Western Times News

Gujarati News

‘ધ ઓડિસી’ ભારતમાં ૨,૫૦૦થી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ થશે

ફિલ્મ પ્રથમ દિવસે ૧૭થી ૧૮ કરોડની ઓપનિંગ કરશે !

ભારતનાં ૩૪ આઇમેક્સ સ્ક્રીન્સ પર ફિલ્મ માટે અત્યાર સુધીમાં ૯૧ હજાર ટિકિટોનું વેચાણ થયું

મુંબઈ,હોલિવૂડના દિગ્દર્શક ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ ‘ધ ઓડિસી’ની રિલીઝને હવે એક જ દિવસ દૂર છે અને ફિલ્મને લઈને દેશભરમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મુંબઈમાં ક્રિસ્ટોફર નોલાન, ટોમ હોલેન્ડ અને મેટ ડેમનની હાજરી બાદ ફિલ્મનાં ક્રેઝમાં ખાસ વધારો થયો છે.ફિલ્મનાં એડવાન્સ બૂકિંગ ૮ જૂનથી જ શરૂ કરવામાં આવ્યાં હતાં, એટલે કે રિલીઝના એક મહિના કરતાં પણ વધુ સમય પહેલાં શરૂ થઈ ગયું હતું.

આ અંગેના અહેવાલ મુજબ, ફિલ્મે પ્રથમ દિવસ માટે અત્યાર સુધીમાં અંદાજે ૧.૨૫ લાખ ટિકિટો વેચી દીધી છે. તેમાં પીવીઆર આઈનોક્સમાં જ આશરે ૫૦ હજાર અને સિનેપોલિસમાં લગભગ ૧૨ હજાર ટિકિટનું વેચાણ થયું છે. સમગ્ર પ્રથમ વીકેન્ડ માટે ફિલ્મે લગભગ ૨.૫૦ લાખ ટિકિટો વેચી છે. પીવીઆર આઇનોક્સે પણ સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી કે સોમવાર રાત સુધીમાં ૧.૨ લાખ ટિકિટોનું વેચાણ થઈ ચૂક્યું છે.ભારતનાં ૩૪ આઇમેક્સ સ્ક્રીન્સ પર ફિલ્મ માટે અત્યાર સુધીમાં ૯૧ હજાર ટિકિટોનું વેચાણ થયું છે, જેના કારણે અંદાજે ૯.૫ કરોડનું લગભગ ટિકિટ વેચાણ નોંધાયું છે. નોંધનીય છે કે ‘ધ ઓડિસી’ વિશ્વની પહેલી એવી ફીચર ફિલ્મ છે, જે સંપૂર્ણપણે આઇમેક્સ કેમેરા પર શૂટ કરવામાં આવી છે.

તેથી આઇમેક્સ ફોર્મેટમાં ફિલ્મ જોવા માટે દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ક્રિસ્ટોફર નોલનની અગાઉની ફિલ્મ ‘ઓપેનહાઇમર’ (૨૦૨૩)એ એડવાન્સ બૂકિંગમાં લગભગ ૨ લાખ ટિકિટો વેચી હતી. હવે ‘ધ ઓડિસી’ આ આંકડાને પાછળ છોડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.વેપાર વર્તુળોના અંદાજ મુજબ, ફિલ્મ પ્રથમ દિવસે ૧૭થી ૧૮ કરોડની ઓપનિંગ કરી શકે છે. જો આગામી દિવસોમાં એડવાન્સ બૂકિંગમાં વધુ તેજી જોવા મળશે તો ૨૦ કરોડની ઓપનિંગ પણ શક્ય હોવાનું માનવામાં આવે છે.

જબરદસ્ત પ્રી-રિલીઝ હાઇપને ધ્યાનમાં રાખીને ‘ધ ઓડિસી’ને ભારતમાં ૨,૫૦૦થી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવશે. સરખામણી કરીએ તો ‘ઓપેનહાઇમર’ને ભારતમાં ૧,૯૨૩ સ્ક્રીન્સ મળી હતી. સરવાળે સિનેમા માલિકો માટે જુલાઇ મહિનો સારો રહ્યો છે, જેમાં ધમાલ ૪ પણ આવી અને અંતિમ સપ્તાહમાં સ્પાઇડરમેનઃ ધ બ્રાન્ડ ન્યુ ડે પણ રિલીઝ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.