ખુદ તેમનાં પક્ષનાં કાર્યકરો લગાવી રહ્યા છે.

એક વાત ચોક્કસ છે કે લોકોના મનમાં શંકા ઉપજાવનારૂ વર્તન કોંગ્રેસનું આ કિસ્સામાં રહ્યું છે. ભાજપ સામે તો સામ, દામ, દંડ, ભેદની નીતિનો ઉપયોગ કરી ચૂંટણી જીતવાનાં આરોપ લાગતા આવ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.