Western Times News

Gujarati News

ગુજરાતઃ ૯૩૮ ફોર્મ પરત ખેંચાતા કુલ ૨૭,૨૯૭ ઉમેદવારો મેદાને

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ

ગાંધીનગર, ગુજરાતની ૨૬ એપ્રિલ, ૨૦૨૬ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ ૯૩૮ ફોર્મ પરત ખેંચાયા છે. જેને લઈને હવે કુલ ૨૭,૨૯૭ ઉમેદવારોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા જઈ રહ્યા છે. ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ શનિવારે હતો.

જો કે, વિવિધ રાજકીય પક્ષ દ્વારા ઉમેદવારોના નામ છેલ્લી ઘડી સુધી જાહેર કરાયા ન હતા. આ દરમિયાન શુક્રવારે મોડી રાત્રે તેમજ ડાયરેક્ટ મેન્ડેટ આપેલા ઉમેદવારો આખરી દિવસે ફોર્મ ભરવા આવતા રાજ્યભરની કચેરીઓમાં ભારે ભીડ પણ જામી હતી, તો ક્યાંક વિવિધ રાજકીય પક્ષોના કાર્યકરો વચ્ચે ખેંચતાણના ફિલ્મી દૃશ્યો પણ સર્જાયા હાત. આ ઉમેદવારી પરત ખેંચવાની તારીખ ૧૫ એપ્રિલ અને સમય બપોરે ૩ વાગ્યા સુધીનો હતો.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ૧૫ મનપા અને ૩૪ જિલ્લા પંચાયતો માટે ૨૬ એપ્રિલે મતદાન, પરિણામ ૨૮મીએ

હાલ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. આ પૈકી મહા નગર પાલિકામાં ૭૦, નગર પાલિકામાં ૧૮૮, જિલ્લા પંચાયતમાં ૧૪૧ અને તાલુકા પંચાયતમાં ૫૩૫ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા છે.

રાજ્યમાં મહા નગર પાલિકામાં ૩૫૦૮ ઉમેદવાર, નગર પાલિકામાં ૬૧૦૪, જિલ્લા પંચાયતમાં ૩૨૨૬ અને તાલુકા પંચાયતમાં ૧૪,૪૫૯ ઉમેદવારો વચ્ચે જંગ થવાનો છે. આમ, કુલ ૨૭,૨૯૭ ઉમેદવારોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.

નોંધનીય છે કે, રાજ્યમાં ૨૬ એપ્રિલના રોજ ૧૫ મહા નગર પાલિકા, ૮૪ નગર પાલિકા, ૩૪ જિલ્લા પંચાયત અને ૨૬૦ તાલુકા પંચાયતની ચૂંટણીઓ તેમજ ૧૧ નગર પાલિકાઓની ખાલી પડેલી ૧૩ બેઠકોની પેટા ચૂંટણી યોજાશે. આ ચૂંટણીની મત ગણતરી ૨૮ એપ્રિલ ૨૦૨૬ના રોજ હાથ ધરાશે. આ વખતની ચૂંટણીમાં ઓબીસી અનામત બેઠકોના નવા રોટેશનનો અમલ કરાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.